Abtak Media Google News

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ગ્લોબલ મેરિટાઈમ ઈન્ડિયા સમિટ-2023ના સમાપન સમારોહમાં સહભાગી થવા મુંબઈ ગયા છે.ભારત સરકારના પોર્ટ્સ, શિપિંગ એન્ડ વોટરવેયઝ મંત્રાલય દ્વારા આયોજિત આ ત્રિદિવસીય સમિટનો પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં 17મી ઓક્ટોબરે થયો હતો.

Advertisement

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કેન્દ્રિય પોર્ટ્સ, શિપિંગ એન્ડ વોરટરવેયઝ મંત્રી સર્બાનંદ સોનોવાલજીએ આ સમિટના સમાપન સમારોહમાં ઉપસ્થિત રહેવા આપેલા નિમંત્રણનો મુખ્યમંત્રીએ સ્વીકાર કર્યો છે. આજે મુંબઈમાં યોજાનારા સમિટના વેલિડિક્ટરી સેશનમાં તેઓ સહભાગી થયા હતા.

આ ગ્લોબલ સમિટના સમાપન સમારોહમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર, ભારત સરકારના વાણિજ્ય અને ઊદ્યોગ મંત્રી પિયુષ ગોયલ તથા પોર્ટ્સ, શિપિંગ એન્ડ વોટરવેયઝ મંત્રી સર્બાનંદ સોનોવાલ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે જોડાવાના છે.અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે મુંબઇમાં વાયબ્રન્ટ ગુજરાત સમિટને લઇને રો-શો કર્યો હતો. અને ઉદ્યોગપતિઓ સાથે બેઠક પણ કરી હતી.

સાણંદમાં સ્પેસ મેન્યુફેક્ચરિંગ કલસ્ટર સ્થપાશે

ઇન સ્પેસ અને ગુજરાત સરકાર વચ્ચે એમઓયુ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ચંદ્રયાન-3ની સફળતા પછી ભારતને અવકાશ ક્ષેત્રમાં નવી ઊંચાઈએ પહોંચાડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આ હેતુસર વડાપ્રધાનએ 2035 સુધીમાં સ્પેસ સ્ટેશન અને 2040 સુધીમાં ચંદ્ર પર સમાનવ મિશનનો લક્ષ્યાંક રાખ્યો છે. એટલું જ નહીં, ચંદ્રયાન મિશન્સની વધુ શૃંખલા, નેકસ્ટ જનરેશન લોન્ચ વ્હીકલ ડેવલપમેન્ટ, નવા લોન્ચ પેડ નિર્માણ જેવી પહેલ માટે પણ પ્રેરણા આપી છે.

ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસની સ્વાયત એજન્સી ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન સેન્ટર ઇન-સ્પેસ અને ગુજરાત સરકાર વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આ એમઓયુ કરવામાં આવ્યા છે. તદઅનુસાર, અમદાવાદના બોપલમાં પોતાનું હેડ ક્વાર્ટર ધરાવતી ઇન-સ્પેસ સાણંદમાં સ્પેસ મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટરની સ્થાપના કરવાની છે.

સ્પેસ ટેકનોલોજીના સાધનોને અનુરૂપ વિવિધ મેન્યુફેક્ચરિંગ એકમો-ઉદ્યોગો આ ક્લસ્ટરમાં શરૂ કરવા માટે ઇન-સ્પેસ પ્રોત્સાહન અને ટેકનિકલ ગાઈડન્સ પૂરું પાડશે. આ હેતુસર બોપલમાં ઇન-સ્પેસના હેડક્વાર્ટર ખાતે ટેકનિકલ સપોર્ટ એન્ડ ઇન્કયુબેશન સેન્ટર પણ કાર્યરત કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટમાં રાજ્ય સરકાર જમીન તેમજ સ્પેસ અને સંલગ્ન ક્ષેત્રના ઉદ્યોગો માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવામાં સંપૂર્ણ સહયોગ આપશે તેમ આ તકે જણાવ્યું હતું. આ એમઓયુ સાઈનીંગ અવસરે ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપુત,

રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ રાજકુમાર તેમજ ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ ભારત સરકારની ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર ઇન-સ્પેસના ચેરમેન ડો.પવન કુમાર ગોયેંકા, જોઈન્ટ સેક્રેટરી લોચન શહેરા તથા પ્રખ્યાત વૈજ્ઞાનિક અને ઇન-સ્પેસના ડાયરેક્ટર ટેકનિકલ ડો.રાજીવ જ્યોતિ અને ગુજરાત સરકારના વરિષ્ઠ સચિવો સહભાગી થયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.