Abtak Media Google News

ફરવાલાયક સ્થળ બનતા જામજોધપુર તેમજ નજીકના અનેક ગામડાઓનો વિકાસ થશે: જામજોધપુર નજીક ૧૦૦ કિમીનો જંગલ વિસ્તાર: જંગલ નજીક વિશાળ દરિયાઈ કાંઠો હોય પ્રવાસીઓ આનંદ માણી શકે: રેલવે સ્ટેશન અને એસટીબસની પણ છે સુવિધા: સફારી પાર્ક અથવા ટુરીઝમ પ્રદેશ બનાવવા લોકો વતી પત્રકાર ભરત ગોહિલની રજુઆત

ગુજરાત સરકાર અને જંગલ ખાતાએ તાજેતરમાં ગુજરાતના ચાર જગ્યાએ સિંહ, વાઘ, દિપડાનાં સફારી પાર્ક બનાવવા તડામાર તૈયારી કરેલ છે. જેમાં ગાંધીનગર ગીફટસીટી પાસે, કેવડીયા પાસે, વાસંદા પાસે તેમજ સુરતના માંડવી પાસે મંજુર કરવામાં આવેલ છે તો જામનગર જીલ્લાના જામજોધપુર નજીકના જગ વિખ્યાત તરીકે જાણીતા જામજોધપુર નજીકના માત્ર ત્રણ કિ.મી. દૂર આવેલ અને ૧૦૦ કિ.મી.થી વધુ ઓરસ-ચોરસ જંગલ વિસ્તાર ઓસમ, આલેચ અને બરડાથી જગ વિખ્યાત છે ત્યારે જામજોધપુરના આલેચ જંગલને ધીરજ ખુટી ગઈ છે કે મને સફારી પાર્કનો દરજજો કે કેન્દ્રશાસિત ટુરીઝમ પ્રદેશનો દરજજો કયારે મળશે ? અને મારો વિકાસ હવે કેટલો દૂર છે ? જેથી કરીને મારા જામજોધપુર અને મારા ગામડાનો વિકાસ થતા પુરી રોજીરોટી મળે તેવી ખ્વાઈસ અને આશા છે.

આલેચના જંગલમાં દિપડા, નીલગાય, સુવર, હરણ, શિયાળ વિગેરે વિશાળ સંખ્યામાં વસવાટ કરે છે. તેમજ લુપ્ત થતા પ્રાણીઓમાં બુટડુ (ઘરખોદીયું) જરખ, નાર, કીડીખાઉ, વ‚, જંગલી, બિલાડા, અજગર જેવા વિશાળ પ્રાણીનો વસવાટ અહીંના ગ્રામ જનતાની નજરે જોવા મળે છે. તેમજ બાજ, મોર, તેતર, સસલા, ચામાચિડીયું જેવા અસંખ્ય પશુ-પંખી પ્રાણીઓનો ખીલખીલાટ જોવા મળે છે. આ જંગલમાં પાળેશ્ર્વર ડેમ, સતાપરનો ડાઈમીણસાર ડેમ, ગીંગણીનો મોવાણ ડેમ, વાનાવડનો ડાઈમીણસાર ડેમ જંગલ અંદર આવેલ છે. તેમજ અનેક ઝરણા પાણીથી વહે છે. આ આલેચ જંગલ નજીક મહિકી, પાટણ, વડવાળા, બાલવા, ચુર, સતાપર, વાનાવડ, ભડાનેશ, ઉદેપુર, વાંસજાળીયા, તરસાઈ, સખપુર, ખાગેશ્રી, ધોરીધાર, અમરાપર, પરડવા, સીંધપુર, ઘુવાડા, મેવાસા, પ્રાસલા, વડેખણ, ગીંગણી, સીદસર, ઢાંક, મેરવદર, મહોબતપરા, વિલાસપુર, તણસવા જેવા અનેક ગામડાથી જોડાયેલ છે. જે જંગલ જામજોધપુર તાલુકો, ભાણવડ તાલુકો, ઉપલેટા તાલુકો, કુતિયાણા તાલુકો, રાણાવાવ તાલુકો સાથે જોડાયેલ અને નજીકનો વિસ્તાર છે ત્યારે ગામડાના લોકો વર્ષોથી આતુર છે કે અમારા વિકાસના દ્વાર કયારે ખુલશે તેવી આશાસાથે માંગ છે.

જામજોધપુર નજીકના જંગલ વિસ્તારમાં પાળેશ્ર્વર મહાદેવ મંદિર, મહિકી ગામે ડુંગર ઉપર ખોડિયાર માતાજી મંદિર, પાટણ ગામે નાગબાઈ માતાજી મંદિર, પાટણ ગામે ડુંગર ઉપર ટપકેશ્ર્વર મહાદેવ મંદિર, વિજય હનુમાન મંદિર, ટાંકેશ્ર્વર મહાદેવ મંદિર સતાપર ગામે ઓરડીવાળા માતાજી મંદિર, સિદસર ગામે સુપ્રસિઘ્ધ ઉમિયા માતાજી મંદિરઘામ, મેલાણ ગામે સરમારીયા દાદા (નાગ દેવતા મંદિર), કોટડા ગામે પ્રસિઘ્ધ બાવીસી માતાજી મંદિર, સડોદર ગામે ફુલનાથ મહાદેવ મંદિર, ગોપ ગામે ગોપનાથ મહાદેવ મંદિર, ઝીણાવરી ગામે સુર્ય મંદિર, ચુર ગામે ચુરી માતાજી મંદિર, ધુનડા ગામે જેન્તીબાપાનો આશ્રમ, ગીંગણી ગામે ગીંગણેશ્ર્વર મહાદેવ મંદિર, ધ્રાફા ગામે સતીઆઈ મંદિર તથા જાલમસંગબાપુ આશ્રમ, શેઠ વડાળા નજીક ડુંગર ઉપર બબીયારા મેલડી માતાજીનું મંદિર, પ્રાસંલા ખાતે સ્વામી ધર્મબંધુજી આશ્રમ તેમજ ઉપલેટા તાલુકાના ગધેથડ ગામે ગાયત્રી માતાજી આશ્રમ, ઢાંક ગામે સિદ્ધિ વિનાયક ગણેશ મંદિર આ તમામ સ્થળ અહિંથી નજીક આવેલા છે.

જામજોધપુર નજીક આવેલ આ આલેચનો ડુંગર જંગલ વિસ્તારમાં કેન્દ્ર શાસિત ટુરિઝમ પ્રદેશ બને તેવી આ વિસ્તાર તેમજ સૌરાષ્ટ્રની પ્રજાને નવું નજરાણું અને પ્રવાસન સ્થળ અથવા તો સફારી પાર્ક વિદેશની જેમ બનાવી જેમાં છ જોડી સિંહ, છ જોડી હાથી, છ જોડી ઉંટ, છ જોડી ઘોડા તેમજ મગર ઉછેર કેન્દ્ર સહિત આ જંગલમાં પચાસ જોડી સાબર, પચાસ જોડી શિકાર, પચાસ જોડી કારિયાર, પચાસ જોડી ઝીબ્રા, પચાસ જોડી હરણ, પચાસ જોડી ધુંડખર, પચાસ જોડી જંગલી ભેંસ, પચાસ જોડી વાનર તેમજ નાર, બુંટડા, સૂવર, જરખ, વરૂ, શિયાળ સહિત અન્ય વન્ય પ્રાણીના વસવાટ માટે સફારી પાર્ક બનાવા જંગલની બુલંદ માંગ છે.

જો અહિં કેન્દ્ર શાસિત ટુરિઝમપ્રદેશ કે સફારી પાર્ક બને તો જામજોધપુરથી નજીક ૩૫૦ કિ.મી.ની રેન્જમાં સૌરાષ્ટ્રના અનેક ધાર્મિક સ્થળો, પ્રવાસન સ્થળો નજીકમાં જામનગર જીલ્લા મથકે ખીજડીયા પક્ષી અભ્યારણ વિખ્યાત, ખંભાળીયા નજીક, રણુજાધામ રામદેવપીર મંદિર નજીકવામાં વરૂડી માતાજીનું મંદિર નજીકમાં દાણીધારની જગ્યા, જોડીયા તાલુકાના પીઠડ ગામે પીઠડાઈ માતાજી મંદિર તેમજ ધ્રોલ તાલુકાના મથકે પ્રસિઘ્ધ ભૂચર મોરીની જગ્યા (મેળો), દેવભૂમિ દ્વારકામાં જગવિખ્યાત ભગવાન દ્વારકાધીશ મંદિર તથા બેટ દ્વારકા તથા બાર જયોતિલીંગમાં સમાવેશ ભગવાન નાગેશ્વર મહાદેવનું મંદિર, દરિયાકિનારે પ્રસિઘ્ધ હર્ષદ માતાજીનું મંદિર, ઓખામાં સનસેટ પોઈન્ટ તેમજ ભાણવડ તાલુકા મથકે વીર માંગળાવારાની જગ્યા, નજીકના ધુમલી ગામે ડુંગર ઉપર માં આશાપુરા માતાજીનું મંદિર તેમજ પ્રસિઘ્ધ નવલખો મહેલ, ગણેશ મંદિર, સોનકંસારી મંદિર આ તમામ ધાર્મિક સ્થળો તેમજ પ્રવાસન સ્થળો નજીક થાય છે.

જો જામજોધપુરના આલેચ જંગલવિસ્તારમાં વિદેશ જેવી સફારી પાર્ક બને અથવા કેન્દ્ર શાસિત ટુરિઝમ પ્રદેશ બને તો આ નવલું નજરાણું અને પ્રવાસન સ્થળ સૌરાષ્ટ્રના જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, મોરબી, રાજકોટ, જુનાગઢ, સુરેન્દ્રનગર, અમરેલી વિગેરે જીલ્લા તથા તાલુકાના જનતાને મોટાપાયે એક નવું પ્રવાસન સ્થળ જામજોધપુર તાલુકા મથકે મળે તેમ છે. જે બાબતે ગુજરાતની ભાજપ સરકાર અને જંગલ ખાતુ તાત્કાલિક યુદ્ધના ધોરણે સર્વે કરવા અર્થાગ પ્રયત્ન કરે તેવી માંગ છે. જામજોધપુરમાં રેલવે સ્ટેશન સુવિધા તથા એસ.ટી.બસ ડેપો સુવિધા અને જામજોધપુર અને શેઠ વડાળા બંને સ્થળે પોલીસ સ્ટેશન આવેલા છે.

અહિંના જંગલ વિસ્તાર નજીક ઉમિયાસાગર ડેમ, ફુલઝર કોટડા બાવીસી ડેમ, વનાણનો વેણુ ડેમ, ખાગ્રેશ્રી ઈશ્વરીયા ડેમ, અમરાપર નજીક સારણ ડેમ, ગધેથડનો વેણુ ડેમ આવેલા છે. તેમજ આ જંગલથી નજીક જામનગર એરપોર્ટ, દેવભૂમિ દ્વારકા એરપોર્ટ, રાજકોટ એરપોર્ટ, પોરબંદર એરપોર્ટ, કેશોદ એરપોર્ટ, ભુજ એરપોર્ટ, દીવ એરપોર્ટ, ભાવનગર એરપોર્ટ આવેલ છે. આ બાબતે ગુજરાત સરકાર, જંગલ ખાતુ તમામ જીલ્લાના સાંસદ, ધારાસભ્ય, જીલ્લા પંચાયતના પ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખ, નગરપાલિકાના પ્રમુખ તેમજ તમામ સરપંચો અને ગામે ગામના આગેવાનોએ પોતાની રજુઆત ગુજરાત સરકાર અને જંગલ ખાતાને કરે એવી આશા જામજોધપુરના જુનાને જાણીતા વરિષ્ઠ પત્રકાર ભરતભાઈ બી.ગોહિલ દ્વારા કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.