Abtak Media Google News

“બાળકો કુમળા છોડ જેવા હોય છે જે રીતે તેને ઉછેરો તેવા બને છે, માહોલ મળવો જોઈએ !

ઓબ્ઝરવેશન હોમના ચોકીદારે બીજે દિવસે મેનેજરને ગટ્ટી ગેંગના રાત્રીનાં પરાક્રમની વાત કરી આથી મેનેજરે ગટ્ટી ત્રિપુટીને બોલાવી ઠપકો આપ્યો અને તેમને ડરાવવા વાત કરી કે આ વિસ્તારમા રાત્રીના બાર વાગ્યા પછી કોઈ કેમ નથી નીકળતુ તેની ખબર છે? ત્રણેય જણાએ માથુ ધુણાવીના પાડી એટલે મેનેજરે કહ્યું કે બાજુમાં જે રેલવેના પાટા પસર થાય છે. ત્યાં એક સ્ત્રીએ ચાલુ ટ્રેનમાં પડી ને આત્મહત્યા કરેલી. પરંતુ તે બાઈ હવે આ જગ્યાએ ચુડેલ ભૂતની બનીને રાત્રીનાં રખડયા કરે છે. મેનેજરે ડરાવવા વધારામાં વર્ણન કર્યું કે તે દેખાવમાં અતિ સુંદર પરી જેવી હોય છે. પણ વાંસો તો હોતો જ નથી વાંસાના ભાગે તો હાડપીંજર અને માસના લોચા જ હોય છે. ઘડીક સામાન્ય સ્ત્રી અને ધડીકમાં ટોળે ગરબી લેતી હોય તેમ રાસડા લેતી હોય છે. જોઆ ચુડેલ વળગી તો સમજો છ મહિનામાં ગળી ગળીને મોત ! આથી આ વિસ્તારમાં અડધી રાત્રે કોઈ નીકળતુ નથી.

પરંતુ મેનેજરને કયાં ખબર હતી કે ગટ્ટી એન્ડ કંપની લાઠીમાં રાત્રે ભેગા મળીને ભૂત પ્રેતની જ વાતો કરતા. કેવા કેવા ભૂત હોય ભૂતનીઓમાં ચુડેલ ઉપરાંત ઝાપડી, ડાકણ વિગેરે અને ભૂતોમાં માથા વગનું ખવીસ, બોડીયો ગણેહ, જીન ઉર્ફે જીનાત, મામો વિગેરે વળી તેઓ જુદાજુદા રૂપ પણ ધારણ કરતા જેમકે ગધેડુ,કાળો બિલાડો, કાળો પડછાયો વિગેરે વળી મામો હોય ત્યાં અત્તરની મધમધતી સુગંધ આવે જીનાત ની હાજરી હોય તો લોબાનની સુગંધ આવે વળી ગાય કુતરા વિગેરે ભૂતને જોઈ શકે એટલે કે જે પોતાના કાનને જોઈ શકે તે ભૂતને જોઈ શકે તે ઉપરાંત શું કરવાથી ભૂત વળગે વિગેરે વાતોથી પુરા જાણકાર હતા તેમ છતા આખી આખી રાત લાઠીની બજાર અને સીમ વગડામાં આ ટોળકી રખડયા કરતી તેમને કાંઈ ડર લાગતો નહિ. જેથી મેનેજરની ડરામણીની તેમને કોઈ અસર થઈ જ નહિ વળીરાત્રીના આ ત્રિપુટી નાસી ન જાય તેમાટે સુરક્ષા ગૃહના બીજા માળે દિગંબર ડ્રેસમાં જ રૂમનો દરવાજો બહારથી બંધ કરાવી સુવાડયા.

પરંતુ ગટ્ટીએ દિવસ દરમ્યાન જોઈ લીધેલુ કે બીજા માળના રૂમની બારી જમીનથી કેટલી ઉંચી છે. જમીન નીચે કેવી છે. વળી બારીની નીચેની કિનારી પકડીને ટીંગાવાથી જમીન કેટલી નીચે રહે છે. અને પડવાથી ઈજા થાય તેમ છે કે કેમ તેની પણ ખાત્રી કરી લીધેલી બારીની નીચેની જમીન ઉપર પડેલા નાના મોટા કાંકરા વિણીને દૂર ફેંકી દીધેલા.

રાત્રે વાળુ પાણી કરીને રસોડામાંથી નીકળતા પહેલા ચોરી છુપીથી એક નાની છરી સેરવીને બીજા માળે સુવાના રૂમમાં સંતાડી આવેલો. પરંતુ રાત્રે સુવા જતી વખતે ચોકીદારે સુરક્ષા ગૃહનો ડ્રેસ ઉતરાવી લીધો અને ત્રણે જણાને બીજા માળના રૂમમાં દિગંબર સુટમાંજ સુવા કહ્યું રૂમમાં પાણીની માટલી ગ્લાસ મુકાઈ ગયા અને રૂમનો દરવાજો બહારથી બંધ કરી દીધો.

ગટ્ટીને બે ત્રણ દિવસથી અનુભવ હતો કે રાત્રીનાં નવ વાગ્યા થી બાર વાગ્યા સુધી સુરક્ષા ગૃહની નજીકમાં આવેલ મંદિરમાં સત્સંગ થતો હતો તથા તબલા હારમોનીયમ મંજીરા વિગેરેની રમઝટ બોલતી હતી. રાત્રે જેવો સત્સંગ શરૂ થયો અને હારમોનીયમ તબલા મંજીરાના સુર ગુંજયા તેની સાથે જ ગટ્ટીએ સંતાડેલી છરી કાઢીજે ઢીલો સળીયો હતો તેના બારીના બારસાખના ભાગમાં ખોતરવાનું ચાલુ કર્યું એક થાકે ને છરી બીજો લે બીજો થાકેને ત્રીજો લે અને ફરીથી પહેલો છરી લઈને કોતરવા લાગ્યા આમ કલાક દોઢ કલાકમાં સળીયાને બારીમાંથી સમુળગો હલાવી દીધો. પછી ત્રણે એ એક સાથે પકડીને જોર લગાવી સળીયાને અંદરની તરફ વાળી દીધો. હવે ત્રરે જણા આ બાકોરામાંથી આરામથી નીકળી શકે તેમ હતા. વળી ત્રણે જણાને ઉંચાઈએથી લટકીને પગના પંજા ઉપર પડીને સ્પ્રીંગની માફક ઉછળવાની લાઠી ગામમાંથી જ પ્રેકટીસ હતી.

પણ હવે પ્રશ્ર એ હતો કે ત્રણે જણા જન્મ્યા ત્યારે જે હાલતમાં હતા તેજ હાલતમાં દિગંબર હતા. જો કોઈ રાત્રીનાં સમયે આ હાલતમાં ત્રણેયને જોઈ જાય તો ઘણી ઉપાધી થાય કોઈ વળી આ હાલતમાં જોઈને ભૂતભૂત કરી દેકારો કરી મૂકે અને હવે પકડાયા તો પછી છટકવાનો કોઈ મોકો જ બાકી રહે તેમ ન હતો. પણ આતો ગટ્ટીની ગોઠવણ ! તેણે સાથીદારોને કહ્યું  ‘ચિંતા છોડો યાર બધુ નકકી કરીને જ કર્યું છે. આપણા ધોયેલા કપડા સુરક્ષાગૃહના પાછળના ભાગે દોરી ઉપર જ સુકાય છે. કોઈ સાંજે લેતુ નથી બીજે દિવસે જ સંકેલાય છે.

આથી સૌ પ્રથમ ગટ્ટીએ  બારીમાંથી માથુ બહાર કાઢી આજુબાજુમાં નજર ફેરવી લીધી કે કોઈ માણસોની અવર જવર ચાલુ છે કે જુએ છે કે કેમ? ભજન કિર્તન પૂરા થઈ ગયા હતા સત્સંગીઓ ચાલ્યા ગયા હતા સુરક્ષાગૃહનો ચોકીદાર પણ નીચેના રૂમમાં નસકોરા બોલાવતો સુતો હતો. સુમસામ ભેંકાર રાત્રીનો માહોલ હતો તમરાના તીણા અવાજ હવાને ચીરીને ભયજનક સ્થિતિ ઉભી કરતા હતા દૂર ઝાડીઓમાંથી ચીબરીઓની ચીખો રાત્રીના અંધકારની ભયાનકતામાં વધારો કરતી હતી. પરંતુ લાઠી નગરમાં અને સીમ વગડામાં રાત્રીનાં આવા માહોલમાં રખડવાથી ટેવાયેલા ત્રણે જણા ડર્યા વગર આગળ વધવા મકકમ હતા.

સૌ પ્રથમ ગટ્ટીએ બારીમાંથી બહાર આવી બારીની નીચેની ધાર પકડીને જમીન તરફ લટકીને નિશાન લઈ નીચે પડતુ મુકવાનું હતુ માંડ સાત આઠ કિલો વજનનો ગટ્ટી પગના પંજા ઉપર જ સ્પ્રીંગની માફક પડયો. અને ઉભો થઈ ગયો. તે પછી બીજા બે જણા પણ તે જ રીતે નીચે ઉતરી ગયા અને મકાનની પાછળ ફળીયામાં દોરી ઉપર સુકાતા પોત પોતાના કપડા ચડાવી દીધા અને સુરક્ષાગૃહની સામાન્ય કંપાઉન્ડ વોલ ઠેકીને બહાર જતા રહ્યા.

આ વખતે ગટ્ટીએ નકકી કર્યું હતુ કે અગાઉ જેટલી વખત પકડાયાતે અમરેલી શહેરમાં જતા જ પકડાયા હતા. તેથી આવખતે અમરેલી શહેરમાંથી નથી જવું. બારોબાર રેલવેના પાટે પાટે ચાલ્યા જ જઈશુ. આગળ જે બીજુ રેલવે સ્ટેશન આવે ત્યાંથી ટ્રેન પકડી લઈશું. આથી ત્રણે જણા અમરેલી શહેરની વિરૂધ્ધ દિશામાં અંધારામાં જતા રેલવેના પાટે પાટે ચાલવા લાગ્યા. થોડે દૂર ગયા ત્યાંજ અંધારૂ ઘનઘોર અને શિયાળીયાઓની લાળી સંભળાવા લાગી રાત્રીનાં પક્ષીઓના ચિત્ર વિચિત્ર અવાજો આવતા હતા. કયાંક મોટુ અને ઉંચુ ગરનાળુ આવતા ત્રણે જણા થોડીવાર રોકાઈને જગ્યાની ખાત્રી કરી પછી રેલવેના પુલ ઉપરથી ધીમેધીમે પગ મૂકતા પસાર થઈ જતા.

આમ ચાલતા ચાલતા ત્રણેક કલાકે એક રેલવે સ્ટેશન દેખાયું તેઓ ત્યાં પહોચે તે પહેલા તેઓએ દૂરથી સ્ટેશન ઉપરથી એક ટ્રેન પસાર થતી જોયેલી તેઓ સ્ટેશન ઉપર પહોચ્યા ત્યારે પ્લેટફોર્મ ઉપરનો ચા પાણીનો સ્ટોલ હજુ ખૂલ્લો હતો સ્ટોલવાળાથી જાણ્યું કે આ સ્ટેશન ખીજડીયા જંકશન હતુ. સ્ટોલ વાળાને બાળકોની દયા આવતા પડેલી બ્રેડ અને ચા નો નાસ્તો કરાવ્યો ત્રણે જણા બાકડા ઉપર નાસ્તો કરતા હતા ત્યાંજ આર.પી.એફ.નો એક જવાન બંદૂક અને લાકડી લઈને પગ પછાડતો પછાડતો નીકળ્યો ત્રણેય ના હોશકોશ ઉડી ગયા કે માર્યા હવે પાછા અંદર. પરંતુ આ જવાન તો ડોલતો ડોલતો તેની મસ્તીમાં સીધો જ નીકળી ગયો.

પરંતુ ત્રણ પૈકીએક સાથીદાર આ હાડમારી અને તકલીફ તથા પોલીસથી ડરી ડરીને રહેવાના કારણે હિંમતહારી ગયો અને ગટ્ટીને કહ્યું ‘લાઠીના ફોજદાર સાહેબ સારા હતા કે આપણને હાથ પણ નથી અડાડયો. પરંતુ આ હવાલદારના ધ્યાનમાં આવી ગયા હોત તો વાંસા કાબરા કરીને નાની યાદ આવી જવાની હતી તેણે કહ્યું કે મારે મુંબઈ નથી આવવું. પરંતુ ગટ્ટીએ તેને સમજાવ્યો કે એક જ વખત થોડો સમય તકલીફ પછી તો મજા મજા જ છેને? હિંમત રાખ મારી સામે જો હું તો તારાથી નાનો છું છતા ડરતો નથી અને તું આવડો મોટો ઢાંઢો થઈ ને ડરી જા છો? એમ કહી મનાવી લીધો.

ત્રણેય જણા ખૂબ લાંબુ ચાલેલા હોય અને તેના ઉપર નાસ્તા પાણી કર્યા એટલે તમામને ઉંઘ આવવા લાગી પરંતુ ગટ્ટીએ કહ્યું અહી જોખમ છે. અહી રોકાવાય નહી અહી પોલીસ સતત આંટાફેરા મારે છે. તો જોઈ જાશે તો પોલીસ સુતા જ ઉપાડી લેશે એટલે વળી પાછા રેલના પાટે પાટે ચાલતા થયા દરમ્યાન સવાર પડવા આવ્યું અને રસ્તામાં બે ત્રણ ટ્રેનો પણ પસાર થઈ. આમ રેલના પાટે પાટે ચાલતા થયા આખરે નવેક વાગ્યે અગીયાર નાળા વાળો પૂલ આવતા ખબર પડી કે આતો પાછુ લાઠી આવ્યું. પણ સ્ટેશન ઉપર કયાં કોઈ આપણને ઓળખે છે. તેમ નકકી કરી પાટે પાટે જતા હતા ત્યારે લાઠી રેલવે સ્ટેશન વટી ગયા પછી થોડે દૂર અર્ધા પેલેસ પાસે ના ફાટક વાળાએ અમને રોકીને પોલીસને સોંપી દીધા.

જયદેવને લાઠીમાં બનેલા એક પછી એક ગટ્ટી ગેંગે કરેલા ઘરફોડ ચોરીના ગુન્હા, તેની છુપાવાની રીત, મુદ્દામાલ સંતાડવાની પધ્ધતિ તો અઠંગ ગુનેગાર જેવા હતા પરંતુ ગટ્ટીનો જેલમાંથી નાસી જવાના જુદા જુદા પ્રયત્નો અને તેની મુંબઈ જઈ ડોન બનવાની ખ્વાઈહીશ, જેલમાં કપડા વગરનાં હોવા છતા કપડાની વ્યવસ્થા કરી છરી મેળવી, બારીનો સળીયો તબલા અને હારમોનીયમ મંજીરાના તાલે મેળ મેળવી તોડીને આટલી નાની ઉંમરે બીજા માળેથી બારીમાંથી પડવાની હિંમત, બે વખત શહેરમાં પકડાયા તો શહેર બહાર બારોબાર રેલવેના પાટે પાટે અંધારી રાત્રીના અજાણી ધરતી ઉપર કોઈ ડર કે ભય વગર આડબીડ જંગલમાં થઈ નાસી છૂટવાની હિંમત કોઈ મોટી ઉંમરની વ્યંકિત પણ કરતા પહેલા સો વખત વિચારે તેવું આયોજન કરી અને નાસી છૂટી મુંબઈ જવા સતત પ્રયત્ન કરેલ તેથી અચંપો પામી ગયો. જયદેવને નવાઈ તોએ વાતની થઈ કે મુંબઈ કયા રાજયનું કઈ જગ્યાએ આવ્યું તે પણ ગટ્ટીને ખબર નહતી પણ તે રેલવેમાં જતા આવે અને ત્યાં મજા મજા જ છે તેમ ગટ્ટી માનતો હતો.

જયદેવને થયું કે આ પાંચ વર્ષના ટેણીયા ગટ્ટીને કોઈ અભ્યાસ કે તાલીમ પણ નહતી કે કોઈએ શીખવ્યું પણ ન હતુ તોઆવા વિચાર અને આવી આબાબતની હોંશીયારી કેવી રીતે આવી હશે તેનું ઘણું જ આશ્ચર્ય થતુ હતુ ! જયદેવે મનોમન વિચાર્યું કે પૂનરજન્મ ! આગલા જન્મનો કોઈ મોટો ઘરફોડીયો અવગતીયો આત્મા આ ગટ્ટી રૂપે જન્મ્યો હશે તે સંસ્કારો આ નાની ઉંમરે જ તેનામાં જાગૃત થઈ ગયા હશે!

તે જે હોય તે પણ જયદેવને થયું કે હવે આખી ટોળકીનું ધ્યાન રાખવાની જરૂર નથી ફકત ગટ્ટી ઉપર જ ધ્યાન કેન્દ્રીત થાય તો તેનામાં પરિવર્તન આવે. આથી જયદેવે સાતે સાત બાળકોનાં વાલીઓને બોલાવ્યા. દરમ્યાન અમરેલી સીટી પોલીસમાં જાણ કરી તો જાણવા મળ્યું કે તેમણે ફકત જાણવા જોગ નોંધ કરી છે. આથી સીટી પોલીસે સુરક્ષાગૃહમાં જાણ કરી અને સુરક્ષાગૃહનાં કર્મચારીઓ લાઠી પોલીસ સ્ટેશનમાં આવી ગયા.

જયદેવને થયું કે ગટ્ટી બુધ્ધીશાળી છે તેન ડરાવવાથી કે ભય દેખાડવાથી કોઈ કામ સરે તેમ નથી તેને બુધ્ધીગમ્ય રીતે સમજાવવામાં આવે તો કદાચ સમજી જાય. આથી જયદેવે ગટ્ટીને સમજાવ્યો કે તારૂ જે રેલવે સ્ટેશન ઉપર ચા વેચવાનું કામ કરવાનું આયોજન છે તે કોઈ હિસાબે સફળ થાય તેમ નથી કેમકે હાલમાં નવો કાયદો ‘બાળમજુરી પ્રતિબંધક ધારો’ અમલમાં છે. તેથી કોઈ પણ રેલવે સ્ટેશન ઉપર બાળકો ચા વેચતા હોય તેને પોલીસ તુરત જ પકડીને સુરક્ષા ગૃહમાં મોકલી દે છે.

બીજી એક મુંબઈની અગત્યની વાત કે જો તમે મુંબઈ જાવ તો ત્યાં તો તમે સાવ લાવારીસ જને? તે વાતની ગેંગ વાળાને ખબર પડે એટલે તમને તુરત જ ઉપાડી ને અખાતી દેશોમાં મોકલી દેશે અખાતી દેશોમાં અફાટ રેતીનાં રણમાં ત્યાંના સુખી અને સમૃધ્ધ અમીરો ઉંટો ને દોડાવવાની એવી હરીફાઈ યોજે છે કે ઉંટ ઉપર તમારી જેવા દસ વર્ષથી નાની ઉંમરના છોકરાઓને બેસાડીને પછી સીટ ઉપર બાંધી દે છે. અને ત્યાર બાદ આ ખવરાવી પીવરાવી ને વકરી ગયેલા ઉંટોને રણમાં છૂટા મૂકે છે. ઉંટો રોકેટની ઝડપે રણમાં દૂર દૂર સુધી બેફામ દોડતા જાય છે. આહરીફાયમાં જે જીતે કે હારે; પરંતુ ઉંટો ઉપર બાંધીને બેસાડેલ બાળકોની હાલત કફોડી કરૂણ અને દુ:ખમય થઈ જાય છે. ઘણા છોકરાઓની કમર તુટી જાય છે. કેટલાયે અપંગ થઈ જાય છે. અને કેટલાક તો મરી પણ જાય છે.

આવી હરીફાઈમાં જાણી જોઈને તો કોઈ પોતાના છોકરાઓને રીબાવવા ઉંટ ઉપર બેસાડે નહિ? તેથી આ માટે પૈસાથી તરબતર અખાતી દેશોના અમીરો આવા બાળકો ભારત બાંગ્લાદેશ, પાકિસ્તાન કે આફ્રિકાના દેશોમાંથી ચોરી છુપીથી તારા જેવા લાવારીસોને શોધીને મંગાવે છે.

આ વાત સાંભળીને ગટ્ટી એકદમ ઉત્તેજીત અને આશ્ર્ચર્ય પામીને બોલ્યો ‘હે?’ જયદેવે કહ્યું તારે ગામમાં આ વાત અંગે ગમે તેને પૂછીને ખાત્રી કરવાની છૂટ છે.

તમામ બાળખોના વાલીઓ આવી ગયા અને એક સિવાય તમામ વાલીઓ બાળ અદાલતમાં જામીન આપી બાળકો લઈ જવા તૈયાર થયા. પણ ગટ્ટીના બાપેજ યદેવને કહ્યું ‘સાહેબ આને હું સાચવી શકુ તેમ નથી. તેને જેલમાં જ રહેવા દો. આ સાંભળીને જયદેવે ગટ્ટીને કહ્યું ‘તું હવે કાંઈ નાટક કરીશ?’ અખાતી દેશોની ઉંટની રેસની વાતની અસરમાં આવેલા ગટ્ટીએ કહ્યું’ ના સાહેબ પાકા પાયે જણાવું છું કે આજથી હું રાત્રીનાં ઘરની બહાર જ નહિ નીકળુ અને દિવસે નાના ભાઈને ઘેર રહીને રમાડીશ બસ? જયદેવે ગટ્ટીના બાપને કહ્યું તું જો તારા છોકરાને ભણાવવા માંગતો હોય તો તેના કપડા ચોપડા દફતર પેન પાટીના ખર્ચની વ્યવસ્થા અમે કરીશું તારે ચિંતા નહિ આથી તેનો બાપ સહમત થયો તમામ બાળકો જામીન ઉપર છૂટીને ઘેર આવી ગયા.

તે પછીના દિવસોમાં તમામ છાપાઓમાં આ બાળ તસ્કર ત્રિપુટી બાળ સુરક્ષા ગૃહની બારી તોડીને નાસી ગયા ના સમાચાર છપાયા હતા.નાનકડા લાઠીનગરમાં આ બાળ ગુનેગારોએ કરેલા ગુન્હાઓ અને હવે જેલ તોડીને નાસી ગયાની ચર્ચાઓ કુતુહલ ભરી રીતે અને કાંઈક મજાકમાં અને રમૂજમાં વાતો થતી હતી કે ‘ચકલી નાની અને ફયડકો મોટો’, મારા બેટાઓએ પોલીસને બરાબર ધંધે લગાડી દીધી !

જયદેવે જમાદાર સામતસિંહ મારફતે ગટ્ટીનું સ્કુલમાં નામ દાખલ કરાવી પુસ્તકો કપડા વિ.ની વ્યવસ્થા કરાવી અભ્યાસમાં લગાડીદીધો બીજા બાળકો પણ પોત પોતાના કામ ધંધે લાગી ગયા. પછી લાઠીમા આવી ચોરીઓ બની નહિ અને જયદેવની પણ લાઠીથી બદલી થઈ ગઈ. સમયતો અવીરીત પણે ચાલતો જ રહે છે.

ચાર-પાંચ વર્ષ પછી જયદેવ જયારે ભાવનગર જીલ્લા સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપનો ફોજદાર હતો અને એક દિવસ કોર્ટ મુદતમાં ભાવનગરથી અમરેલી જવા બસમાં મુસાફરી કરી રહ્યો હતો ત્યારે રસ્તામાં લાઠી બસ સ્ટેન્ડ આવ્યું. આથી તે બસમાં બેઠા બેઠા વિચારતો હતો કે બધુ કેવું ઝડપથી ફરી રહ્યું છે? આટલા વર્ષોમાં જ કેટલી બદલીઓ? લાઠીથી જૂનાગઢ, બીલખા, માંગરોળ, અમરેલી, બગસરા, કુંકાવાવ, ધારી, ગઢડા (સ્વામીના) અને અત્યારે ભાવનગર કેવી જીંદગી છે? તેમ પોતાના વિચારોમાં હતો ત્યાં બસની બારીમાંથી એક પાણીના પાઉચ વેચવાવાળાએ ઉપરા ઉપરી અવાજ કરીને કહ્યું ‘સાહેબ… સાહેબ સામે તો જુઓ?’ જયદેવે બારીમાંથી જોઈ ને કહ્યું ‘ભાઈ મારે પાણી નથી પીવું’ છોકરાએ બહાર ઉભા ઉભા વાત કરી ‘સાહેબ મને ન ઓળખ્યો? હું ગટ્ટી’ જયદેવે કહ્યું વાહ! અને તે ઉભો થઈ ગયો અને કંડકટરને કહ્યું બસ જરા બે મીનીટ ઉભી રાખજો અને તેણે બસમાંથી નીચે ઉતરીને ગટ્ટીને પ્રશ્ર કર્યો ‘તું ભણવા નથી જાતો?’ ગટ્ટીએ કહ્યું કે પોતે અભ્યાસ કરવા જાય છે. પણ સ્કુલ સિવાયના સમયે પાણીના પાઉચ વેચીને પોતાના પિતાને આર્થિક મદદ પણ કરે છે.તેમ બોલીને તે ઉભા રહેજો સાહેબ કહીને સામે આવેલ કેબીનમાંથી દોડીને ખારી શીંગનું પેકેટ લઈ આવ્યો અને કહ્યું  સાહેબ આ મારા તરફથી પણ છતા જયદેવે પરાણે પૈસા આપ્યા અને બીજા જોડીદારો શું કરે છે. તેની વિગત જાણીતો ગોવાળ ગામ છોડીને તેના પિતા સાથે બહાર ગામ જતો રહેલ છે. બાકીના જે નિશાળે જતા નહતા તે પણ મને નિશાળે જતો જોઈને તે પણ ભણવા માંડયા છે. તેમ વાત કરી ત્યાં બસ ચાલુ થતા જયદેવે ગટ્ટીને શાબાશી આપી બસમાં ચડયો. બસ ચાલુ થઈને અમરેલી રોડ ઉપર ચડી અને દૂર સુધી દેખાય ત્યાં સુધી ગટ્ટી જયદેવને હાથ ઉંચો કરી આવજો આવજો કરતો હતો!

જયદેવે ફરી વિચારે ચડયો કે જો ગટ્ટીનું જીવન પરિવર્તન ન થયું હોત તો? ગટ્ટીનું જીવનતો નર્ક સમાન બની જાત પરંતુ બીજા પણ ઘણા દુ:ખી થયા હોત અને પોલીસ પણ ધંધે લાગેલી હોત.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.