Abtak Media Google News

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની  અધ્યક્ષતામાં  ભુજ ખાતે  ઉચ્ચ સ્તરીય  બેઠક મળી

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કચ્છ જિલ્લામાં કોરોનાની બીજી લહેરના સંક્રમણને કાબુમાં લેવા જિલ્લાના અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજી જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ખૂબ વ્યાપક બની છે અને ચિંતા ઉપજાવે તેવી છે ત્યારે રાજ્ય સરકારે પણ કોરોના સામેની લડાઇમાં રાજ્ય સરકાર હારશે નહીં, થાકશે નહીં અને મહત્તમ વ્યવસ્થા ઉભી કરવા બાબતે પોતાનો દ્રઢનિશ્ચય વ્યક્ત કર્યો હતો.

ભુજ કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં કચ્છ જિલ્લામાં કોરોના અંગેની વ્યાપક સમીક્ષા કરવામાં આવી હતી. સમીક્ષા બેઠકમાં જિલ્લા કલેક્ટર પ્રવિણા ડી.કે. એ સમગ્ર કચ્છ જિલ્લામાં કોરોનાની હાલની પરિસ્થિતિ અંગે વ્યાપક ચિતાર આપી વહિવટી તંત્ર અને આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થાઓ અંગે ચિતાર આપ્યો હતો.

બેઠકમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઇ કચ્છની વિવિધ સંસ્થાઓ, જનભાગીદારી થકી વધુ 2000 (બે હજાર) બેડની વ્યવસ્થા ઉભી કરવા અંગે નિર્ણય કરવામાં આવ્યો હતો જે અંતર્ગત ભુજ ખાતે સમરસ હોસ્ટેલમાં ઓક્સીજન સુવિધા સાથે 200 બેડની હોસ્પિટલ ટૂંક સમયમાં કાર્યરત થશે તેમ જણાવ્યું હતું. આ ઉપરાંત રાજ્ય સરકારે કચ્છ જિલ્લામાં વેન્ટીલેટરની અછત દૂર કરવા માટે નવા 80 વેન્ટીલેટર ફાળવવાનો પણ નિર્ણય કર્યો હતો. આ સાથે જ મુખ્યમંત્રીશ્રીએ કચ્છ જિલ્લાને આરટીપીસીઆર ટેસ્ટ માટે લેબોરેટરીમાં વધુ એક લેબ મશીન આપવાની જાહેરાત કરી હતી.

તેમણે કચ્છની પીએચસી અને સીએચસીમાં સ્ટાફની ઘટ હોય ત્યાં સ્ટાફની ફાળવણી અંગે પણ વિચારણા કરી હતી. આ સાથે જ એમ.બી.બી.એસ પાસ થયેલ વિદ્યાર્થીઓ જે પોસ્ટ ગ્રેજ્યુએટની તૈયારી કરતા હોય તેઓની પરીક્ષાઓ રદ્દ થતા તેમને પણ કામગીરી સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

Img 20210417 Wa0242

આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોનાં કલ્યાણ તેમજ પ્રવાસન રાજ્યમંત્રી વાસણભાઇ આહિર, સાંસદ  વિનોદભાઇ ચાવડા, મુખ્ય સચિવ  અનિલ મુકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવશ્રી કે. કૈલાસનાથન, આરોગ્ય અગ્ર સચિવ ડો. જયંતિ રવિ, રેન્જ આઇજીશ્રી જે.આર. મોથલીયા, ધારાસભ્ય સર્વે ડો. નીમાબેન આચાર્ય, વિરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, પ્રધ્યુમનસિંહ જાડેજા, જિલ્લા પંચાયતના પ્રમુખ પારુલબેન કારા, અગ્રણી કેશુભાઇ પટેલ, જિલ્લા કલેક્ટરશ્રી પ્રવિણા ડી.કે., જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, પશ્ચિમ જિલ્લા પોલીસ વડા સૌરભસિંઘ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જનક માઢક, સિવિલ સર્જન ડો. કશ્યપ બુચ, ભુજ નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામભાઇ ઠક્કર સહિત વહિવટી અને આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સાથે કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા- વિચારણા કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.