Abtak Media Google News

10 જ દિવસમાં 7 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટ્યા, ભાવિકોની મેદની સામે તંત્રની વ્યવસ્થાઓ નબળી પડી: રોડ ઉપર પણ ઠેક-ઠેકાણે ટ્રાફિક જામ

ચાર ધામ યાત્રાના પ્રથમ દિવસથી જ ચિક્કાર ટ્રાફિક જોવા મળી રહ્યો છે. જેના કારણે અનેક શ્રદ્ધાળુઓ દર્શન વગર પરત ફર્યા છે. અહીં 10 જ દિવસમાં 7 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. ભાવિકોની મેદની સામે તંત્રની વ્યવસ્થાઓ નબળી પડી હોવાનું ચિત્ર ઉપસ્યું છે.

દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ દર વર્ષે ચારધામ યાત્રાએ જતા હોય છે. ત્યારે આ વખતે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉત્તરાખંડ ચારધામ યાત્રામાં આવી રહ્યા છે. અત્યાર સુધીના 10 દિવસમાં સાત લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ચાર ધામની મુલાકાત કરી લીધી છે. જોકે આ વખતે સરળ ચાર ધામ માટે સરકાર અને વહીવટીતંત્રના પ્રયાસો ફળી રહ્યા નથી. યાત્રા માટે આવેલા અનેક શ્રદ્ધાળુઓ ધામોના દર્શન કર્યા વગર જ ઘરે પરત ફરવા લાગ્યા છે.

ચારધામની યાત્રા માટે વહીવટીતંત્રે કામચલાઉ નોંધણીની પ્રકિયા પણ શરૂ કરી હતી, પરંતુ અત્યાર સુધીમાં લગભગ ચાર હજાર શ્રદ્ધાળુઓ ઋષિકેશથી જ ઘરે પરત ફર્યા છે. પરત ફરેલા તીર્થયાત્રીઓએ કહ્યું કે તે દુર્ભાગ્યપૂર્ણ છે કે તેઓ ઉત્તરાખંડ પહોંચ્યા પછી પણ ધામના દર્શન કરી શક્યા નથી. આ તેના જીવનનો સૌથી ખરાબ અનુભવ છે. ઉલ્લેખનીય છે કે આ લોકોને કામચલાઉ નોંધણી માટે રોકી દેવામાં આવ્યા હતા અને પછી આ સિસ્ટમ પણ બંધ કરી દેવાઈ હતી.

ઑફલાઇન રજિસ્ટ્રેશન બંધ હતું ત્યારે ઋષિકેશમાં રોકાયેલા લગભગ 12 હજાર યાત્રાળુઓને ધામની મુલાકાત લેવાની મંજૂરી આપવા વહીવટીતંત્રે કામચલાઉ નોંધણીની વ્યવસ્થા કરી હતી. વહીવટીતંત્રની યોજના હતી કે કામચલાઉ નોંધણી કર્યા પછી, આ યાત્રાળુઓને પવિત્ર સ્થળોએ મોકલવામાં આવશે, પરંતુ આવું કંઈ થઈ શક્યું નહીં.  વહીવટીતંત્રે સોમવારે સાંજે લગભગ 5 વાગ્યે આ હંગામી ધોરણે થતી નોંધણીની સિસ્ટમ પણ બંધ કરી દીધી હતી.

ટ્રાન્ઝિટ કેમ્પ એડમિનિસ્ટ્રેશનના જણાવ્યા અનુસાર, 12 હજારની સામે માત્ર છ હજાર યાત્રાળુઓ જ કામચલાઉ નોંધણી કરાવી શક્યા હતા. બાકીના છ હજાર પૈકી ચાર હજાર જેટલા યાત્રિકો દર્શન કર્યા વિના પરત ફર્યા છે. લગભગ અઢી હજાર શ્રદ્ધાળુઓ હજુ પણ ટ્રાન્ઝિટ કેમ્પ પરિસર તેમજ ધર્મશાળાઓમાં રોકાયા છે.

ચાર ધામ યાત્રા દરમિયાન 29 શ્રધ્ધાળુઓના મોત

ચાર ધામ યાત્રાના પ્રથમ નવ દિવસોમાં ઓછામાં ઓછા 29 યાત્રાળુઓ મૃત્યુ પામ્યા હતા, મુખ્યત્વે કાર્ડિયાક સમસ્યાને કારણે લોકોના મોત થયા છે.  શનિવારે બદ્રીનાથમાં એક અને યમુનોત્રીમાં બે તીર્થયાત્રીઓએ જીવ ગુમાવ્યા હતા. જેમાં સુરતના 49 વર્ષીય તીર્થયાત્રી શશિકાંતનો પણ સમાવેશ થાય છે, જેઓ બદ્રીનાથની મુલાકાત દરમિયાન હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યા હતા. યમુનોત્રી મંદિરમાં દર્શન કરવા જતાં વધુ બે શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યા. પોલીસે જણાવ્યું હતું કે ગુજરાતના 53 વર્ષીય કમલેશ ભાઈ પટેલ યમુનોત્રી જઈ રહ્યા હતા ત્યારે બીમાર પડ્યા હતા અને નજીકના આરોગ્ય કેન્દ્રમાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ઉત્તરકાશીના ખરાડી ગામમાં તેની હોટલમાં બીમાર પડતાં અન્ય એક યાત્રાળુ, પુણેની 54 વર્ષીય રોહિણી દલવીનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું.  આ સાથે ધામમાં મૃત્યુઆંક 11 પર પહોંચી ગયો છે.  ઉત્તરકાશીના ચીફ મેડિકલ ઓફિસર ડો.બી.એસ. રાવતના જણાવ્યા અનુસાર યમુનોત્રીમાં 11 અને ગંગોત્રી ધામમાં 2 લોકોના મોત થયા છે.  રુદ્રપ્રયાગ વહીવટીતંત્રના સૂત્રોએ જાહેર કર્યું છે કે કેદારનાથ ધામમાં મૃત્યુઆંક વધીને 12 થઈ ગયો છે, જેમાં એકલા શનિવારે છ મૃત્યુ નોંધાયા છે, મોટાભાગે હૃદય સંબંધિત સમસ્યાઓને કારણે મૃત્યુ થયા છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.