Abtak Media Google News

૧ ઓકટોબરથી અમલવારી: પીવાના પાણી માટે ૨૯૬ કરોડના ખર્ચે નવી પાઈપલાઈન નખાશે, ગૌશાળા અને પાંજરાપોળને ધારાધોરણ મુજબ સબસીડી અપાશે

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કચ્છની એક દિવસની મુલાકાત લઈ અછતની પરિસ્થિતિની સમીક્ષા બેઠક બાદ સમગ્ર કચ્છ જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરીને આગામી ૧લી ઓકટોબરથી અમલવારી કરવાની જાહેરાત કરી હતી. તેમજ રાજયના અન્ય તાલુકાઓમાં કચ્છ સહિત ૧૨૫ મીમી થી ઓછો વરસાદ થયો છે ત્યાં ૧લી ઓકટોબરથી અછતની અમલવારી કરવાની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રીએ ગૌશાળા-પાંજરાપોળો બધાને ધારાધોરણ અનુસાર સબસીડી અને યુદ્ધના ધોરણે અછતગ્રસ્ત વિસ્તારોમાં ઢોરવાડા ખોલવાની કામગીરી હાથ ધરાશે તેવું આ તકે જણાવ્યું હતું.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કચ્છના પીવાના પાણી માટે ૨૯૬ કરોડના ખર્ચે નવી પાઈપલાઈનના કામો કરાશે તેવી જાહેરાત કરીને ટપ્પર ડેમમાં વધારે પાણી આપવા તેમજ અછત સમિતિની જાહેરાત જિલ્લા કલેકટર કરીને સ્થાનિક નિર્ણયો લેવાશે તેવો નિર્દેશ આપ્યો હતો. પુરુષાર્થ સાથે કચ્છને ટ્રેન મારફતે ઘાસચારો પુરો પડાશે તેવી જાહેરાત કરી હતી. મુખ્યમંત્રીએ સમગ્ર કચ્છને ધ્યાનમાં રાખીને સમગ્ર કચ્છમાં અછતરાહતના કામો હાથ ધરાશે તેવી ધરપત આપી હતી.

Cm At Kachchh Bhuj 2કચ્છની એક દિવસની મુલાકાતે આવેલા રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જાત મુલાકાત લઈ કચ્છમાં ઉદભવેલી સંભવિત અછતની સ્થિતિની સમીક્ષા અર્થે આજે ભુજમાં કલેકટર કચેરીના હોલમાં ચુંટાયેલા પદાધિકારીઓ અને રાજયના ઉચ્ચ અધિકારીઓ અને જિલ્લા વહિવટીતંત્ર સાથે બેઠક યોજી વિચાર-વિમર્શ કરી સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવી સરકાર કચ્છની વર્તમાન દરેક ચિંતામાં ભાગીદાર બનશે તેમ જણાવી આ આફતને અવસરમાં પલટીને પાર પાડી જવાનો મકકમ નિર્ધાર વ્યકત કર્યો હતો. વિજયભાઈ રૂપાણીએ સંભવિત અછતની સ્થિતિ જોઈને જુલાઈ માસથી ઘાસ આપવાનું ચાલુ કરી દીધું હતું.

તેમણે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કચ્છની જાત મુલાકાત લેવા આવ્યા હતા ત્યારે સરકાર કચ્છની સ્થિતિથી સુપરે ચિંતિત હોવાનું જણાવી અછતની કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળાશે તેવો વિશ્ર્વાસ વ્યકત કર્યો હતો. કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાએ કચ્છની પરિસ્થિતિનો ચિતાર આપી કચ્છમાં ઘાસનો સ્ટોક જમા થાય તેવી લાગણી વ્યકત કરી હતી. આ ઉપરાંત તેમણે મોટા ધંધાર્થીઓના સ્થાને નાના પરિવારોને કોલસા બનાવવા વન વિભાગની મંજુરી આપવા પણ જણાવ્યું હતું. બેઠકના પ્રારંભે જિલ્લા કલેકટર રેમ્યા મોહને કચ્છમાં ખાસ કિસ્સામાં ઘાસ વિતરણ અંગેની વિગતો આપીને ઔધોગિક ગૃહો અને ટ્રાન્સપોર્ટેશન દ્વારા કચ્છમાં ઘાસચારો સીએસઆર વધારવા સુચના અપાઈ હોવા સાથે સમગ્ર કચ્છની પરિસ્થિતિનો ચિતાર રજુ કરી હાથ ધરાયેલ કામગીરીનો ચિતાર રજુ કર્યો હતો. તેમણે સરહદી વિસ્તારમાં પશુપાલકોને ચેરિયા અને ઘાસ માટે સ્થાનિકે તંત્ર સાથે યોગ્ય નિકાલ લાવવા માટે ખાતરી આપી હતી. અધિકારીઓએ પ્રેઝન્ટેશન માધ્યમથી મુખ્યમંત્રીને હાલની પરિસ્થિતિમાં કરાઈ રહેલી કામગીરી વિશેની કચ્છનું ચિત્ર રજુ કર્યું હતું.

જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોષીએ કચ્છમાં નરેગા યોજના અંતર્ગત હાલમાં અપાતી માનવદિન રોજગારીની વિગતો આપી હતી. કચ્છની ધાર્મિક સંસ્થાઓ અને ગૌશાળા-પાંજરાપોળના પ્રતિનિધિઓએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સમક્ષ ઘાસની માંગ વધુ હોવા સાથે પાંજરાપોળ-ગૌશાળામાં વધતી જતી સંખ્યાની ચિંતા જણાવી તેઓને સ્થળાંતર પણ કરાવી ન શકાય તેવી રજુઆત કરી તાત્કાલિક પશુઓને પૌષ્ટિક આહાર આપી શકાય તે માટે સબસીડીની માંગ કરી હતી. બેઠકના પ્રારંભે અધિક કલેકટર ડી.આર.પટેલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત રાજયમંત્રી વાસણભાઈ આહિર અને પદાધિકારીઓનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. લોકપ્રતિનિધિઓ અને સંબંધિત વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.