એઈમ્સને લઈને કલેકટરની મેરેથોન મીટીંગ: રસ્તા, બ્રિજ સહિતનાં કામો ઝડપથી પૂર્ણ કરવા તાકીદ

જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં વડાપ્રધાન ખાતમુહૂર્ત કરવા આવે તે પૂર્વે તમામ રોડ ચકાચક બનાવી દેવાશે

એઈમ્સને લઈને જિલ્લા કલેકટર રેમ્યા મોહને આજે મેરેથોન મીટીંગ યોજી હતી જે અંદાજે બે કલાક જેટલો સમય સુધી ચાલી હતી. આ મીટીંગમાં જિલ્લા કલેકટર રેમ્યા મોહને અધિકારીઓને બ્રિજ, રોડ-રસ્તા, જેટકોની લાઈન સહિતનાં કામો ઝડપથી પૂર્ણ કરવાના આદેશો આપ્યા છે.
રાજકોટ નજીક જામનગર હાઈવે ઉપર પરાપીપળીયા અને ખંઢેરીના સર્વે નં.૬૭ તથા ૬૯ની ૨૦૦ એકર સરકારી જમીન પર એઈમ્સ નિર્માણ પામનાર છે જોકે હાલ એઈમ્સની કમ્પાઉન્ડ વોલનું મોટાભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે. ઉપરાંત રાજયનો ૯૦ મીટરનો રોડ બનાવવા રૂડા દ્વારા કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. એઈમ્સનાં ખાતમુહૂર્ત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજા સપ્તાહે રાજકોટ પધારવાના હોય આ પૂર્વે એઈમ્સને લગત રોડ-રસ્તા તેમજ ઓવરબ્રિજ અને જેટકોની લાઈનના કામ પૂર્ણ થાય તે માટે જિલ્લા કલેકટર રેમ્યા મોહને આયોજન ઘડવા આજે બેઠક યોજી હતી જેમાં અધિક કલેકટર પરીમલ પંડયા, પ્રાંત અધિકારીઓ, તાલુકા મામલતદારની ટીમ, કોર્પોરેશનના અધિકારીઓ અને રૂડાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં જિલ્લા કલેકટર રેમ્યા મોહને માધાપર-માલીયાસણ ૯૦ મીટરનો જે રોડ છે તે કામની સમીક્ષા હાથધરી હતી અને આ રોડ સૌથી મહત્વનો હોય તુરંત જ તેનું કામ પૂર્ણ કરવા તાકિદ કરી હતી. આ ઉપરાંત ઓવરબ્રિજના કામને પણ ઝડપથી પૂર્ણ કરવાના આદેશો આપ્યા હતા.
આ સાથે જેટકોની મહત્વની કામગીરી હોય તેમને પણ તુરંત કામ પૂર્ણ કરવાના આદેશો આપવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે કોર્પોરેશન અને રૂડાએ રોડ-રસ્તાના કામનાં ટેન્ડરો પણ બહાર પાડવાની પ્રક્રિયા હાથધરી દીધી છે. તેમની પણ જિલ્લા કલેકટર દ્વારા સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. ઉપરાંત નકશાની પણ સમીક્ષા હાથ ધરીને જરૂરી સુચનો અને માર્ગદર્શન પુરુ પાડયું હતું. આ મીટીંગ બપોરે ૧ વાગ્યાના અરસામાં શરૂ થઈને ૩ વાગ્યે પૂર્ણ થઈ હતી.