Abtak Media Google News

વિચરતી જાતીમાં આવતા વાંસફોડા સમાજનાં ૨૨૫ લોકોને પીપળીયા ગામે નવ એકર જમીન ફાળવવાનો અધિક કલેકટરે હુકમ કર્યો: પૈસા ભરપાઈ કર્યા બાદ પણ તાલુકા મામલતદાર કચેરીથી કાર્યવાહી અટવાઈ હોવાનો આક્ષેપ ચીમકી બાદ કેરોસીનનું ડબલુ લઈને દોડી આવેલા વૃધ્ધને પોલીસે રોડ પરથી જ પકડી લીધા: સુત્રોચ્ચાર કરી રહેલા પરિવારના ૧૫ જેટલા સદસ્યોની પણ અટકાયત

Img 3229જિલ્લા કલેકટર કચેરી ખાતે આજે વાંસફોડા સમાજના વૃધ્ધે જમીન ફાળવણી મુદ્દે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. આત્મવિલોપનની ચિમકી આપ્યા બાદ અગાઉથી ચાંપતો બંદોબસ્ત ગોઠવાઈ ગયો હતો ત્યારે કલેકટર કચેરીએ કેરોસીનનું ડબલુ લઈને દોડી આવેલા આ વૃધ્ધને પોલીસે રોડ પરથી જ પકડી પાડયા હતા. ઉપરાંત કચેરી બહાર સૂત્રોચ્ચાર કરી રહેલા વૃધ્ધના પરિવારના ૧૫ જેટલા સદસ્યોની પણ પોલીસે અટકાયત કરી હતી.

રાજકોટ તાલુકાના પીપળીયા ગામે વિચરતી જાતીમાં આવતા વાંસફોડા સમાજના ૨૨૫ જેટલા લોકોને નવ એકર જમીનની ફાળવણી કરવા માટે તત્કાલીન અધિક નિવાસી કલેકટર વોરાએ હુકમ કર્યો હતો. ત્યારબાદ આ તમામ લોકોએ સરકારના ધારા-ધોરણ પ્રમાણે ભરવાના થતાં પૈસાની ચૂકવણી પણ કરી આપી હતી. તેમ છતાં તાલુકા મામલતદાર કચેરી ખાતેથી જમીન ફાળવણીની કાર્યવાહી અટવાઈ હોવાના આક્ષેપ સાથે વાંસફોડા સમાજના આ લાભાર્થીઓએ અનેક વખત તંત્રને રજૂઆત કરી હતી. તેમ છતાં કોઈ કાર્યવાહી ન થતાં અંતે વાંસફોડા સમાજના બાબુલાલ નાથાભાઈ વાંજાએ આત્મવિલોપન કરવાની ચિમકી આપી હતી.

વૃધ્ધ દ્વારા આપવામાં આવેલી ચિમકીના પગલે જિલ્લા કલેકટર કચેરી ખાતે ૨૫ થી ૩૦ પોલીસ જવાનોનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો હતો. ઉપરાંત એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ટીમને પણ ઘટના સ્થળે તૈનાત રાખવામાં આવી હતી.

વૃધ્ધે આપેલા સમય મુજબ તે દોઢ વાગ્યે જિલ્લા કલેકટર કચેરી પાસે કેરોસીન ભરેલું ડબલુ લઈને આવી પહોંચ્યા હતા. કલેકટર કચેરીમાં વૃધ્ધ પ્રવેશે તે પૂર્વે જ પોલીસ દ્વારા તેઓની રોડ પરથી જ અટકાયત કરવામાં આવી હતી. ઉપરાંત કલેકટર કચેરીના ગેઈટ પાસે તંત્ર વિરોધી સૂત્રોચ્ચાર કરી રહેલા વૃધ્ધના પરિવારને ૧૫ જેટલા સદસ્યોની પણ અટકાયત કરી તેઓને પોલીસવાન મારફતે પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.