Abtak Media Google News

 

રાજ્યની તમામ જિલ્લા કક્ષાની-તાલુકા કક્ષાની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન માટેનું ઇન્ફ્રાસ્ટ્રકચર અને અદ્યતન સાધનો ઉપલબ્ધ કરાવ્યા

 

અબતક,રાજકોટ

રાષ્ટ્રીય અંધત્વ અને દ્રષ્ટિ ખામી નિયંત્રણ કાર્યક્રમમાં શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અન્વયે 18 વર્ષ સુધીના બાળકોની દ્રષ્ટિ ચકાસણી કરીને ખામીયુકત બાળકોને વિનામૂલ્યે ચશ્મા વિતરણ કરાય છે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર તહેત સ્વસ્થ દ્રષ્ટિ માટે પ્રાકૃતિક ખેતીથી પકવેલ સ્વસ્થ ખોરાક અપનાવીએ.

વિનામૂલ્યે નેત્રમણિ પુરૂં પાડનારૂં ગુજરાત પ્રથમ રાજ્ય છે :ર0ર5 સુધીમાં અંધત્વ દર ઘટાડી 0.રપ ટકા સુધી લઇ જવાનું લક્ષ્ય છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોતિયા-અંધત્વમુકત ગુજરાત ઝૂંબેશનો ગાંધીનગરથી પ્રારંભ કરાવતાં આગામી ર0રપ સુધીમાં રાજ્યમાં અંધત્વનો દર ઘટાડીને 0.રપ ટકા સુધી લઇ જવાનો ધ્યેય દર્શાવ્યો છે આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, રાષ્ટ્રીય અંધત્વ અને દ્રષ્ટિ ખામી નિયંત્રણ કાર્યક્રમ રાજ્યમાં અમલી છે. ગુજરાતમાં ર014માં થયેલા સર્વે મુજબ અંધત્વનો જે દર 0.7 ટકા હતો તે ઘટીને ર018-19માં 0.36 ટકા થયો છે. મુખ્યમંત્રીએ મોતિયા-અંધત્વમુકત ગુજરાતની આ ઝૂંબેશનો રાજ્યવ્યાપી પ્રારંભ આરોગ્ય રાજ્યમંત્રી શ્રીમતી નિમિષાબહેન સુથારની ઉપસ્થિતીમાં કરાવ્યો હતો. ધારાસભ્ય શંભૂજી ઠાકોર, ગાંધીનગર ના મેયર હિતેશ મકવાણા, ઉપ મેયર પ્રદ્યુમન સિંહ ગોલ,જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ પદાધિકારીઓ પણ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીશ્રી એ આંખની તથા મોતીયા વિંદ ની તપાસ કરાવવા આવેલા લાભાર્થીઓ સાથે વાતચીત કરી આંખના તબીબો દ્વારા થઈ રહેલી સારવાર તપાસ પણ નિહાળી હતી. મુખ્યમંત્રી એ જણાવ્યું કે, મોતિયાની અસર સામાન્ય રીતે પ0 વર્ષ પછીની ઉંમરે થતી હોય છે. આની સારવાર સરળ શસ્ત્રક્રિયા દ્વારા નેત્રમણિ મુકાવીને કરાવી શકાય છે. ગુજરાતમાં આ હેતુસર આરોગ્ય વિભાગે તમામ જિલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની હોસ્પિટલોમાં મોતિયા ઓપરેશન માટે ઇન્ફ્રાસ્ટ્રકચર અને અદ્યતન સાધનો ઉપલબ્ધ કરાવ્યા છે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ પ્રતિ 10 લાખની વસ્તીએ 1000થી વધુ મોતિયા ઓપરેશન દર હાંસલ કરીને ગુજરાત અગ્રેસર રહ્યું છે તેમ પણ ઉમેર્યુ હતું. ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, સામાન્ય રીતે ખાનગી હોસ્પિટલોમાં જેનો ખર્ચ 10 થી પ0 હજાર રૂપિયા જેટલો થાય તેવી ફેકો ઇમલ્સીફિકેશન દ્વારા નેત્રમણિવાળા ઓપરેશન ગુજરાતમાં સરકારી હોસ્પિટલોમાં વિનામૂલ્યે કરવામાં આવે છે. એટલું જ નહિ, સમગ્ર દેશમાં હાઇડ્રોફોબીક ઇન્ટ્રા ઓક્યુલર લેન્સ વિનામૂલ્યે પુરૂં પાડનારૂં એકમાત્ર રાજ્ય ગુજરાત છે. મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ સમગ્ર દેશમાં મોતિયાના કારણે અંધ હોય તેવા વ્યક્તિઓની શસ્ત્રક્રિયા કરીને મોતિયા અંધત્વમુકત રાષ્ટ્રનિર્માણનો નિર્ધાર કર્યો છે. ગુજરાત પ્રધાનમંત્રીશ્રીના આ નિર્ધારને સંપૂર્ણત: પાર પાડવા પ્રતિબદ્ધ છે. તેની ભૂમિકા ભૂપેન્દ્ર પટેલે આપી હતી.તેમણે કહ્યું કે, રાજ્યમાં બેય આંખે મોતિયાના કારણે અંધ હોય એટલે કે જેમની દ્રષ્ટિ બંને આંખે 3 મીટર કરતાં પણ ઓછી હોય તેવી તમામ વ્યક્તિઓને શોધીને મોતિયા-અંધત્વમુકત ગુજરાતની આ ઝૂંબેશ અન્વયે સરકારી હોસ્પિટલો અને સ્વૈચ્છિક સંસ્થાઓમાં વિનામૂલ્યે ઓપરેશન કરવાનું આયોજન હાથ ધર્યુ છે.

મુખ્યમંત્રીએ રાષ્ટ્રીય અંધત્વ અને દ્રષ્ટિ ખામી નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત શાળા આરોગ્ય કાર્યક્રમમાં 18 વર્ષ સુધીના બાળકોની દ્રષ્ટિ ચકાસણી કરીને ખામી ધરાવતા તમામ બાળકોને વિનામૂલ્યે ચશ્મા વિતરણ કરવામાં આવે છે તેમ જણાવ્યું હતું.મુખ્યમંત્રીએ દ્રષ્ટિ તેવી સૃષ્ટિની વિભાવના સમજાવતાં કહ્યું કે, સ્વસ્થ દ્રષ્ટિ માટે સ્વસ્થ ખોરાક પણ એટલો જ જરૂરી છે.પ્રધાનમંત્રીએ સ્વસ્થ ખોરાક, રાસાયણિક ખાતરમુકત ખાદ્યાન્ન માટે પ્રાકૃતિક ખેતીનું જે આહવાન કર્યુ છે તેને અપનાવી સ્વસ્થ ખોરાકથી સ્વસ્થ દ્રષ્ટિ અને સ્વસ્થ-સમૃદ્ધ ગુજરાતની નેમ પાર પાડવા તેમણે અનુરોધ કર્યો હતો. ભૂપેન્દ્ર પટેલે આ ઝૂંબેશમાં સેવાદાન, સમયદાન અને યોગદાન આપી રહેલા સૌ સેવા કર્મીઓની સરાહના પણ કરી હતી. આરોગ્ય કમિશનર જય પ્રકાશ શિવહરે એ સૌનું સ્વાગત કર્યું હતું.

આ ઝુંબેશ પ્રારંભ વેળાએ આરોગ્ય ના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ,નેશનલ હેલ્થ મિશન ના ડાયરેકટર રેમ્યા મોહન,કલેકટર કુલદીપ આર્ય,મ્યુનિસિપલ કમિશનર ધવલ પટેલ સહિત લાભાર્થીઓ,તબીબો અને આરોગ્ય સેવા કર્મીઓ અને ગાંધીનગર શહેર તથા જિલ્લા ના પદાધિકારીઓ પણ જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.