Abtak Media Google News

ગુજરાતના રાજ્યપાલ  આચાર્ય દેવવ્રત સમગ્ર દેશના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા પ્રેરિત કરી રહ્યા છે. હરિયાણાના ગુરુકુળ કુરુક્ષેત્રમાં 200 એકર ભૂમિમાં પ્રાકૃતિક કૃષિના તેમણે કરેલા સફળ પ્રયોગોના નિદર્શન માટે રાજ્યપાલના નિમંત્રણ પર ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને હરિયાણાના મુખ્યમંત્રીશ્રી મનોહરલાલ ખટ્ટર આજે સ્વયં ગુરુકુળ કુરુક્ષેત્ર પહોંચ્યા હતા. રાજ્યપાલએ બંને રાજ્યોના મુખ્યમંત્રીઓ અને પ્રતિનિધિ મંડળનું ગુરુકુળ કુરુક્ષેત્રની ધરતી પર ઉષ્માભર્યુ સ્વાગત કર્યું હતું.

રાજ્યપાલશ્રીએ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને હરિયાણાના મુખ્યમંત્રી શ્રીમનોહરલાલ ખટ્ટર તેમજ બંને રાજ્યોના પ્રતિનિધિ મંડળ સાથે વિચાર વિમર્શ કર્યો હતો અને ગુરુકુળ કુરુક્ષેત્રની ભુમિ પર થઈ રહેલી પ્રાકૃતિક કૃષિ અંગે જાણકારી આપી હતી. તેમણે રાસાયણિક કૃષિના દુષ્પરિણામોથી મુક્તિ મેળવવા માટે પ્રાકૃતિક કૃષિને મજબૂત વિકલ્પ તરીકે ગણાવી હતી અને જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે ગુજરાતના ખેડૂતો સમગ્ર દેશના ખેડૂતો માટે પ્રેરણાસ્રોત બનશે. રાજ્યપાલશ્રીએ ખેડૂતો અને ખેતીની આત્મનિર્ભરતા માટે પ્રાકૃતિક કૃષિને આવશ્યક ગણાવી હતી.

ગુરુકુળ કુરુક્ષેત્રના પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રીશ્રી સાથે રાજ્યના કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કે. કૈલાસનાથન, રાજ્યના મુખ્ય સચિવ શ્રી  પંકજકુમાર તેમજ કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી મુકેશ પુરી પણ જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.