Abtak Media Google News

ઉનાળાની સીઝનમાં પાણીજન્ય રોગચાળા ન વકરે તે માટે કોર્પોરેશન દ્વારા કરાતી સુપર કલોરીનેશનની પ્રક્રિયાને કોંગી કોર્પોરેટરોએ ફીણવાળુ દુષિત પાણી ગણાવી તંત્ર સામે આક્ષેપ કર્યા: ફીણવાળા પાણીથી લોકોને ખોટી ચિંતા ન કરવા કોર્પોરેશનની અપિલ

શહેરનાં વોર્ડ નં.૧૨માં પુનિતનગર અને ચંદ્રેશનગર ઈએસઆર-જીએસઆર ખાતે આજે કોંગ્રેસનાં કોર્પોરેટરોએ રૂબરૂ ચેકિંગ કરી મહાપાલિકા સામે એવો આક્ષેપ કર્યો હતો કે, તંત્ર દ્વારા દુષિત અને પીવાલાયક ન હોય તેવા પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

દરમિયાન સેન્ટ્રલ ઝોન કચેરીનાં સિટી એન્જીનીયર અને વોટર વર્કસ શાખાનાં ઈન્ચાર્જ કામલીયાએ આ ફીણવાળું પાણી મિડીયાની હાજરીમાં પીને કોંગ્રેસનાં આ દાવાને ફગાવી દીધો હતો. હાલ ઉનાળાની સીઝનમાં પાણીજન્ય રોગચાળાને વકરતો અટકાવવા માટે સુપર કલોરીનેશન કરવામાં આવતું હોવાનાં કારણે પાણીમાં ફીણ વળે છે. આવામાં શહેરીજનોને ફીણવાળા પાણીથી ચિંતા ન કરવા પણ મહાપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે.Img 20190518 Wa0047

આજે સવારે વોર્ડ નં.૧૩નાં કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર, વોર્ડ નં.૧૨નાં કોર્પોરેટર સંજય અજુડીયા સહિતનાં કોંગી આગેવાનોએ મિડીયા કર્મીઓને સાથે રાખી પુનિતનગર અને ચંદ્રેશનગરમાં આવેલા ઈએસઆર-જીએસઆરમાં ચેકિંગ હાથ ધર્યું હતું જયાં ફિલ્ટર થતું પાણી ફીણવાળું હોવાનું માલુમ પડતા કોર્પોરેશન સામે એવો આક્ષેપ કર્યો હતો કે, મહાપાલિકા દ્વારા વોર્ડ નં.૧૨ અને વોર્ડ નં.૧૩નાં અનેક વિસ્તારોમાં દુષિત અને પીવાલાયક ન હોય તેવા પાણીનું વિતરણ કરવામાં આવે છે.

રાજકોટ મહાનગરપાલિકાના પુનિતનગર પાણીના ટાંકા ખાતે ફીણવાળું પાણી હોવાની જે રજુઆત થઈ છે અને જે અહેવાલ બહાર આવી રહ્યા છે તે વિશે વોટર વર્કસ શાખાના અધિકારી સિટી એન્જીનીયર મહેન્દ્રસિંહ કામલીયાએ સ્પષ્ટ કર્યું છે કે, પાણી સંપૂર્ણપણે પીવાલાયક અને શુદ્ધ છે. તેમાં કોઈ પ્રોબ્લેમ નથી. અધિકારીઓએ મીડિયા અને ઉપસ્થિત લોકોની હાજરીમાં આ સંપનું પાણી પીને પણ બતાવ્યું હતું અને કહ્યું હતું કે, આ પાણી શુદ્ધ અને પીવાલાયક છે. ફિલ્ટર પ્લાન્ટમાં બે વખત કલોરીનેશન થયા બાદ પુનિતનગર પહોંચતા પાણીનું હાલ ઉનાળામાં રોગચાળો ન પ્રસરે એ માટે ફરી બે વખત સંપ ખાતે કલોરીનેશન કરવામાં આવે છે, જેને સુપર કલોરીનેશન કહે છે.

બીજું ખૂબ લાંબા અંતરેથી પાણી સંપમાં આવે છે અને ટાંકામાં પાણી પછડાવાને કારણે તેમજ સુપર કલોરીનેશનને કારણે થોડા ફીણ થતા જ હોય છે. આવું દરેક સંપ ખાતે બનતું જ હોય છે. પાણીના સેમ્પલ લેબમાં ચકાસવા પણ આવ્યા છે. પાણી સંપૂર્ણ રીતે પીવાલાયક અને શુદ્ધ છે. જાહેર જનતા કોઈ પ્રકારની ચિંતા ના કરે. પુનિતનગર સંપ ખાતે છેક આજી અને રૈયાધાર ફિલ્ટર પ્લાન્ટ ખાતેથી પાણી આવે છે. જનતાના સ્વાસ્થ્યની ચિંતા કરી મહાનગરપાલિકા હાલ ઉનાળામાં પાણીનું સુપર કલોરીનેશન કરે છે તેથી જ ફીણ વળે છે. અન્ય કોઈ પ્રોબ્લેમ છે નહીં તેમ પણ વોટર વર્કસ શાખાએ કહ્યું છે.

પીવા લાયક જ પાણી અપાઈ છે, કોંગ્રેસનાં આક્ષેપો પાયા વિહોણા: મેયર

Binaben

પુનિતનગર ઈએસઆર-જીએસઆરમાં આજી તથા રૈયાધારથી ફિલ્ટર કરી પાણી પહોંચાડવામાં આવે છે. આ પાણી વોર્ડ નં.૮, વોર્ડ નં.૧૦,૧૧,૧૨ અને વોર્ડ નં.૧૩ પાર્ટમાં આપવામાં આવે છે. પુનિતનગર ઈએસઆર-જીએસઆરમાં આવતું પાણી પીવા લાયક નથી, તેવી કોંગ્રેસ દ્વારા રજુઆત કરવામાં આવેલ છે. ખરેખર જે પાણી વિતરણ કરવામાં આવે છે તે પીવાલાયક છે અને પાણીની ચકાસણી કરીને પાણી આપવામાં આવે છે. પુનિતનગર હેઠળ આવતા વિસ્તારોમાંથી પીવાલાયક પાણી નથી એવી કોઈ મેજર ફરિયાદ તંત્ર પાસે આવેલ નથી. કયારેય કોઈ વિસ્તારમાં ડ્રેનેજનું પાણી ભળવાની ફરિયાદ આવતી હોઈ છે, ત્યારે તંત્ર દ્વારા તે શોધી ફરિયાદનો નિકાલ કરવામાં આવે છે. વિશેષમાં ફિલ્ટર થયેલું પાણીમાં પણ કલોરીનેશન કરવામાં આવે છે અને આ પાણી ઈએસઆર/જીએસઆરમાં ભરવા માટે પાઈપ મારફત પાણી આવતું હોય છે જેના કારણે પાણીમાં ફીણ વળતા હોય છે. આ ઉપરાંત ઈએસઆર/જીએસઆરમાં પાણીના સ્ટોરેજ થયા બાદ ફરીને નિયમ મુજબ કલોરીનેશન કરવામાં આવે છે. જેથી વિતરણ થયેલું પાણીમાં કોઈ વાસ, ગંદુ કે કોઈ પણ પ્રકારનું ખરાબ પાણી નથી. જેથી કોંગ્રેસનાં કોર્પોરેટરએ પુરતી વિગત જાણી અને નિવેદનો કરવા જોઈએ તેમ મેયર બીનાબેન આચાર્યએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.