Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકામાં વિરોધપક્ષના નેતા તરીકે કોંગ્રેસ દ્વારા વોર્ડ નંબર 15ના મહિલા નગરસેવિકા ભાનુબેન પ્રવીણભાઈ સોરાણીની નિમણૂક કરવામાં આવી છે. ગઈકાલે સાંજે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા દ્વારા આ અંગે વિધિવત જાહેરાત કરવામાં આવી હતી. મહાપાલિકામાં ગત 12મી માર્ચના રોજ નવી બોડી અસ્તિત્વમાં આવી છે.

બોર્ડ અસ્તિત્વમાં આવ્યાના અઢી મહિનાના લાંબા અંતરાલ બાદ કોંગ્રેસ દ્વારા વિરોધપક્ષના નેતાની નિમણૂક કરવામાં આવી છે.અત્રે ઉલ્લેખનીય છે કે મહાપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ શહેરના 18 વોર્ડની 72 બેઠકો માંથી માત્ર ચાર બેઠક જીતી હતી.ચાર નગરસેવકોમાંથી પણ કોંગ્રેસને વિરોધપક્ષના નેતા નક્કી કરવામાં અઢી મહિના જેવો સમય વિતી ગયો છે. જેના કારણે આજ સુધી મહાપાલિકામાં વિરોધપક્ષના કાર્યાલયે હજી તાળા લટકી રહ્યા છે.

અગાઉ એવું માનવામાં આવતું હતું કે વશરામભાઈ સાગઠીયા સૌથી વધુ સિનિયર હોવાના કારણે તેઓને ફરી એક વખત વિરોધપક્ષના નેતાની જવાબદારી સોંપવામાં આવશે.પરંતુ હાઈ કમાન્ડ દ્વારા એક મહિલા પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે.વોર્ડ નંબર 15માંથી સતત બીજી વખત કોંગ્રેસના પ્રતીક પરથી  ચૂંટણી જીતનાર ભાનુબેન સોરાણીની વિરોધપક્ષના નેતા તરીકે નિમણૂક કરવામાં આવી છે.

તેઓ એકાદ-બે દિવસોમાં વિધિવત રીતે ચાર્જ સંભાળી લેશે.માન્ય વિરોધપક્ષ બની શકે તેટલી બેઠક પણ કોંગ્રેસ પાસે નથી. નિયમાનુસાર કોંગ્રેસ પાસે 8 સભ્યોનું સંખ્યા બળ હોવું જરૂરી છે. હાલ કોંગ્રેસના માત્ર ચાર જ કોર્પોરેટર છે. છતાં શાસકપક્ષ ભાજપે મોટું મન રાખી કોંગ્રેસને વિરોધ પક્ષ તરીકે મળતી તમામ સુવિધા આપવાનો નિર્ણય કર્યો છે  વિરોધ પક્ષને કાર્યાલય અને નેતાને ગાડીની પણ ફાળવણી કરવામાં આવશે.છેલ્લા પાંચ વર્ષ દરમિયાન વશરામભાઈ એક લડાયક વિપક્ષી નેતાની ભૂમિકા અદા કરી છે. હવે તેઓની આ પરંપરા તેમના સાથી કોર્પોરેટર ભાનુબેન સોરાણી કેવી રીતે આગળ વધારી શકે છે તે જોવાનું રહ્યું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.