Abtak Media Google News

રાજકોટના ગ્રામ દેવતા એવા રામનાથ મહાદેવ મંદિરની જગ્યાએ પારાવાર અસુવિધાઓ છે. હિન્દુત્વના નામે મત માંગનારાઓ ખોવાઈ ગયા હોય મંદિરની દશા દિન-પ્રતિદિન કથળી રહી છે. જો 15 દિવસમાં રિપેરીંગનું કામ પૂર્ણ નહીં થાય તો જોયા જેવી થશે તેવા અલ્ટીમેટમ સાથે કોંગ્રેસ દ્વારા મ્યુનિ.કમિશનર અમિત અરોરાને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદી, રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા ભાનુબેન સોરાણી, પૂર્વ વિરોધપક્ષના નેતા પ્રવીણભાઈ સોરાણી, સેવાદળ પ્રમુખ રણજીતભાઈ મુંધવાએ આજે મ્યુનીસીપલ કમિશ્રરને રૂબરૂ રજૂઆત માં જણાવ્યું છે કે, ગ્રામ દેવતા સ્વયંભુ રામનાથ મહાદેવજીના મંદિર ના પટરાંગણમાં અનેક સુવિધાઓ તાત્કાલિક ધોરણે કરવી જરૂરી છે કારણ કે,

પુલ ઉપરની જે ગ્રીલ છે તે હાલમાં વરસાદમાં ધોવાઈ ગયેલ છે અને હાલમાં એકપણ ગ્રીલ નથી જેથી જાનહાની થવાની સંભાવના હોય જેથી સત્વરે કામ કરાવવું જોઈએ.

રિટનીંગવોલ ધવ્સ્થ થઇ ગયેલ છે તે વોલ સુરક્ષારૂપી કામ કરતી હતી પરંતુ હાલમાં આ વોલ બનાવવા કામગીરી કરાવવી. પાર્કિંગની સ્થિતિ હાલમાં ભયંકર ખરાબ હોય તેમજ વરસાદમાં પ્લીન્થ સહિતનું ધોવાઈ ગયું છે અને પડી ગઈ છે ત્યારે પાર્કિંગમાં નવું બાંધકામ કરાવવું.

પ્રવેશ દ્વારથી લઇ નિજ મંદિર સુધી પેવીંગ બ્લોક ફીટ કરાવવાની ખાસ જરૂરિયાત છે જેથી તાત્કાલિક પેવીંગ બ્લોક ફીટ કરાવવા. ચોમાસા દરમ્યાન પાણીમાં તણાઈને જે રબીસ અને કચરો આવેલ છે ત્યાં જે.સી.બીથી સફાઈ કામ કરાવવા કામગીરી કરાવવી જોઈએ.

રામનાથ મહાદેવજીના મંદિરે અસંખ્ય દર્શનાર્થી આવતા હોય તેની સલામતી અને સુરક્ષાને ધ્યાને લઇ પગલા લેવડાવશો તેમજ 15 દિવસમાં કામગીરી  ચીમકી આપેલ છે અને ચુંટણી સમયે હિન્દુત્વના નામે મત માંગનારાઓ આજે મંદિરની સ્થિતિ કથળી છે તેમજ મંદિરની અને દર્શનાર્થીઓની સુરક્ષા અને સલામતી બાબતે ક્યાં ખોવાઈ ગયા તેવું વિપક્ષીનેતા ભાનુબેન સોરાણીએ પ્રશ્ન પૂછ્યો છે. આ રજૂઆતમાં ભાવેશભાઈ પટેલ, રમેશભાઈ તાલાટિયા, ગીરીશભાઈ ઘરસંડિયા, વિક્રમભાઈ ડાંગર, ચંદ્રેશભાઈ રાઠોડ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.