Abtak Media Google News

અબતક, રાજકોટ

વિધાનસભાની ચૂંટણીને આડે હવે સવા વર્ષથી પણ ઓછો સમયગાળો બાકી રહ્યો છે ત્યારે સત્તાધારી પક્ષ ભાજપે ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન ર્ક્યું છે. સાથે સાથે મંત્રી મંડળની રચનામાં પણ સંપૂર્ણપણે નો-રિપીટ થીયરી અપનાવવામાં આવી છે. ભુતકાળમાં સરકારમાં મંત્રી તરીકેની જવાબદારી નિભાવી ચૂક્યા હોય તેવા માત્ર બે જ ચહેરાઓ છે. આવામાં બિનઅનુભવી મંત્રીઓ પર અધિકારી રાજ હાવી ન થઈ જાય તે માટે મોટાપાયે અધિકારીઓની બદલીનો ઘાણવો નિકળશે તે નિશ્ર્ચિત બની ગયું છે.

બિનઅનુભવી મંત્રીઓ પર અધિકારીરાજ હાવી ન થઇ જાય તે માટે 

વિવિધ જિલ્લાના પ્રભારી મંત્રી અને પક્ષના પ્રભારીઓનો પણ પોર્ટફોલીયો વજનદાર રહે તેવું માનવામાં આવી રહ્યું છે. તમામ વિભાગોના સચિવોની ફેરબદલી કરવામાં આવશે. પ્રથમ વખત સરકારનો ચહેરો બનેલા મંત્રીઓને વહીવટના પાઠ ભણાવી શકે તેવા અધિકારીની અલગ અલગ વિભાગોમાં નિમણૂંક કરવામાં આવશે. સાથે સાથે નવનિયુક્ત મંત્રી પોતાને માફક આવે અને માનીતા હોય તેવા જ અધિકારીને પોતાના પીએ અથવા પીએસ બનાવશે.

સામાન્ય રીતે સરકારમાં એક-બે મંત્રીઓ પણ નવા હોય તો તેના પર અધિકારીઓ હાવી થઈ જતાં હોય છે અને લોકોને ફરી અધિકારી રાજ આવ્યું હોય તેવું મહેસુસ થવા લાગતું હોય છે. ગુજરાતની વર્તમાન સરકારના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ખુદ બિનઅનુભવી છે. આ ઉપરાંત પક્ષે મંત્રી મંડળમાં પણ નો-રિપીટ થીયરી અપનાવી હોવાના કારણે તમામ 24 મંત્રીઓ ખાસ અનુભવ ધરાવતા નથી. માત્ર કિરીટસિંહ રાણા અને રાઘવજીભાઈ પટેલ પાસે સરકારમાં કામ કરવાનો અનુભવ છે. નવા નિશાળીયા પર અધિકારીઓ હાવી ન થઈ જાય તેની ચિંતા પણ પક્ષે જ કરવાની રહેશે અને આ સૌથી મોટો પડકાર છે. કારણ કે આ પડકારના કારણે પક્ષ સામે ભવિષ્યમાં મોટી ઉપાધી આવી પડે તેવી શકયતા પણ નકારી શકાતી નથી.

તમામ વિભાગોના સચિવ, મંત્રીઓના પીએ-પીએસ, મંત્રીઓના શહેરોના સનદી અધિકારીઓની મોટાપાયે બદલીનો ઘાણવો નિકળે તે નિશ્ર્ચીત: બિનઅનુભવી મંત્રીઓને યોગ્ય વહીવટી પાઠ શિખવી શકે તેવા અધિકારીની નિમણૂકો કરાશે

અત્યારથી જ ભાજપે ક્યાં અધિકારીની ક્યાં વિભાગમાં નિમણૂંક કરવી તેની પ્રાથમિક તૈયારીઓ કરી લીધી છે. મુખ્યમંત્રી કાર્યાલયના ચાર અધિકારીઓની બદલી કરી નાખવામાં આવી છે. આ ઉપરાંત મંત્રીઓના સ્ટાફને પણ મુળ જગ્યાએ પરત મોકલી દેવામાં આવ્યો હોય તેના પરથી એક વાત સ્પષ્ટ છે કે, સરકારમાં મોટાપાયે ઉલટફેર કરનાર ભાજપ હવે અધિકારીની બદલીનો ઘાણવો કાઢશે. તમામ વિભાગમાં નવા સચિવની નિમણૂક કરાય તે નિશ્ર્ચિત માનવામાં આવી રહ્યું છે.

આ ઉપરાંત મંત્રીઓની અલગ અલગ જિલ્લાના પ્રભારી તરીકે નિમણૂંક કરવામાં આવતી હોય છે. પ્રભારી મંત્રીનો પોર્ટફોલીયો વજનદાર રહે તેવું પણ મનાઈ રહ્યું છે. પક્ષ દ્વારા પણ જિલ્લા પ્રભારીની નિમણૂંક કરવામાં આવતી હોય છે જેનું કામ માત્ર સંગઠનના દેખરેખ પુરતુ હોય છે પરંતુ આ વખતે સંગઠન જિલ્લા પ્રભારીઓને સરકારમાં દેખરેખનું કામ સોંપાય તો પણ નવાઈ નહીં. અગાઉની તમામ સરકારોમાં અનુભવી અને નવા ચહેરાઓનો સમન્વય જોવા મળતો હતો પરંતુ પટેલ સરકારમાં ખુદ મુખ્યમંત્રી સહિતના તમામ મંત્રીઓ નવા હોવાના કારણે ભાજપને અંદરખાને અધિકારી રાજ ન આવે તેનો પણ ડર સતાવી રહ્યો છે. વહીવટમાં રહી સરકાર અને પક્ષને નુકશાન પહોંચાનાર અધિકારીને હવે ચોક્કસ જગ્યાએ ફીટ કરી દેવામાં આવશે જેથી તેઓની ચંચુપાત ઘટે. ટૂંક સમયમાં જ અધિકારીઓની બદલીનો મોટાપાયે ઘાણવો નિકળશે. મંત્રી મંડળમાં સમાવાયેલા સભ્યોના મત વિસ્તારના સનદી અધિકારીઓની પણ બદલી નિશ્ર્ચીત માનવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.