Abtak Media Google News

આવતીકાલે તલગાજરડામાં ચિત્રકુટધામમાં હનુમાનજીના દર્શન સાથે યાત્રાને લેશે વિરામ

પૂ.મોરારી બાપુના વ્યાસાસને ગત 22મી જુલાઇથી કેદારનાથથી શરૂ થયેલી દ્વાદશ જ્યોતિર્લિંગ રામકથાનું આજે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના સાનીધ્યમાં પાવનકારી સમાપન થયું હતું. દરમિયાન આવતીકાલે તલગાજરડાના ચિત્રકુટધામમાં હનુમાનજીના દર્શન કરી યાત્રાને વિરામ આપવામાં આવશે.

પુ.મોરારીબાપુએ કહ્યું કે બધા જ્યોતિર્લિંગનો અલગ અલગ મહિમા છે. નાગેશ્ર્વરએ સૂર્ય છે તો સોમનાથ ચંદ્ર છે. આપણે સૌ આ જ્યોતિર્લિંગનો વાંકમય અભિષેક કરવા માટે ઉમટ્યાં છીએ. કથા એ શાંતિ સ્થાપિત કરે છે અને કોઈપણ કથાઓની સાથે પાંચ કથાઓ જોડાયેલી હોય છે. જેમાં પૌરાણિક કથા, લોકકથા,સંશોધનકથા તથા અનુભવ કથા અને સાધુ કથા છે. નાગેશ્ર્વર ભગવાનની પૂજા એ કૃષ્ણએ કરી હતી. સૌંદર્યને શોધવા નીકળીએ પરંતુ ભીતરનું સૌંદર્ય જ્યારે શોધી શકીએ ત્યારે તે સૌંદર્યને જ્યોતિર્લિંગ પ્રકાશિત કરે છે. રાગ દ્વેષ મુક્ત હોય તે મહાન વ્યક્તિ જ્યોતિથી પ્રકાશિત હોય છે.

બાપુએ કથાના ક્રમને આગળ વધારતા  આજે રામ સહિત ચારે ભાઈઓના નામકરણ સંસ્કારની કથા અને પછી તેમના ગુણની કથા કહી સંભળાવી હતી. યજ્ઞોપવિત સંસ્કાર અને વશિષ્ઠ પાસે વિદ્યા સંસ્કારની પણ કથા, પછી સંક્ષિપ્તમાં તાડકાનું નિર્માણ,વિશ્વામિત્રનો પરિશ્રમ કેવી રીતે સફળ થયો. સીતા સ્વયંવર, અહલ્યાનો ઉદ્ધાર અને છેલ્લે રામરાજ્યભિષેક શરૂ કરીને લવકુશ જન્મની કથાના ગાન સાથે આજની કથા વિરામ પામી હતી.

કથા પંડાલમાં મોરારીબાપુનો કોઈએ જયઘોષ કર્યો ત્યારે બાપુએ તેમને જણાવ્યું કે મને એ રુચિકર નથી લાગતું પરંતુ તેમ છતાં જ્યારે કોઈ એવો નારો લગાવે ત્યારે તે પોતાનો જય બોલાવે છે તેમ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.