સૌરાષ્ટ્રમાં મેઘ વિરામ: રાજયમાં વરસાદનું જોર ઘટયું

અમરેલીમાં દોઢ ઇંચને બાદ કરતા સૌરાષ્ટ્રભરમાં સામાન્ય ઝાપટા: રાજયના 189 તાલુકાઓમા: ચાર ઇંચ સુધી વરસાદ

રાજયભરમાં વરસાદનું જોર ઘટયું છે. સૌરાષ્ટ્રમાં એકદરે મેઘ વિરામ જેવો માહોલ રહ્યો હતો અમરેલીમાં દોઢ ઇંચ પાણી પડયું હતું. આ સિવાય સૌરાષ્ટ્રના મોટાભાગના તાલુકાઓમાં સામાન્ય ઝાપટા પડયા હતા. રાજયના 189 તાલુકાઓમાં સામાન્ય ઝાપટાથી લઇ ચાર ઇંચ સુધી વરસાદ પડયો હતો. રાજયમાં આજ સુધી સીઝનનો 69.22 ટકા વરસાદ વરસી ગયો હતો.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના સુત્રોના જણાવ્યાનુસાર આજે સવારે પુરા થતા છેલ્લા ર4 કલાક દરમિયાન રાજયના રપ0 પૈકી 189 તાલુકાઓમાં હળવા ઝાપટાથી લઇ ચાર ઇંચ સુધી વરસાદ વરસી ગયો છે. સૌથી વધુ વરસાદ સાબરકાંઠા જીલ્લાના ઇડરમાં ચાર ઇંચ, સરસ્વતી તાલુકામાં સાડા ત્રણ ઇંચ, ભીલોડામાં સવા ત્રણ ઇંચ ઉમર પાડામાં ત્રણ ઇંચ, સાંતળસાણામાં અઢી ઇંચ, પાટણમાં અઢી ઇંચ, કવાંટમાં અઢી ઇંચ, વાગરામાં અઢી ઇંચ, સીઘ્ધપુર, ખંભાત, પ્રાતીજ, માંગરોળ, રાધનપુર, ચાણસ્મા, પાલનપુર, કાંકરેજ, હિંમતનગરનમાં બે ઇંચ, દિયોદર, વડગામ, તારાપુર, ધાનરામાં પોણા બે ઇંચ, અમરેલી, કાલોલ, મહુઘા, અમીરગઢ, પાદરા, માણસા, ખેડબ્રહ્મમાં દોઢ ઇંચ, ડીસા, બોરસદ, દાંતા, લખાણી, ભરુચ, સંતરામપુર, અમદાવાદ, સિનોર, સોનગઢ, સાગબારા, કડી અને નિઝરમાં એક ઇંચ વરસાદ પડયો હતો. સૌરાષ્ટ્રમાં એકદરે મેઘ વિરામ જેવો માહોલ રહ્યો હતો. આજ સવારથી ર1 તાલુકાઓમાં વરસાદ પડી રહ્યો છે. બનાસકાંઠાના દાંતામાં સવારે બે કલાકમાં અઢી ઇંચ વરસાદ વરસી ગયો હતો.

રાજયમાં આજ સુધીમાં સિઝનનો 69.22 ટકા વરસાદ વરસી ગયો છે. કચ્છ રિજીયનમાં 117.16 ટકા ઉપર ગુજરાતમાં 55.77 ટકા, પૂર્વ મઘ્ય ગુજરાતમાં 60.38 ટકા, સૌરાષ્ટ્રમાં 61.32 ટકા, અને દક્ષિણ ગુજરાતમાં 81.92 ટકા વરસાદ પડયો છે.

રાજયમાં ગત વર્ષ કરતાં જુલાઇમાં ડબલ વરસાદ

54 કેસ હાઇ એલર્ટ પર અને 7 જળાશયો એલર્ટ પર

ચોમાસા દરમિયાન ચાલુ સિઝનમાં સર્વત્ર વરસાદના પરિણામે ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ 69.22 ટકા એટલે કે ગત વર્ષ જુલાઇ-2021ની સરખામણીએ ડબલ-બેગણો વરસાદ થયો છે તેમ રાહત કમિશનર પી.સ્વરૂપે જણાવ્યું હતું.  દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં મુખ્ય ડેમ-જળાશયમાં પાણીની આવક-જાવક અને વર્તમાન સ્ટોરેજની વિગતો મેળવી જરૂરી સૂચનો કર્યા હતા. આ ઉપરાંત ગુજરાતમાં વધુ વરસાદવાળા જિલ્લામાં થયેલી રાહત સહિતની કામગીરી સંદર્ભે વિગતો મેળવી ચર્ચા-વિચારણા પણ કરી હતી. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ હાલમાં 128.68 મીટર એટલે કે 59.95 ટકા ભરાયેલો છે. જ્યારે રાજ્યના 54 ડેમ-જળાશય હાઇ એલર્ટ, 7 એલર્ટ અને 16 જળાશયોમાં વોર્નિંગ જાહેર કરવામાં આવી છે.

આ બેઠકમાં રાહત નિયામક સી.સી. પટેલ, ઊર્જા, માર્ગ અને મકાન, જીએસઆરટીસી , સી.ડબલ્યુ.સી, ઇસરો, કોસ્ટ ગાર્ડ, બાયસેગ, પંચાયત વિભાગ, ફિશરીઝ, પશુપાલન, ફોરેસ્ટ, જીએમબી. , જીએસડીએમએ  સહિતના અઘિકારીઓ હાજર રહી જરૂરી વિગતો આપી હતી.

ભાદર સહિત 11 ડેમમાં પાણીની આવક

સૌરાષ્ટ્રમાં છેલ્લા એકાદ સપ્તાહથી એકંદરે મેઘ વિરામ જેવો માહોલ છે. છતાં છલકાતા નદી નાળાઓના કારણે જળાશયોની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. આજે સવારે પુરા થતા છેલ્લા ર4 કલાક દરમિયાન ભાદર સહીત 11 ડેમમાં નવાનીરની આવક થવા પામી છે. ભાદર ડેમમાં નવું 0.20 ફુટ, વેણુ-ર ડેમમાં 0.33 ફુટ, આજી-3 ડેમમાં 0.16 ફુટ, વાછપરી ડેમમાં 0.49 ફુટ, ન્યારી-ર ડેમમાં 0.33 ફુટ, કરમાળમાં 0.33 ફુટ, દ્વારકા જીલ્લાના વર્તુ-1 ડેમમાં 0.39 ફુટ, વેરાડી-1 માં 0.33 ફુટ, વેરાડી-ર ડેમમાં 0.16 ફુટ, મીણસાર (વાનાવડ) ડેમમાં 0.33 ફુટ જયારે સુરેન્દ્રનગર જીલ્લાના ત્રિવેણી ઠાંગા ડેમમાં નવું 0.16 ફુટ પાણીની આવક થવા પામી છે.