Abtak Media Google News

લોકસભાની ચૂંટણીમાં રાજયની તમામ બેઠકો પર ભાજપે ફરીથી કરેલી કલીન સ્વીપ વડાપ્રધાન મોદીની નિષ્કંલક અને વિકાસશીલ
છાપને આભારી: જૂનાગઢ જિલ્લાના પીઢ ભાજપી આગેવાન જેઠાભાઈ પાનેરા ‘અબતક’ મીડિયા હાઉસની મુલાકાતે

તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં રાજયની તમામ ૨૬ બેઠકો પર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસનને લઈ ભાજપે વિજય મેળવ્યો છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજયમાં સંવેદનશીલ જાગૃત અને ત્વરીત જાગૃત શાસન આપી રહ્યા છે. તેનાથી વિજયભાઈ પણ નરેન્દ્રભાઈની જેમ આગવી લોકચાહના પ્રાપ્ત કરીને લોકપ્રિય રાજકીય નેતા તરીકે ઉભરી આવ્યા છે. તેમ અબતકની મીડીયા હાઉસની મુલાકાતે આવેલા જૂનાગઢ જિલ્લાનાં વરિષ્ટ ભાજપી આગેવાન જેઠાભાઈ પાનેરાએ જણાવ્યું હતુ.

જૂનાગઢ જિલ્લા કો.ઓપ બેંકના ડીરેકટર અને વરિષ્ટ ભાજપી આગેવાન જેઠાભાઈ પાનેરાએ ગઈકાલે અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી અબતકના મેનેજીંગ તંત્રી સતીષકુમાર મહેતા સાથેની વાતચીત દરમ્યાન જેઠાભાઈએ જૂનાગઢ જિલ્લા, રાજય અને કેન્દ્રમાં પ્રવર્તમાન રાજકીય સ્થિતિ અંગે મુકતમને ચર્ચા કરી હતી. પાનેરાએ રાજયની તમામ ૨૬ બેઠકો પર ભાજપના થયેલ વિજયનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરેલા દેશના વિકાસને આપ્યો હતો.

જૂનાગઢ બેઠક પર કોળી સમાજના ભાજપી સાંસદ રાજેશભાઈ ચુડાસમાના ફરીથી થયેલા વિજય અંગે પાનેરાએ જણાવ્યુંં હતુ કે જિલ્લાનાં બહુમતી કોળી મતદારોએ બંને કોળી ઉમેદવારમાંથી સતાધારી ભાજપના ઉમેદવાર પર પસંદગી ઉતારી હતી. ચુડાસમાનું સમગ્ર જૂનાગઢ જિલ્લામાં કાર્ય બોલે છે. જયારે કોંગ્રેસના હારેલા ઉમેદવાર પુંજાભાઈ વંશનું કાર્યક્ષેત્ર માત્ર ઉના તાલુકા પૂરતુ સીમિત છે. જૂનાગઢના નડતરરૂપ રેલવે ક્રોસીંગ, બાયપાસ, ઔદ્યોગિક રીતે પછાતપણા, પાણીનો વગેરે પ્રજાકીય પ્રશ્ર્નો પડતર હોવાનું જણાવીને નવનિયુકત સાંસદ ચુડાસમા આ સમસ્યાનું આ ટર્મમાં ચોકકસપણે નિરાકરણ લાવશે તેવી આશા પાનેરાએ વ્યકત કરી હતી.

જૂનાગઢમાં ગિરનાર પર રોપ-વે પ્રોજેકટ તથા લાયન સફારી શો કાર્યરત થવાની જિલ્લામાં પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે. ઉપરાંત સાગરમાળા યોજના હેઠળ દરિયાકાંઠાના માધવપૂર,શીલ, માંગરોળ, ચોરવાડ વગેરે ગામોને જોડવાથી આ વિસ્તારનો વિકાસ વધુ ઝડપી બનશે ગિરમાં ઈકો સેન્સીટીવ ઝોનનો મોટો પ્રશ્ર્ન હોવાનું જણાવીને આ ઝોનનાં મૂદે જંગલ વિભાગ તેના જંગલી કાયદામાં માનવતાપૂર્ણ વલણ અપનાવે તેમ જણાવીને પાનેરાએ કહીને જંગલમાં દાયકાઓ જૂની નેસડાઓ પ્રથાને પૂર્નજીવીત કરવાની માંગ કરી હતી. જંગલમાં નેસડા હતા ત્યારે સિંહોને શિકાર ન મળે ત્યાર જંગલ બહાર જવું પડતુ ન હતુ અને તેઓ માલધારીના પશુઓને શિકાર બનાવી લેતા હતા પરંતુ નેસડા નાબુદ થવાથી સિંહોને શિકારની શોધમાં માનવવસ્તી તરફ આવવું પડે તેમ ઉમેર્યું હતુ.

રાજયની વર્તમાન વિજયભાઈ રૂપાણીની સરકાર સંવેદનશીલ રીતે કાર્યરત હોવાનું જણાવીને પાનેરાએ ઉમેર્યું હતુ કે તેઓ ચાલીસ વર્ષથી જાહેર જીવનમાં કાર્યરત છે. ૨૮ વર્ષ સુધી કોંગ્રેસમાં રહ્યા બાદ છેલ્લા ૧૮ વર્ષથી ભાજપમાં કાર્યરત છે. તેમના લાંબા રાજકીય જાહેર જીવનમાં કોંગ્રેસના મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરી બાદ વર્તમાન વિજયભાઈ રૂપાણીએ બીજા એવા સરળ મુખ્યમંત્રી છે કે જેમને સામાન્ય લોકો પણ સરળતાથી મળી શકે છે. રૂપાણી આગવી સુઝબુઝ સાથે દરેક પ્રશ્ર્નોનું ત્વરીત નિર્ણય શકિત સાથે નિકાલ લાવવામાં માનત હોય વિજયભાઈ વડાપ્રધાન મોદીની જેમ આગવું વ્યકિતત્વ ઉભુ કરી શકશે. તાજેતરમાં વાયુ વાવાઝોડા ત્રાટકવાની આગાહીના સમયમાં રૂપાણીએ દિવસ રાત જોયા વગર તંત્રને દોડતુ રાખવા બદલ તેમને સંવેદનશીલ કાર્યક્ષમ મુખ્યમંત્રી ગણાવ્યા હતા.

કોંગ્રેસમાં અઢી દાયકા સુધી સંગઠ્ઠન સહકારી અને જાહેર જીવનમાં સક્રિય રહ્યા હતા તે દરમ્યાન પાર્ટીએ વિધાનસભાની ટીકીટ પણ આપી હતી. જયારે ભાજપમાં તેમને કોરાણે ધકેલી દેવામાં આવ્યાના થઈ રહેલા આક્ષેપ અંગે પાનેરાએ જણાવ્યું હતુ કે તેઓ પાર્ટી હાઈકમાન્ડ સંગઠ્ઠનથી માંડીને રાજકારણના તમામ ક્ષેત્રમાં તેમને ગમે તે જવાબદારી સોંપે તેની નિભાવવા તૈયાર છે. તેમને પાર્ટીના વફાદાર સૈનિક તરીકે કામ કર્યું છે. અને કરતા રહેશે તેમ જણાવીને પાનેરાએ તેમને માત્ર જૂનાગઢ જિલ્લામાં જ નહી સમગ્ર રાજયમાં જનસંપર્ક હોવાનું જણાવ્યું હતુ.

માણાવદરમાં આવેલા તેમના જેઠાભાઈ પાનેરા શૈક્ષણીક સંકુલમાં ઉપલબ્ધ કે.જી.થી લઈને પી.જી. શિક્ષણ ક્ષેત્રની સુવિધાનો હાલમાં ચાર હજાર જેટલા વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યાનો જણાવીને જેઠાભાઈ પાનેરાએ અંતમાં કેન્દ્ર અને રાજયની ભાજપ સરકારમાં દેશ અને રાજયનો સવાર્ંગી વિકાસ માટે તેવો આશાવાદ વ્યકત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.