Abtak Media Google News

સાંસદ મોહનભાઇ કુંડારીયાની ગ્રાન્ટમાંથી લોધિકા તથા સાણથલી આરોગ્ય કેન્દ્રને એમ્બ્યુલન્સ અપાશે 

રાજકોટ તાલુકાના કુવાડવા ખાતે મીડલ સ્કુલમાં રાજકોટ અને મોરબી જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા યોજાયેલા મેગા આરોગ્ય કેન્દ્રનું ઉદ્ધધાટન કર્યા બાદ અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરતા સાંસદ મોહનભાઇ કુંડારીયા જણાવ્યું હતું, કે કેન્દ્ર અને રાજ્ય સરકાર લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને મહત્તમ આરોગ્ય તબીબી સેવાઓ ઉપલબ્ધ કરી રહી છે. આ માટે ગ્રામ્યકક્ષાએથી લઈને જિલ્લા કક્ષા સુધી નબળા વર્ગ સહિતના લોકોને આરોગ્ય સુવિધા પુરી પાડવા માટે સરકાર દ્વારા વિવિધ આરોગ્ય વિષયક યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. મા અમૃત્તમ,માં વાત્સલ્ય યોજનામાં ૩ લાખ અને કેન્દ્ર સરકારની આયુષ્માન ભારત યોજનામાં પાંચ લાખ સુધીની આરોગ્ય સેવાનું કવચ પુરુ પાડવામાં આવે છે.

જયારે શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમમાં ગંભીર રોગો અને ઓપરેશનોમાં શાળાના બાળકોની સારવાર/ઓપરેશનમાં સો ટકા ખર્ચ સરકાર દ્વારા ભોગવવામાં આવે છે. સાંસદ મોહનભાઇ કુંડારીયાની ગ્રાંટમાંથી સાણથલી અને લોધિકા આરોગ્ય કેન્દ્રને બે એમ્બ્યુલન્સ આપવામાં આવશે. જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવાસિયાએ જણાવ્યું હતું કે,માનવીનું શારીરિક સ્વાસ્થ્ય સારુ હોય તો બધા કામ થઈ શકે છે. સરકાર દ્વારા ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં જન-જનને આરોગ્યલક્ષી સુવિધાઓ મળે તે માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

આ પ્રસંગે રાજકોટની સીવીલ હોસ્પિટલના અધિક્ષક ડો.મનીષ મહેતા, અગ્રણી  યુસુફભાઇ શેરસીયા, ગામના સરપંચ સંજયભાઇ પીપળીયા, જિલ્લા પંચાયતના સભ્ય બચુભાઇ, ગ્રામ્ય વિસ્તારના આગેવાનો, મેડીકલ સ્ટાફ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી કેમ્પનો લાભ લેવા મોટી સંખ્યામાં લોકો હાજર રહયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.