Abtak Media Google News

સરકારના દરેક નીતિ-નિયમો પાળી સહકાર આપવા અપીલ કરતા ભાજપ અગ્રણી

એપ્રિલથી ત્રણ કરોડથી વધુ લોકોને મફતમાં કરિયાણું અપાશે

સમગ્ર દુનિયામાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. વિશ્વભરનાં મહત્તમ દેશો કોરોના વાયસરની જીવલેણ ચુંગાલમાં આવી ગયા છે. આપણું ભારત પણ કોરોના વાયરસની મહામારીને અટકાવવા એક બની મહેનત કરી રહ્યું છે ત્યારે ભાજપ અગ્રણી રાજુભાઈ ધ્રુવે જણાવ્યું છે કે, કોરોના વાયરસને ભારતમાં ફેલાતો રોકવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનાં નેતૃત્વમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર એક પછી એક અનેક પગલાંઓ ભરી અને નિર્ણયો લઈ રહી છે. લોકડાઉન, કલમ ૧૪૪, જનતા કરફ્યુ સહિત ૧૫ હજાર કરોડ રૂપિયાનાં પેકેજ જેવા અનેક જનહીત કાર્યો દ્વારા કોરોના વાયરસને દેશમાં ફેલાતો અટકાવવા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી છે. કેન્દ્ર-રાજ્યની સરકાર, વહિવટી તંત્ર, સુરક્ષા વિભાગ, આરોગ્ય શાખા, આર્થિક જગત, સંચાર માધ્યમો વગેરે સાથે સંકળાયેલા સેવાકર્મીઓ જીવનાં જોખમે ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી દેશસેવા કરી રહ્યાં છે. જનતાએ પણ સરકારનાં દરેક અનુરોધ-અપીલને આવકારી સંપૂર્ણ સાથ-સહકાર આપ્યો છે જે બદલ સેવાકર્મીઓ અને જનતાને આભાર – અભિનંદન આપવા ઘટે. વર્તમાન પરિસ્થિતિ જોતા આવનારા સમયમાં સૌનાં સાથ સૌનાં વિશ્વાસથી ભારતભરમાંથી કોરોના વાયરસની ઝડપથી નાબૂદી થઈ જશે. સરકારનાં સૂચનનું સૌ કોઈ પાલન કરે એ જરૂરી છે.

રાજુભાઈ ધ્રુવે વધુમાં જણાવ્યું હતું કે, કોરોનાની મહામારીમાં પૂરતી કાળજી અને સાવચેતી ન રાખવામાં આવે તો તેનાં ગંભીર પરિણામો આવી શકે છે. તેથી લોકોને ઘરમાં રહેવા વિનંતી છે. તમામ લોકોને ઘર સુધી જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ મળી રહે તે માટેનું આયોજન સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા કરવામાં આવ્યું છે. એક એપ્રિલથી ૬૦ લાખ પરિવારોનાં ત્રણ કરોડથી વધુ લોકોને મફતમાં કરિયાણું આપવામાં આવશે.

રાજુભાઈ ધ્રુવે ગુજરાતની જનતાને અંતરથી અપીલ કરી છે કે, કટોકટીની આ પરિસ્થિતિ વચ્ચે પોલીસ, ડોક્ટર, મીડિયાકર્મી, સફાઈ કામદાર સહિત વહિવટી તંત્રના સેવાકર્મીઓને સાથ-સહકાર આપવો. આપણે ત્યાં આવતા કામદારોને પણ જરૂરી સહાયતા કરવી. આ દિવસો માનવતા દાખવવાનાં છે. એકબીજાને મદદરૂપ થવાના છે.

બિનજરૂરી ઘરની બહાર નીકળવાનું ટાળજો અને વેપારીઓ પણ જીવનજરૂરિયાતની ચીજવસ્તુ પ્રજાજનોને પહોંચાડવામાં સરકારના નિયમોનું પાલન કરી સહાય-સહકાર કરે. લોકોએ અંધશ્રદ્ધા અને અફવાઓથી દૂર રહેવું. ડોકટરની સલાહ વિના કોઈ દવાઓ ન લેવી. શાંતિ – સ્વચ્છતા – શિસ્તતા જાળવવી. ઘરમાં રહી મળેલા સમયનો સદુપયોગ કરવો. આ પણ એક પ્રકારની દેશસેવા જ છે.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દેશભરમાં અને વિજયભાઈ રૂપાણી રાજ્યભરમાં કોરોનાની મહામારી અટકાવવા શક્ય તમામ કાર્યવાહી કરી રહ્યાં છે ત્યારે સૌ નાગરિક પોતપોતાની સ્વૈચ્છિક જવાબદારી સમજે-નિભાવે એવી આશા રાજુભાઈ ધ્રુવે અંતમાં વ્યક્ત કરી કોરોના વાયરસ મહામારીમાંથી સમગ્ર દેશ-દુનિયા જલ્દીથી છૂટકારો મેળવશે એવું કહી જગતભરની જનતાનાં સારા સ્વાસ્થ્યની મંગલકામના કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.