Abtak Media Google News

કોંગ્રેસ અગ્રણી મહેશ ચૌહાણ લાવ્યા હતા પ્રદિપ ડવને રાજનીતિમાં: આંતરીક ખેંચતાણ અને ભયંકર જુથવાદથી તોબા પોકારી ડવે 2011માં પંજાનો સાથ છોડી કેસરીયો ધારણ કર્યો હતો

પાયાના અને મહેનતુ કાર્યકરોની કદર ન કરવાની પ્રણાલી કોંગ્રેસને ભારે પડી રહી છે. પક્ષ માટે સતત રાત દિવસ કાળી મજૂરી કરનાર કાર્યકરોની સતત અવગણના પરંપરાના કારણે આજે દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસ દેશભરમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા રીતસર ઝઝૂમી રહી છે. રાજકોટમાં કોંંગ્રેસની હાલત જાણે કોમામાં ગરકાવ થઈ ગઈ હોય તેવી થવા પામી છે. આજે ભાજપ દ્વારા રાજકોટના 21માં મેયર તરીકે યુવા નેતા પ્રદિપભાઈ ડવની વરણી કરવામાં આવી છે. વાસ્તવમાં તેઓ મુળ કોંગ્રેસી છે પરંતુ કોંગ્રેસે તેઓને રાતા પાણીએ રોવડાવતા 10 વર્ષ પૂર્વે તેમણે પંજાનો સાથ છોડી કેસરીયો ધારણ કર્યો હતો.

જેને કોંગ્રેસે રાતા પાણીએ રોવડાવ્યા હતા તેને ભાજપે આજે ખડખડાટ હસાવ્યા હોય તેવું લાગી રહ્યું છે. યુનિવર્સિટીના રાજકારણમાં ટોચનું નામ ધરાવતા કોંગ્રેસ અગ્રણી મહેશભાઈ ચૌહાણ પ્રદિપભાઈ ડવને રાજનીતિમાં લાવ્યા હતા.

પક્ષને કંઈક આપવાની ભાવના સાથે રાત દિવસ મહેનત કરી રહેલા ડવને કોંગ્રેસે માત્ર એનએસયુઆઈના શહેર પ્રમુખનું પદ પકડાવી દીધું હતું. પાયાના કાર્યકરોને પુરતુ માન સન્માન ન આપવું અને પૂરી રીતે ઓળખી ન શકવાના કારણે કોંગ્રેસ પોતાનું અસ્તિત્વ ગુમાવી રહી છે. પક્ષમાં આંતરીક ખેંચાણ અને ભયંકર જૂથબંધીથી તોબા પોકારી આજથી 10 વર્ષ પૂર્વે એટલે કે 2011માં પ્રદિપ ડવે કોંગ્રેસને ટાટા-બાય-બાય કરી દીધા હતા અને ભાજપનો કેસરીયો ધારણ કરી લીધો હતો.

કોંગ્રેસની માફક પ્રદિપ ડવે ભાજપમાં પક્ષ પ્રત્યેની નિષ્ઠા જાળવી રાખી હતી. પક્ષને સતત મજબૂત કરવાના તેઓના બુલંદ ઈરાદાને પારખી ભાજપે તેઓને પ્રદેશ યુવા મોરચાના કારોબારી સભ્ય તરીકે નિમણૂંક કરી હતી. સંગઠન શક્તિ પારખી તેઓને સતત બે ટર્મ સુધી રાજકોટ શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ પદેની જવાબદારી સોંપવામાં આવી હતી. ત્યારબાદ તાજેતામાં જ તેઓની નિમણૂક શહેર ભાજપ ઉપપ્રમુખ તરીકે વરણી કરાઈ હતી. જો કે તેઓને મહાપાલિકાની ચૂંટણી માટે ટિકિટ આપવામાં આવતા તેઓએ સંગઠનમાં રાજીનામુ આપી દીધુ હતું. વર્ષો સુધી પક્ષમાં રહેવા છતાં જે કોંગ્રેસ પ્રદિપ ડવની આવડતને પારખી શકી ન હતી તે ડવને એક જ દશકામાં ભાજપે હિરો બનાવી દીધા છે. ટૂંકમાં કોંગ્રેસે જેને રાતા પાણીએ રોવડાવી પક્ષ મુકવાની ફરજ પાડી તે પ્રદિપ ડવને આજે રાજકોટના પ્રથમ નાગરિક બનાવી ભાજપને ખડખડાટ હસાવી દીધા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.