Abtak Media Google News

ભાજપાનો ભવ્ય વિજય એ સમગ્ર ગુજરાતની જનતાના ભાજપા તરફી જનમતનું પ્રતિબિંબ છે: વાઘાણી

ગુજરાતમાં ૧૯૯૫ થી સતત વિધાનસભા, મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા/જીલ્લા પંચાયતની ચૂંટણીઓ-પેટાચૂંટણીઓ કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળની લોકસભાની ચૂંટણીઓમાં જે પ્રકારે અવિરતપણે ભાજપાનો ઐતિહાસિક વિજય થયો છે અને આજે જે પ્રકારે દેશભરમાં ભાજપા સર્વસ્વીકૃત પાર્ટી બની છે. તે દર્શાવે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહના કુશળ નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારની જનકલ્યાણકારી યોજનાઓ, રાષ્ટ્રપ્રથમની ભાવના તેમજ સૌના સાથ સૌના વિકાસ તથા સૌના વિશ્વાસના મંત્રથી ભારતીય જનતા પાર્ટી જનતાના હૃદય સુધી પહોંચવામાં સફળ નીવડી છે તેમ પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું.

મહાનગરપાલિકા, જીલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતની સામાન્ય/પેટા ચૂંટણીઓના પરિણામોમાં ભાજપાના થયેલા ભવ્ય વિજય બદલ ભાજપાના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ ગુજરાતની જનતાનો હદયપૂર્વક આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતુ કે,આ પરિણામો દ્વારા ફરી એકવાર ગુજરાતની જનતાએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વ પર અતૂટ વિશ્વાસની સાથે ભાજપાની સુશાસન અને વિકાસલક્ષી કલ્યાણકારી નીતિઓ પર મંજુરીની મહોર મારી છે.

વાઘાણીએ કોંગ્રેસને ઝાટકતાં જણાવ્યું હતુ કે, સમગ્ર દેશ અને ગુજરાતમાં વિપક્ષ તરીકે પણ નિષ્ફળ ગયેલી કોંગ્રેસ અનેક પ્રકારના જુઠ્ઠાણાઓ અને અપપ્રચાર દ્વારા જ્ઞાતિ-જાતિ વચ્ચે વૈમનસ્ય ઉભું કરાવી ગુજરાતની વિકાસયાત્રામાં રોડા નાખવાના હીન પ્રયાસો કરતી આવી છે. છે. છેલ્લા ઘણા વર્ષોથી સત્તા વગર તરફડીયા મારતી કોંગ્રેસ પ્રત્યેક ચૂંટણીઓમાં જનતાને અવારનવાર ગેરમાર્ગે દોરતી આવી છે આજે કોંગ્રેસમાં જુથબંધી અને આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચી ગયો છે. કોંગ્રેસના નેતાઓએ પણ સ્વીકાર્યું છે કે જૂથબંધી છે. કોંગ્રેસના નેતાઓને જનતાની નહિ પણ માત્ર પોતાના જૂથની ચિંતા છે. હવે કોંગ્રેસનો હવે સાર્વત્રિક રકાસ થઇ રહ્યો છે, કોંગ્રેસ હવે તેના કુકર્મોથી જ તેનું અસ્તિત્વ ગુમાવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.