Abtak Media Google News

20 કાચા, 9 પાકા મકાન અને 65 જેટલા ઝૂંપડા સંપૂર્ણ ધરાશાયી, જ્યારે 474 જેટલા કાચા અને 2 પાકા મકાનને અંશત: નુકશાન

1137 જેટલા વૃક્ષો ધરાશાયી થતાં 263 રસ્તાઓ બંધ થયા હતા,આ તમામ વૃક્ષોને હટાવીને 260 રસ્તાઓ પુન: કાર્યરત કરાયા

કચ્છના દરિયાકાંઠે ગઈકાલે રાત્રે વાવાઝોડું ટકરાયા બાદ પ્રભાવિત જિલ્લાઓની પરિસ્થિતિનો તાગ મેળવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સવારે સીધા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા. જ્યાં મુખ્ય સચિવ સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી તેમણે વિગતવાર માહિતી મેળવી હતી.હવામાન વિભાગની આગાહી ધીરે ધીરે પવનની ગતિ ઘટશે. હજુ પણ પ્રભાવિત જિલ્લાઓમાં પવનની ગતિ વધુ હોવાથી કચ્છ, દ્વારકા, પાટણ અને બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.

રાહત કમિશનર આલોક પાંડેએ આ બેઠકની વિગતો આપતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં મોટી જાનહાનિ ટળી છે. રાજ્યમાં વાવાઝોડાના પરિણામે એક પણ માનવમૃત્યુ નોંધાયું નથી. આગોતરા આયોજનના ભાગરૂપે રાજ્ય સરકારે પ્રભાવિત વિસ્તારોમાંથી એક લાખથી વધુ નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતાં.મુખ્યમંત્રીએ બેઠકમાં ઉપસ્થિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ પાસેથી જિલ્લાવાર સ્થિતિની વિગતવાર માહિતી મેળવી હતી.

વાવાઝોડાના પરિણામે પ્રભાવિત જિલ્લાઓમાં પાણી, કમ્યુનિકેશન સિસ્ટમ, વીજળી અને રોડ રસ્તાને વેહલામાં વહેલી તકે પૂર્વવત કરવા સહિતની સૂચનાઓ આપી હતી. આ ઉપરાંત પ્રાથમિક નુકસાનીનો અંદાજ મેળવવા, અસરગ્રસ્તો માટે કેશડોલ, ઘરવખરી, ઝુંપડા સહાય અને પશુ સહાય જેવી વ્યવસ્થાઓ કરવા પણ ઉચ્ચ અધિકારીઓને જણાવ્યું હતું.

આલોક પાંડેએ કહ્યું હતું કે, વાવાઝોડાથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં આર્થિક નુકશાન છે. વાવાઝોડાના પરિણામે રાજ્યમાં 1137 જેટલા વૃક્ષો ધરાશાયી થતાં 263 રસ્તાઓ બંધ થયા હતા. આ તમામ વૃક્ષોને હટાવીને 260 રસ્તાઓ પુન: કાર્યરત કરાયા છે, જ્યારે 3 રસ્તામાં નુકશાન થયું હોવાથી તેને પૂર્વવત કરવાની કામગીરી હાલ ચાલી રહી છે. ભારે પવન કારણે અસરગ્રસ્ત જિલ્લાઓમાં 5120 જેટલા વીજ થાંભલાઓ પડી જતા 4600થી વધુ ગામમાં વીજળી ઠપ્પ થઈ હતી, જેમાંથી 3580 જેટલા ગામોમાં વીજળી પુન: સ્થાપિત કરવામાં આવી છે.

પીજીવીસીએલની ટીમો દ્વારા ચાલુ વરસાદે પણ બાકીના ગામોમાં વીજળી ચાલુ કરવા માટે સતત કામ કરી રહી છે.પ્રભાવિત જિલ્લાઓમાં 20 કાચા મકાન, 9 પાકા મકાન અને 65 જેટલા ઝૂંપડા સંપૂર્ણ રીતે ધરાશાયી થયા છે. જ્યારે 474 જેટલા કાચા મકાન અને 2 પાકા મકાનને અંશત: નુકશાન થયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.