Abtak Media Google News

રાજ્યમાં વસતી જુદા જુદા ૧૪૬ પછાત સમાજોના પ્રશ્નોને વાચા આપવા તાકીદ

ગુજરાત કોંગ્રેસ આગામી દિવસોમાં રાજ્યભરમાં પછાત સમાજની જુદી જુદી ૧૪૬ જ્ઞાતિઓ સાથે સીધો સંપર્ક કરવા માટે ખાટલા પરિષદ યોજશે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસે ચૂંટણી જીતવા માટે વિવિધ સમાજો તરફ નજર દોડાવી છે અને વિવિધ વર્ગોને આકર્ષવા માટેની આ રણનીતિ અપનાવી છે.

કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા મુજબ પ્રભારી અશોક ગેહલોતની હાજરીમાં ઓબીસી સેલની બેઠકમાં આગામી ચૂંટણીમાં પછાત સમાજને કોંગ્રેસ તરફ વાળવા માટે તાકીદ કરવામાં આવી હતી. રાજ્યભરમાંથી આવેલાં ઓબીસી સમાજના આગેવાનો સમક્ષ ૨૦૧૭ વિધાનસભાની ચૂંટણી જીતવા માટે શું કરવું જોઈએ અને કોંગ્રેસની કમિટેડ વોટબેંક ગણાતા ઓબીસી સમાજના મત અંકે કરવા માટેના કાર્યક્રમો, ઓબીસી સમાજને સ્પર્શતા રોજગારી, શિક્ષણ સહિતના પ્રશ્નો વગેરેને ઉઠાવવા માટે આહવાન કરવામાં આવ્યું હતું.

સૂત્રોએ જણાવ્યું કે, રાજ્યમાં પછાત સમાજની વિવિધ ૧૪૬ જ્ઞાતિઓ છે. દરેક સમાજના પોતાના પ્રશ્નો-સમસ્યા છે. ગ્રામીણ વિસ્તારોમાં વસતા મોટાભાગના સમાજોમાં મુખ્યત્વે શિક્ષણ અને રોજગારીનો વિકટ પ્રશ્ન છે ત્યારે કોંગ્રેસના તમામ ધારાસભ્યો અને પદાધિકારીઓને પોતપોતાના સમાજ સાથે ખાટલા પરિષદ યોજીને સીધો સંપર્ક સ્થાપવા તાકીદ કરવામાં આવી છે.

કોંગ્રેસના પ્રદેશથી માંડીને રાષ્ટ્રીય સ્તરના નેતાઓ ભાજપથી વિમુખ થયેલાં પાટીદાર સમાજને સાથે રાખવાની સાથોસાથ કોંગ્રેસની મૂળભૂત મતબેંક પણ તૂટે નહીં તે રીતે સમાજના તમામ વર્ગોને સાથે રાખીને આગળ વધવાની નીતિ અપનાવી છે. સૂત્રોએ જણાવ્યું કે, ગ્રામીણ વિસ્તારોમાં કોંગ્રેસને ખાસ્સું સમર્થન મળી રહ્યું છે પરંતુ શહેરી વિસ્તારોમાં મતદારોને આકર્ષવા માટે હજુ ઘણું કરવાનું બાકી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.