Abtak Media Google News

વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે આગળ કરેલી અલ્પેશ, જીજ્ઞેશ અને હાર્દિકની યુવા ત્રિપુટી તેની મહત્વાકાંક્ષા માટે કોંગ્રેસને જ નુકશાન પહોચાડવા સજજ થઈ છે

ગુજરાતીમાં એક કહેવત છે કે ‘અધુરો ઘડો છલકાય વધુ’ આ કહેવત ગુજરાત કોંગ્રેસને ઉભો કરવા નીકળેલી અલ્પેશ, હાર્દિક અને જીજ્ઞેશની ત્રિપુટી પર યર્થાથ ઠરી રહી છે. રાજકારણમાં અતિમહત્વકાંક્ષા અને બલીસતાને વધારે પ્રાધાન્ય આપવાની હંમેશા નામોશી થાય છે. તે પણ નર્યું સત્ય છે. ગુજરાત વિધાનસભાન ચૂંટણી પહેલા રાહુલ ગાંધીએ અતિ મહત્વાકાંક્ષી અલ્પેશ, હાર્દિક અને જીજ્ઞેશની યુવા ત્રિપુટીને કોંગ્રેસના તારણહાર માનીને રાતોરાત રાજકારણના ચમકતા સિતારા બનાવી દીધા હતા. પરંતુ આ અતિ મહત્વાકાંક્ષી યુવા ત્રિપુટી ગુજરાત કોંગ્રેસ માટે તારણહારના બદલે ડુબાડનાર સાબિત થઈ રહ્યા છે

ગુજરાતમાં છેલ્લા બે દાયકાથી કોંગ્રેસ સત્તાથી વિમુખ છે. જેથી રાજયભરમાં દિવસે દિવસે કોંગ્રેસ પક્ષ તુટી રહ્યો છે. ગત વર્ષે યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ માટે સારી તકો જોવા મળી હતી. જેથી ગુજરાતમાં કોંગ્રેસને ઉગારવા રાહુલ ગાંધીએ, રાજયમાં વિવિધ પ્રશ્ર્નોએ ભાજપ સરકાર સરકાર સામે લડત ચલાવી રહેલા અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ અને જીજ્ઞેશ મેવાણીને આગળ કર્યા હતા. અલ્પેશ ઠાકોરને ચૂંટણી પહેલા રાહુલે તેને કોંગ્રેસમાં વિધિવત રીતે પોતાના હાથે પ્રવેશ કરાવ્યો હતો. જે બાદ તેને રાધનપૂર બેઠક પર ટીકીટ પણ આપી હતી. અતી મહત્વાકાંક્ષી અલ્પેશે પોતાની ઠાકોર સેનાના નામે પોતાના સાથીદારો માટે કોંગ્રેસ પાસે અનેક ટીકીટો મેળવી હતી. જેમાની પાંચ બેઠકો પર તેના ઉમેદવારોએ વિજય મેળવ્યો હતો.

જે બાદ, અલ્પેશની મહત્વાકાંક્ષા સતત વધતી ગઈ હતી. અને પોતાને રાષ્ટ્રીય કક્ષાના નેતા માનવા લાગ્યો હતો. કોંગ્રેસે પણ તેને રાષ્ટ્રીય મંત્રી બનાવીને બિહારનાં પ્રભારી તરીકેનાં હોદાથી નવાજર્યા હતા જેથી અલ્પેશની મહત્વાકાંક્ષા તેના અભિમાનમાં ફેરવાઈ ગઈ હતી. અને નાની નાની વાતોમાં પોતાની અવગણનાને અપમાન માની પાર્ટીના વરિષ્ટ નેતાઓ સાથે બેફામ વર્તન કરવા લાગ્યો હતો. અલ્પેશની આવી દાદાગીરીથી પ્રદેશ કોંગ્રેસના વરિષ્ટ નેતાઓ પણ ત્રાહીમામ પોકારી ગા હતા. તાજેતરમાં લોકસભાની ચૂંટણીમાં ટીકીટ ફાળવણી વખતે પાતેની અને પોતાની ઠાકોર સેનાના આગેવાનોની ટીકીટ માટે દાદાગીરી પર ઉતરી આવ્યો હતો. પરંતુ લોકસભાની ચૂંટણીમાં અસર ન થાય તે માટે તેને દિલ્હી હાઈકમાન્ડે તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.

પરંતુ, ગઈકાલે ફરીથી ઠાકેરસેનાની અવગણના અને અપમાનના મુદે અલ્પેશે કોંગ્રેસ સામે ધોકો પછાડીને સેનાના આદેશના બહાના હેઠળ પાર્ટીના તમામ પદોથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી પરંતુ ભાજપ તેને આવકારવા તૈયાર ન હોય કોંગ્રેસમાં પોતાનું બ્લેકમેઈલીંગ ચાલુ રાખવા ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યું ન હતુ પ્રદેશ કોંગ્રેસના વરિષ્ટ નેતાઓ પણ અલ્પેશની આવી અતિ મહત્વાકાંક્ષાથી ત્રાહિમામ પોકારી ગયા હોય અલ્પેશ પાર્ટી છોડવાની જાહેરાતને એક રાજકીય સ્ટંટ તરીકે જોઈ રહ્યા છે. અને કોંગ્રેસના નેતાઓ તેની મહત્વાકાંક્ષા સંતોષશે તો ફરીથી કોંગ્રેસમા કાર્યરત થઈ જશે તેવુંમાની રહ્યા છે. જેથી તેઓ અલ્પેશની આ જાહેરાતને અતિ ગંભીરતાથી નથી લઈ રહ્યા.

અલ્પેશની ત્રિપુટીના અન્ય એક યુવા નેતા વડગામના અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી પણ કોંગ્રેસને કનડી રહ્યા છે. ચૂંટણી પહેલા દલિત અપમાનના મુદે રાજકારણમાં રાતોરાત ચમકી ઉઠેલા જીજ્ઞેશ મેવાણી પણ અતિ મહત્વકાંક્ષ છે તેઓ કોંગ્રેસના સંપૂર્ણ ટેકાથી વડગામમાંથી અપક્ષ ચૂંટાયા હોવા છતાં કોંગ્રેસની રાજકીય આભડછેટ રાખી રહ્યા છે. હાલ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને દલિતોની વોટબેંક ફરીથી મજબુત બને તે માટે જીજ્ઞેશના સ્વતંત્ર પ્રચારની કોંગ્રેસને તાતી જરૂરિયાત છે. ત્યારે જીજ્ઞેશતેના મિત્ર અને દેશદ્રોહના કેસમાં ફસાયેલા કનૈયાકુમારના પ્રચાર માટે બિહારમાં ડેરાતંબુ નાખીને બેઠા છે. જેથી, કોંગ્રેસ માટે આ ચૂંટણીમાં યુવા ત્રિપુટીમાનુંબીજુ હથીયાર પણ બુઠ્ઠુ પૂરવાર થઈ રહ્યું છે.

તેવી હાલત પાટીદાર અનામત આંદોલન દ્વારા પાટીદાર યુવા ચહેરા તરીકે ઉપસી આવેલા હાર્દિક પટેલની છે. આંદોલન વખતે કદી પણ કોઈપણ રાજકીય પાર્ટીમાં નહી જોડાવવાનું વચન આપનારા હાર્દિકપટેલને લોકસભાની ચૂંટણી લડવાનો ચસ્કો લાગ્યો હતો જેથી, અતિ મહત્વકાંક્ષી મનાતા હાર્દિક તાજેતરમાં રાહુલ ગાંધીના હસ્તે વિધિવત રીતે કોંગ્રેસમાં ભળી ગયા હતા. કોંગ્રેસમાં ભળ્યા બાદ તેને જામનગર બેઠક પર લડવાનો નિશ્ર્ચિત કર્યો હતો. પરંતુ તેને રાજદ્રોહના કેસમાં મળેલી સજા તેમાં અવરોધ રૂપ હોય તેનાથી મકિત મેળવવા માટે સુપ્રિમ કોર્ટ સુધીના ન્યાયતંત્રના દ્વાર ખટખટાવ્યા હતા પરંતુ તેને કોઈ જ રાહત ન મળતા ‘હરીરસ ખાટો’ માનીને મનકમને ચૂંટણી નથી લડી રહ્યા પોતાને ટીકીટ ન મળતા હાર્દિક પણ ચૂંટણી પ્રચાર કાર્યમાં નિષ્ક્રીય થઈ ગયા હોય કોંગ્રેસને તેનો પણ ફટકો પડી રહ્યો છે. આમ, કોંગ્રેસ માટે વિધાનસભા ચૂંટણી પહેલા અસરકારક પૂરવાર થયેલી આ મહત્વાકાંક્ષી યુવા ત્રિપુટી હવે કોંગ્રેસ માટે આ ચૂંટણીમાં તારણહારના બદલે ડુબાડનાર સાબીત થઈ રહી છે. તેવી સ્થિતિ રાજકોટનાં પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજયગૂરૂએ કોંગ્રેસ માટે ઉભી કરી હતી અતિ મહત્વાકાંક્ષી ઈન્દ્રનીલ રાજયગૂરૂ પણ પોતાને રાહુલ ગાંધી સાથે સીધા સંબંધોનાં નામે રાજકોટ અને સૌરાષ્ટ્ર કોંગ્રેસમા સર્વોપરી બનવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પાર્ટી માટે વર્ષો જુના નેતાઓ સાથે સંઘર્ષ થતા કોંગ્રેસનો સાથ છોડી દીધોહતો. આમ અતિ મહત્વાકાંક્ષા અને બાલીશતા રાજકારણ માટે નુકશાનકારક પૂરવાર થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.