Abtak Media Google News
  • આલણદે એંકાર,  આ કાયાનો કરીયે નઈ, ઘડિયલ કર્યો ઘાટ,  માટીમાં જાશે મળી
  • ‘નાગમદે, આવી નમેરી ને દલ વગરની કેમ થઈ ગઈ ? આ તો મારો ધણી છે. બાઈ, હૈયાની અગન કાંઈ પારકા ધણીએ નો ઠરાય!’
  • નાગવાળાનો પ્રેમ આ વાવમાં પડયો છે. આપણે બેય ભેદભાવ છોડી, એક બનીને એને શોધી કાઢીએ

કાળના પડછાયા

લાખુ ને નાગમદે આજ કાંક વહેલાં વડવાળી વાગ્યે આવી ગયા હતાં . ગઈકાલની સઘળી વાત નાગમદેએ લાખુને કહી . એ વાત સાંભળી લાખુએ કહ્યું :  નાગમ , તમે બેય વાવમાં પડશો તો પછી … ”

” એમાં પછી શું ? અમે એક વાત નક્કી કરી છે … એણે પોતે મરદ છે ઈ ભૂલી જાવું … મારે સ્ત્રી છું એઈ વીસરી જાવું … પછી શુ વાંધો ? બે પુરુષ વાવ્યમાં નોં પડે ? બે સ્ત્રીયું પણ હારે નોં ના’ય ? અને આ કાંઈ પર પુરુષ છે નઈ … સૂરજની સાખે એણે મારો હાથ પકડ્યો છે ને મેં એનું હૈયું ઝીલ્યું છે ! હું તો કઉં છું કે તુંય અમારી હાર્યે વાવમાં પડજે !

‘ નહિ નાગમ … મેં થી નોં પડાય … ભાઈ બે’નની ભગવાને જે મરજાદ ઘડી છે એનો મરતબો તો સઉએ રાખવો જોઈં … વળી , મને તરતાં આવડતું નથી .’  લાખુએ કહ્યું.

બેય બેનપણીઓ વાતો કરે છે … વૈશાખના છેલ્લા દિવસો છે … ધોમ ધખતો હોવા છતાં વડ નીચે એવી શીતળતા છે કે કાયાનો થાક ઊતરી જાય ને નવી તાજગી મળે .

આજ રોંઢાનું ભતવારું લાખું લઈ આવી હતી . જારબાજરાનો રોટલો , અડદની ફોતરાળી દાળ, ગળ, લસણનો મસાલો અને રેડીયા જેવી મોળી છાશની દોણી.

આ બધી સામગ્રી વડના થડ પાસે ગોઠવીને મૂકી રાખી હતી . બંને બહેનપણીઓ વાતો કરી રહી હતી અને નાગવાળાની વાટ જોતી હતી .

ગલા પટલની વાડીથી રસ્તો અધખેતરવા દૂર હતો. આલણદેને મીઠી ટાણાસર આવી ગયા હતા. વાડીએ

ગલાની વહુ હતી … રાજરાણીને  આવેલા જોઈતે ભારે હરખમાં આવી ગઈ….  ચારપાંચ વૃક્ષની ઘટા નીચે ધડકી પાથરીને રાણીમાને બેસાડ્યાં . ટાઢા પાણીનો મોરિયો ને પાણી પીવાનાં લોટકાં મૂક્યાં.

વેલડી હાંકનારો રાજનો જૂનો નોકર આપો હાથીયો હતો . તે સિત્તેર વરસનો વૃદ્ધ હતો . પણ કાયા ને નજર નરવાં હતાં.

મીઠીએ ગલા પટલની વહુ અને બે છોકરાંવને સુખડી ને ગાંઠિયા આપતાં કહ્યું :  ‘રોઢો કરો તઈ હાર્યે ખાજો … ગલા પટલ ગામમાં ગીયા છે.?’

‘ હા … હું કોકને બેલાવા મોકલું … અમારાં બા અમારી વાડીયે આવ્યાં ને .. ’

વચ્ચે જ આલણદેએ કહ્યું : પટલાણી , પટલને બોલાવવાની કોઈ જરૂર નથી . ..બે ધડી વિસામો લઈને મારે એક માનતાએ જવાનું છે . તમે નિરાંતે તમારું કામ કરો .

આ વાડી ગામથી એકાદ ગાઉ છેટી હતી … પાણી ભારે મીઠું હતું અને ગલા પટલની વાડી ગામની બધી વાડીઓમાં પંકાતી હતી . વડવાળી વાવ ત્રણેક ખેતરવા છેટી હતી … વાવવાળો વડ અહીંથી દેખાતો હતો.

મીઠીએ આપા હાથીયાને પૂછ્યું :  ‘હાથીયાભાઈ, ઓલી વડવાળી વાવ્ય કઈ દશે છે ?’

‘ એ સામે ઓલ્યો વડ દેખાય ઈ …’

‘ ઈયાં જાવું હોય તો … ’

‘આપણે આવ્યાં ઈ રસ્તો જ એની કોર જાય છે … ને કોઈને પાળા જાવું હોય તો જુઓ , આ કેડી ધોળકાય છે ને ? ઈ સીધી વડવાળી વાવે જ જાય છે.’  આપા હાથીયાએ કહ્યું .

આલણદે બધું સમજી ગઈ. મીઠીએ પાણી પાયું … લવિંગ , સોપારી ને એલચીની પેટી કાઢી …

છાંયો ભારે શીળો હતો . . .ઊના પવનની લેરખિયું આવતી હોવા છતાં હરિયાળાં વૃક્ષોની ઘટાઓના કારણે બત્રીસે કોઠે દીવા થાય એવી ટાઢક જણાતી હતી.

બે ઘડી ભારે આરામ મળ્યો અને આપા હાથીયાએ કહ્યું :  ‘મા , દરબારને લઈને માણકી વાજોવાજ આવતી લાગે છે …’

‘  મને ખબર છે …’  કહીને આલણદે ઊભી થઈ …

લેરખડો અસવાર નાગવાળો આડું અવળું ક્યાંય જોતો નહોતો..અને માણકી પાણીના રેલા માફક જાતી હતી.

નાગવાળો જેવો આગળ નીકળ્યો કે તરત આલણદેએ  મીઠી , તું અહીં જ રે’જે … ને હું જેવી દરબાર હાર્યે પાછી વળે તેવું તું વેલડું તૈયાર કરાવીને મારગે ઊભું રાખજે .

‘ બા … આપ એકલાં જશો ? ’

‘મને શોભો છે ? મારા ધણી પાસે જાવામાં શેનો ભો….?

કહીને આલણદે કેડીને રસ્તે ચાલતી થઈ.

આપો હાથીયો જોઈ રહ્યો . કેમ એકલાં ગયાં હશે ઈ કોઈ સમજાણું નહિ … ગલા પટલની વહુએ તો એમ જ માની લીધું , માનતામાં પગે ચાલીને જવાનું હશે!

નાગવાળાની માણકી તો થોડે દૂર જતાં જ દેખાવી બંધ થઈ ગઈ … કારણ કે થોરની વાડ્યું આડે આવતી હતી .

અને આલણદે આજ મનમાં ગોઠવી રાખેલા નિશ્ચયને સાકાર બનાવવા ઝડપભેર ચાલવા માંડી .

નાગવાળાને જોતાં જ નાગમદે ને લાખુ ઊભાં થઈ ગયાં નાગવાળાએ લાખુ સામે જોઈને કહ્યું : ‘કાલ તું શે’2માં ગઈ’તી … તારા વનાં અમને બેયને ગમ્યું નો’તું . ’

શું કરું ભાઈ , ગીયો વારો તો મેં રાજલને ભળાવ્યો’તો … કાલ ગીયા વનાં છૂટકો નો’તો …’

માણકીને છૂટી મૂકીને નાગવાળો બંને પાસે ગયો . ત્રણેય હેઠાં બેસી ગયાં.

નાગમદેએ નાગવાળા સામે જોઈને કહ્યું : ‘ત્રણ દી પછી જેઠી બીજ આવશે … તે દી મેં ને લાખુએ એક વચાર કર્યો છે.

‘ શું ?’

જવાબ લાખુએ દીધો :  ભાઈ , તમારાં લગનની વાત આતાને કઈ દેવી જોઈ … નાગમદે તો તે દી જ કે’વા માગતી’તી . પણ મેં એને માંડ વારીતી … હવે મને ખાતરી થઈ ગઈ છે કે , વાત કરી નાખવી એમાં જ સારું છે.

‘ ખાતરી કઈ વાતની થઈ ગઈ ?  નાગવાળાએ પ્રશ્ન કર્યો .

લાખુએ કહ્યું :  ‘હવે બેયનાં મન જુદાં નઈં પડે ઈ વાતની .’

નાગવાળો મીઠું હસ્યો . નાગમદેએ કહ્યું : ‘પાછું મોડું થઈ જશે .

હવે આપણે વાવમાં ખાબકીયે

”  હા …”  કહીને નાગવાળાએ કેડીયું , પાઘડી વડના થડ પાસે મૂક્યાં . પંચિયામાં બાંધેલ સુખડી ગાંઠિયાનો પડીકાં પણ ભતવારા ભેગા મૂક્યાં અને પંચિયું પે’રી લીધું .

નાગમદેએ થેપાડાનો કછોટો માર્યો … ચોરસો વડ નીચે મૂક્યો અને કમખો એમ ને એમ પહેરી રાખ્યો .

લાખુએ કહ્યું :  ‘તમે બેય નાઈ લો .  હું અહીં બેઠી છું …’

‘ તે તુંય હાલને … વાવને કાંઠે ઊભી રે’જે … ’ ’ નાગમર્દેએ કહ્યું .

‘ ના . તમે બેય ઝટ નાઈ લો … કાગડા ને સમળા ભાત પીંખી નાખશે અને મને આંહી ઠીક પડશે …”

નાગવાળાએ કહ્યું :  વડનું થડ ક્યાં છેટું હતું ? બેય ઠેકાણે નજર રાખી શકાશે … ’

‘તમે ના’વા , તો પડો … હું જરા કળશ્યે જઈને આવું છું લાખુએ કહ્યું .’

નાગવાળો ને નાગમદે વાવ તરફ ગયાં .

નાગવાળાએ કહ્યું :  ‘નાગમ … વડની આ ડાળ્ય બરાબર વાવની માથે આવે છે..ધુબાકા મારવા હોય તો …’

‘ના . નાગ … જૂનો વડ છે ને ક્યાંક ડાળ્ય બટકે તો ભારે થાય ..’  કહી નાગમર્દ વાવમાં ઊતરવા માંડી … નાગવાળો પણ એની પાછળ ઊતરવા માંડ્યો.

પાંચેક પગથિયાં પાણીબૂડ હતાં … બંને ધીરે ધીરે પાંચેય પગથિયાં ઊતર્યાં ને બંનેએ એકબીજાના હાથ પકડીને વાવ્યમાં ઝંપલાવ્યું .

લાખુએ ક્યારનો એક લોટકો ભરી રાખ્યો હતો . તે ઊઠીને થોરની વાડય પાછળ ગઈ.

બરાબર આ ટાણે આલણદે આવી પહોંચી . તેણે વડ નીચે ધણીના કપડાં પડેલાં જોયાં … એક ચોરસો પણ જોયો … એના હૈયામાં અત્યાર સુધી દબાયેલી રોષની જવાળા ભભૂકી ઊઠી … તે ધૂંવાંપૂવો થાતી વાવના કાંઠે ગઈ .. અંદર નજર પડતાં જ તેનાં રોમેરોમ સળગી ઊઠ્યાં . નાગમદેની અપૂર્વ સુંદરતા તેને આગ જેવી દેખાણી .. બંનેને કશું ભાન નહોતું  એકબીજાના હાથ પકડીને ડબકીડો’ળ રમી રહ્યાં હતાં અને

એકાએક નાગવાળાના મનમાં થયું , કાંઠે લાખુ ઊભી લાગે છે..તેણે નાગમદેને પાણી છાંટતાં છાંટતાં ઉપર નજર કરી … અને કાઠિયાણીને જોતાં જ એના મોઢા પરનો ઉમંગ જાણે ઘવાયો . .નાગમદેએ પણ જોયું અને પુછયું: ‘કોણ છે?

‘આલણદે …’  નાગવાળાએ ધીરેથી કહ્યું .

અને આલણદેનો તેજભર્યો અવાજ આવ્યો :  ‘નાગમદે, આવી નમેરી ને દલ વગરની કેમ થઈ ગઈ ? આ તો મારો ધણી છે . બાઈ, હૈયાની અગન કાંઈ પારકા ધણીએ નો ઠરાય !’

‘નાગમદે નમેરી કાંઉ થી ?

આ તો મારો નાગ ;

ભૂંડી હૈયા આગ,

પર દલથી કાં ઠારતી ? ’

નાગવાળો તો અવાક્ થઈ ગયો . નાગમદેના વદન 52 કોઈ ભય નહોતો , કોઈ ગ્લાનિ નહોતી … તે તો પરમ આનંદભરી નજરે આલણદે સામે જોઈ રહી હતી … એની આંખનું તેજ અજોડ હતું … એના વદનની સુકુમારતા ગુલાબની પાંખડીઓ સમી હતી.

આલણદે ફરી વાર રોષપૂર્વક બોલી :  ‘ફટ છે નાગમદે , તને ! તેં તારા કળને ને આખી જાતને લજવી મારી … બી બદલો થીયા વગર આવી કજાત ન પાકે ! ’

લજવ્યું તારા કુળને ;

નીવડી કાંઉ કજાત,

બી બદલ્યું કાં નાગદે !

નાગમદેના વદન પર કોઈ પ્રકારનો રોષ નહોતો … એવી ને એવી પ્રસન્નતા હતી … તે રૂપાની ઘંટડી જેવા મીઠા સાદે બોલી :  ‘આવ બોન , આવ … ખિજાવા જેવું કાંઈ નથી . આ વાવના ઊંડા નીરમાં નાગનો પ્રેમવેઢ પડી ગીયો છે … આલણદે , આવ … બોન , આવ … આપણે બેય ગળે બ્થું લઈને ગોતી કાઢીએ.’

વાળા નાગનો વેઢ,

પાણીમાં પડી ગીયો;

આવને આલણદે,

ગળે બથું લઈ ગોતીએ.

આલણદેના રોષમા હ્રદયને  નાગમદેના શબ્દોનો મર્મ સમજાયો નહિ. નાગમદેએ તો નરવી વાત કહી હતી.નાગાળાનો પ્રેમ આ વાવમાં પડયો છે. આપણે બેય ભેદભાવ છોડી , એક બનીને એને શોધી કાઢીએ… પણ આલણદેને તો આશબ્દોમાં પરિહાસ દેખાયો. તેણે નાગવાળાસામે જોઈને કહું: ‘દરબાર, મારો વાંક ગનો શું હતો? હજાર માણહના વચ્ચે ને અગ્નિની સાખે તમે મારો હાથ પકડયો  હતો…. મારામાં તમને કઈ ખોડ દેખાણી? શું મારી કાયા નરવી નથી ? શું મારામાં રૂપ કે જુવાની કાંઈ નથી?

નાગવાળાના મનમાં થયું , જો અત્યારે બધી વાતનોે ખુલાસો કરીશ તો આલણદે માનશે નહિ એવો ક્રોધ આસમાને પહોંચશે અને એમાં બળવું પડશે નિર્દોષ નાગદેને.

આલણદેએ ધણીને સાવ મૌન જોઈને કહ્યું: ‘નાગમના તેરે  ઘાયલ થયેલા મારા કંથ , પાણીનો તરસ્યો જુવાન પાણી જોઈને એમાં ખાબકે તો એની ઇજ્જત ને આબરૂ ભેય પલળે છે.

જળ તરસ્યો જુવાન;

જળ જોઈ જળમાં પડે :

ભીંજે પાખર ને પલાણ,

હે વીધાયલ નાગડા !

નાગવાળો મૌન જ હતો … એના મનમાં અનેક વિચારો આવતા હતા.

નાગમદેએ કહ્યું : ‘બોન, આવા કપરાં વેણ કાઢયં મા આ નથી રૂપની કે કાયાની વાત … આલણદે, અથરી થા મા વાતને સમજ … એકાર કર્ય માં… તું ધીરી થા તો હું બધું તને કહું..’

આલણદે એંકાર,

આ કાયાનો કરીયે નઈ

ઘડિયલ કાર્યો ઘાટ

માટીમાં જાશે મળી.

શોભે નઈ…

નારી તો ભગવાનની જનેતા છે … તું ય નારી છો .. જરા વિચાર કર્ય … અમારી પૂરવ ભવની પ્રીત્યું સામે નજર કરે .મેં ને નાગે કોઈ પાપ નથી કર્યું … ઈ પુરુષ મટી ગયો છે, હું અસ્ત્રી મટી ગઈ છું … તારું મારે કાંઈ લેવું નથી … ઝૂંટાવવાનો પણ વચાર મારા મનમાં આવ્યો નથી … ! ’

આલણદે તાડુકી ઊઠી :  ‘દરબાર , તારીને તું વાર … મેંથી જળવાતી નથી . તારી નજરુંમાં એને પૂરી લે . .ભલો થઈને એને વાર…’

તારીને તું વાર

મેં જાળવી જળવાય નઈં

નરાં નેવાળામાં બાંધ,

નજરે તારી નાગમદે !

અત્યાર સુધી મૌન રહેલો નાગવાળો બોલ્યો :  ‘આલણ , તું અમારી વાતથી અજાણ છો … જાણ્યા વગર વાદ કરવો એ તને શોભતો નથી . તું જરા વિચાર તો કર … તું રાજરાણી છો … નાગમદે તો હજી નાની છે …’

આલણદે અજાણ,

વણપૂછી વાતો કરે,

મીટડિયું મ તાણ.

નાગમદે તો નાની છે …

આલણદેથી રહેવાયું નહિ … સહી શકાયું નહિ . તે બોલી ઊઠી :  ‘ફટ છે , તને મેં પારકી બાયડિયુંનો ભોગવના2ો જાણ્યો હોત તો હું મોડ બાંધતી વખતે જ અફીણ ઘોળીને પી જાત … કાં તો કોઈ કૂવો ગોઝારો કરત … અરેરે , મારા જીવતરમાં વખ રેડવાનું તને આ શું સૂઝ્યું ? હું શું કરું ? મારા ધણી … મારા ઉદરમાં ત્રણ મહિનાનું બાળક પુરાણું છે . નઈં તો અત્યારે જ વખ ઘોળીને પી જાત … હવે ઉપર આવ … નઈં તો બાવડું પકડવા હું નીચે આવું .

નાગવાળાને થયું આલણદે અત્યારે ક્રોધવશ બની ગઈ છે.  એને કાંઈ  કહેવું ઉચિત નથી. આજ ઈ સાચા પ્રેમને એના સ્વરૂપે જોઈશકે એમ નથી. આંખમાં મારાપણાનો અંધાપો ઉભરાયો છે.

તેણે નાગમદે સામે જોઈને કહ્યું , ‘નાગમ , હું જાઉં છું … તુ

મનમાં કાંઈ લાવીશ નઈ … તલવારના એક ઝાટકે આલાને જવાબ આપવાનું મારામાં બળ છે . પણ જેના હૈયામાં પવિત્ર પ્રેમનો છોડ ઊગે છે ઈ પોતાની જાતને પશુ થાવા દેતો નથી . હું ઘરમત રાખજે…’

લાખુ કળશ્યે જઈને વડના ઓથે જ ઊભી રહી ગઈ હતી . એની હિંમત ઓગળી ગઈ હતી . એની આંખો સજળ બની ગઈ હતી.

નાગમદેનું હૃદય બોલી ઊઠ્યું :  ‘અરેરે , અમારા પવિત્ર પ્રેમને પણ દુનિયા નથી પારખી શકતી ? આવો અંધાપો કેમ ઊભો થયો હશે ? શું માનવી બહારનું જ જોઈ શકે છે ? અંદરનું જોવાનું એનામાં કોઈ દૈવત નથી રહ્યું ? ’

નાગવાળો વાવમાંથી બહાર નીકળ્યો અને બોલ્યો :  ‘હાલ્ય, આલણ ! હું તારી સાથે આવું છું … મારો ભય રાખીશ નહિ . ” આમ કહી તેણે વડ નીચેથી પોતાનાં કપડાં લીધાં અને બદલાવ્યાં … લાખુ સજળ નયને સામે આવી . આલણદે બીજી જુવાનડીને જોઈને ચમકી … પણ લાખુ બોલી :  ‘વીરા , મેં કે નાગમે આવું સપને ય નહોતું ધાર્યું . હવે શું થાશે ?

‘કંઈ નહિ થાય , બોન ! મારી ઘરવાળીનું મન અત્યારે ઊકળી રહ્યું છે … ટાઢું પડશે એટલે ઈ બધું સમજી જશે … ” ત્યાર પછી નાગવાળાએ માણકીને બૂમ મારી .

નાગમદે પણ વાવની બહાર આવી ગઈ હતી … હજી તેણે કપડાં નહોતાં બદલાવ્યાં … જળ નીતરતી એની સોનવરણી કાયા જાણે રૂપના ફૂલડાં બિછાવી રહી હતી .

માણકી આવી… નાગવાળાએ પત્ની સામે જોઈને કહ્યું :  ‘આલણ’ તું ઉપર બેસી જા . હું માણકીને દોરીશ.’

‘ આલણદેએ કહ્યું :  તમે જ બેસો , દરબાર … હું માણકીને દોરીશ … મેથી બેસાય નહિ … ’

‘ કાં ?’

‘  દૂધ સૂયાણીને પૂછી જોજો.’

નાગવાળો કંઈ પણ ઉત્તર આપ્યા વગર માણકી પર સવાર થઈ ગયો. આલણદે ચોકડું પકડી ચાલવા માંડી.

નાગમદે સજળ નયને નિહાળી રહી હતી.

ઝીલણ સરખી જોડય,

પરભુએ પાડી પરી;

કરતી જેના કોડ

નેચળ મળીયો નાગડો …

લાખુએ નાગમ પાસે આવીને તેનો હાથ પકડીને કહ્યું :  નાગમ …. ‘હવે શું થાશે ? ’

‘ લાખુ , થવાનું શું હતું ? આ તો પ્રેમનો મારગ છે … આ મારગ ભારે આકરો છે … શૂરા સિવાય કોઈના પગ ટકી શકે નહિ . મારા ને નાગના પગને કોઈ ઊખેડી શકશે નહિ … તેં જોયું નહિ … નાગે આલણ માટે મને શું કહ્યું હતું ? ઈ માણસ રે’વા માગે છે … ઢોર બનવા નથી માગતો ..’

‘તારી વાત સાચી છે …’  લાખુએ કહ્યું.

નાગમે કપડાં બદલાવ્યાં .

રોંઢાનું ભાતું જાણે કાળનો પડછાયો ઝીલીને કરમાઈ ગયું હતું …

પણ નાગમદેના દેહને કાળનો પડછાયો જરાય અડકી શકતો નહોતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.