Abtak Media Google News
કામગીરીનું નિરિક્ષણ કરી મુખ્યમંત્રીએ પાણી-પુરવઠા વિભાગના અધિકારીઓને જરૂરી સુચના આપી સમય મર્યાદામાં કામ પૂરૂ કરવા સુચના: જળ-વિતરણની વ્યવસ્થા હાલ 74 ટકા કામગીરી પૂર્ણ: 20 મીટર ઉંચી ટાંકીઓ તૈયાર કરાઈ

અબતક,દીપક સથવારા, પાટણ

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાધનપુર ખાતે પાણી પુરવઠા વિભાગની રાધનપુર ગૃપ યોજના અંતર્ગત તૈયાર કરવામાં આવી રહેલા 60 એમ.એલ.ડી ક્ષમતાના ફિલ્ટરેશન પ્લાન્ટની મુલાકાત લીધી હતી. નર્મદા કેનાલ આધારીત બી.કે.3(પી-2) જુથ યોજના અંતર્ગત તૈયાર કરવામાં આવી રહેલા ડબલ્યુ.ટી.પી., આર.સી.સી. સંપ સહિતની વ્યવસ્થાની કામગીરીની પ્રગતિ અંગે સમિક્ષા કરી પાણી પુરવઠા વિભાગના અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.ફિલ્ટરેશન પ્લાન્ટ ખાતે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા નકશા અને કામગીરીની પ્રગતિની આંકડાકિય માહિતીથી અવગત કરાવવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલે નિર્માણાધિન ફિલ્ટરેશન પ્લાન્ટનું સ્વનિરીક્ષણ કરી વધુ વિગતો મેળવવા સાથે સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા અનુરોધ કર્યો હતો.

રાધનપુર ખાતે રૂ.77.77 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી રહેલી રાધનપુર અને સાંતલપુર જુથ પાણી પુરવઠા યોજનાની રાધનપુર ગૃપ યોજનાથી તાલુકાના 65 ગામ, 02 પરા વિસ્તાર અને રાધનપુર શહેરના મળી કુલ 1.74 લાખ નાગરિકોને પાઈપલાઈન થકી સમયસર અને પુરતું પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ થશે. વર્ષ 2020માં 19.49 એમ.એલ.ડી. ક્ષમતામાં વધારો કરી વર્ષ 2050 સુધી 32.84 એમ.એલ.ડી. સુધી પહોંચાડવામાં આવશે.કુલ 251.05 કી.મી.ની પાઈપલાઈન પૈકી 315 મી.મી.થી 90 મી.મી. વ્યાસ ધરાવતી 213.30 કી.મી. ડિસ્ટ્રીબ્યુશન પાઈપલાઈન તથા 600 મી.મી.થી 250 મી.મી. વ્યાસ ધરાવતી ડી.આઈ.કે.7 37.75 કી.મી.ની રાઈઝીંગ મેઈન પાઈપલાઈનના નેટવર્ક દ્વારા જળ વિતરણની આ વ્યવસ્થાની હાલ 74 ટકા જેટલી કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. જે આગામી ઓગષ્ટ મહિના સુધીમાં પૂર્ણ કરી કાર્યાન્વિત કરવામાં આવશે.બી.કે.3(પી-2) જુથ યોજના અંતર્ગત રાધનપુર અને સાંતલપુર તાલુકા માટે 100 લાખ લીટર, રાધનપુર શહેર માટે 50 લાખ લીટર ઉપરાંત ધરવડી હેડવર્ક્સ ખાતે 05 લાખ લીટર તથા ગોતરકા ખાતે 07.50 લાખ લીટર ક્ષમતાના ભૂગર્ભ સંપ તૈયાર કરવામાં આવી રહ્યા છે. જ્યારે ધરવડી, સાતૂન, ગોતરકા અને દૈસર હેડવર્કસ ખાતે અનુક્રમે 2.5 લાખ લીટર, 3 લાખ લીટર, 3 લાખ લીટર તથા 5 લાખ લીટરની સ્ટોરેજ ક્ષમતા ધરાવતી 20 મીટર ઉંચી ટાંકીઓ પણ તૈયાર કરવામાં આવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ રાધનપુર તાલુકાના આ ગામોમાં પાતાળકુવા આધારિત પાણી પુરવઠો પૂરો પાડવામાં આવે છે. પરંતુ આ પાણીમાં ફ્લોરાઈડ, નાઈટ્રેટ તેમજ ટી.ડી.એસ.ના વધારે પ્રમાણના કારણે પાણી પીવાલાયક ન રહેતા તેના કાયમી ઉકેલ માટે રાજ્ય સરકાર દ્વારા નર્મદા કેનાલ આધારિત બીકે-3 પી-2 જુથ પાણી પુરવઠા યોજના મંજૂર કરવામાં આવી હતી. જેના થકી પીવાના પાણી સમસ્યા કાયમી ધોરણે હલ થઈ જશે. હાલ રાણકપુર ખાતેના 50 એમ.એલ.ડી. ક્ષમતાના શુદ્ધિકરણ પ્લાન્ટમાં પાણી શુદ્ધ કરી પહોંચાડવામાં આવે છે.આ યોજના અંતર્ગત સાતુન ખાતે નવીન 60 એમ.એલ.ડી. ક્ષમતાનો ફિલ્ટર પ્લાન્ટ બનાવી રાધનપુર તાલુકાના ગામો તથા રાધનપુર શહેરને પીવાનું પાણી સરકારના પ્રવર્તમાન ધારાધોરણો અનુસાર નિયમિતપણે પુરૂ પાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની આ મુલાકાત સમયે જિલ્લા સંગઠનના પ્રમુખ દશરથજી ઠાકોર, પૂર્વ ગૃહ મંત્રી રજનીભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી, પૂર્વ ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોર, પૂર્વ ધારાસભ્ય લવિંગજી ઠાકોર, જિલ્લા સંગઠનના પ્રભારી ગોવિંદભાઈ પટેલ સહિતના પદાધિકારીઓ-હોદ્દેદારઓ, જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટી, જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજા, પાણી પુરવઠા વિભાગના એમ.ડી. મયુરભાઈ મહેતા, મુખ્ય ઈજનેર પ્રકાશભાઈ શાહ, અધિક્ષક ઈજનેર આર.એમ.મહેરીયા તથા કાર્યપાલક ઈજનેર એન.પી.પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.