Abtak Media Google News

જ્ઞાન સેતુ પ્રોજેક્ટ રદ્ કરી તેજસ્વી વિદ્યાર્થીઓ માટે જંગી સ્કોલરશીપની નવી યોજનાઓ જાહેર કરવામાં આવી: અનુદાનિત અને સરકારી શાળાઓને સરકાર વિદ્યાર્થીદીઠ રૂ.2 થી 5 હજાર આપશે

જ્ઞાનસેતુ-ડે સ્કૂલ શરૂ કરવાની જાન્યુઆરી-2023માં રાજ્ય સરકારે જાહેરાત કરી હતી. તેના બદલે ધોરણ-6 થી 12 માટે તેજસ્વી વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશીપ યોજના જાહેર કરવામાં આવી છે. ધોરણ-5નો અભ્યાસ પૂર્ણ કર્યો હોય તેમને આ લાભ આપવામાં આવશે અને કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આપવી પડશે. 50 ટકા લાભાર્થી ક્ધયાઓ રહેશે. અનુસૂચિત જાતિ-જનજાતિને ધારા ધોરણ મુજબ સમાવવામાં આવશે.

ધોરણ-9 થી 12 માટે નવી મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરિટ સ્કોલરશીપ યોજના જાહેર કરવામાં આવી છે. જેમાં પરીક્ષા લીધા બાદ ધોરણ-8 પૂર્ણ કર્યું હશે તેવા તેજસ્વી વિદ્યાર્થીઓને ધોરણ-9 થી 12 માટે આ સ્કોલરશીપનો લાભ મળશે.

સેલ્ફ ફાયનાન્સમાં ધોરણ-9 થી 12 માટે 22 થી 25 હજારની સહાય

સરકારી કે અનુદાનિત શાળામાં નિ:શુલ્ક અભ્યાસ ઉપરાંત ધોરણ-9 થી 10 માટે વાર્ષિક 6 હજાર અને ધોરણ-11 થી 12 માટે વાર્ષિક રૂ.7 હજારની સ્કોલરશીપ

  1. જ્ઞાનસાધના પરીક્ષાનું આયોજન રાજ્ય પરીક્ષા બોર્ડ નક્કી કરશે.
  2. સરકારી કે અનુદાનિત પ્રાથમિક શાળામાં ધોરણ-1 થી 8માં સળંગ અભ્યાસ કર્યો હોય તેવા વિદ્યાર્થીની આવક-મર્યાદા ધ્યાને લીધા વિના પરીક્ષા આપી શકશે.
  3. સ્કોલરશીપ પરીક્ષામાં કટઓફ કરતા વધુ ગુણ મેળવનારા તેજસ્વી વિદ્યાર્થીની યાદી ગાંધીનગર બોર્ડ આપશે એ પછી મેરિટ લીસ્ટ તૈયાર થશે.
  4. અનુસૂચિત જાતિ અને જનજાતિના વિદ્યાર્થીઓનો સમાવેશ કરાશે અને દરેક કેટેગરીમાં 50 ટકા લાભાર્થી ક્ધયાઓ રહેશે.
  5. શાળા નિયામકે નક્કી કરેલ કોઇપણ સરકારી, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા, અનુદાનિત અને સેલ્ફ ફાયનાન્સ સ્કૂલમાં વિદ્યાર્થી પ્રવેશ મેળવી શકશે તેમજ શાળા પણ બદલી શકશે.
  1. છેલ્લા પાંચ વર્ષમાંથી ત્રણ વર્ષનું ધોરણ-10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ 80 ટકાથી વધુ જરૂરી
  2. ધોરણ-9 થી 12 સળંગ એક જ કેમ્પસમાં ચાલતા હોવા જોઇએ.
  3. સેલ્ફ ફાયનાન્સમાં ધોરણ-9માં વિદ્યાર્થીની 9 થી 10 માટે વાર્ષિક 22 હજાર, ધોરણ-11 થી 12 માટે વાર્ષિક રૂ.25 હજારની સ્કોલરશીપ મળશે.
  4. સરકારી કે અનુદાનિત શાળામાં નિ:શુલ્ક અભ્યાસ ઉપરાંત ધોરણ-9 થી 10 માટે વાર્ષિક રૂ.6 હજાર અને ધોરણ-11 થી 12 માટે વાર્ષિક રૂ.7 હજાર મળશે.
  5. મેરિટ સ્કોલરશીપનો વિદ્યાર્થી અનુદાનિત કે સરકારી શાળામાં પ્રવેશ મેળવે છે તો શાળાને સહાય મળશે. જેમાં ધોરણ-9 થી 10માં પ્રવેશ માટે વિદ્યાર્થીદીઠ વર્ષે રૂ.3 હજાર, ધોરણ-11 થી 12 માટે વર્ષે રૂ.4 હજાર અપાશે જેમાં વિદ્યાર્થીની 80 ટકા હાજરી જરૂરી રહેશે.

નવી યોજનામાં વિદ્યાર્થી તાલુકાના બદલે કોઇપણ શાળામાં ભણી શકશે

રાજ્ય સરકારે અગાઉ જાહેર કરેલી જ્ઞાનસેતુ યોજના રદ્ કરી છે. આ બાબતે ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે દરેક વિદ્યાર્થીને લાભ મળે તે માટે મુખ્યમંત્રી જ્ઞાનસાધના અને જ્ઞાનસેતુ એમ બે મેરિટ સ્કોલરશીપ યોજના જાહેર કરવામાં આવી છે. નવા શૈક્ષણિક સત્રથી તેનો અમલ કરાશે. વિદ્યાર્થીને તેના જ તાલુકાની શાળામાં ભણવું પડે તેના કરતા તે રાજ્યની કોઇપણ શાળામાં ભણી શકે તેવી છૂટછાટ નવી યોજનામાં આપવામાં આવી છે. બંને યોજનામાં કુલ 55 હજાર વિદ્યાર્થીઓને લાભ મળશે. ગુજરાત બોર્ડ કે અન્ય બોર્ડ સંલગ્ન શાળામાં પણ ભણી શકાશે. જ્ઞાનસેતુ યોજનાના બદલે નવી યોજનાઓ શરૂ કરવાના કારણે વિદ્યાર્થીઓને અનેક લાભાલાભો થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.