શિયાળામાં કરો ગુણકારી ગોળનું સેવન સ્વાસ્થ્ય રહેશે ટનાટન

શિયાળાને આરોગ્ય બનાવવાની ઋતુ કહેવાય છે. આ સિઝનમાં ગોળનો વપરાશ વધુ થાય છે. એમ કહેવાય છે કે જે શિયાળાના ચાર મહિનામાં સ્વાસ્થ્યવર્ધક આહારનું સેવન કરીને પોતાના શરીરને સાચવી લે છે તેમને પછીના આઠ મહિના પાછું વળીને જોવું નથી.ગોળ ખાવાના ફાયદા ઘણા છે. બુદ્ધિવર્ધક અને શક્તિવર્ધક ગોળ ડાયાબિટીસના દર્દીઓ માટે બેસ્ટ છે. શિયાળો શરૂ થતાં જ દરેકના ઘરમાંથી વસાણાં નાખીને બનાવાતા અડદિયા પાક, ગોળપાપડી, ખજૂર પાક, વિવિધ પ્રકારની રાબ આ બધું બનવાની સુગંધ આવવા લાગે છે. આ બધામાં એક જે બહુ જરૂરી વસ્તુ છે એ છે ગોળ. શિયાળાની ઋતુમાં તથા આમ પણ સ્વાસ્થ્યને બળ પ્રદાન કરવામાં ગોળની ભૂમિકા ખૂબ મહત્ત્વની છે. તો ચાલો જાણીએ ગોળના ઔષધીય ગુણ.કોઈ પણ મીઠાઈ અથવા ઠંડીમાં ખવાતા પાક પચવામાં ભારે હોય છે, પણ જો એ ગોળ નાખીને બનાવવામાં આવે તો સહેલાઈથી પચી શકે છે; કારણ કે ગોળ પાચન માટે ઉત્તમ છે. તે બુદ્ધિવર્ધક અને શક્તિવર્ધક છે.

ડાયાબિટીસના દર્દીઓ માટે ગોળ ઉત્તમ

ડાયાબિટીસના દરદીઓને ગોળનું ગળપણ નુકસાન નથી કરતું એ પણ એક ગેરસમજણ જ છે. છેલ્લે તો એ ગળ્યો જ છે તેથી બ્લડ શુગર વધારે જ છે. હા, જો તમે ડાયાબિટીસ દરદી તરીકે ચામાં થોડી મીઠાશ લેવાની ઇચ્છા ધરાવતા હો તો સાકરની જગ્યાએ ગોળ ખાવાથી સ્વાસ્થ્યને ઓછી હાનિ પહોંચશે.

સાકરથી શ્રેષ્ઠ ગોળ

રસોડામાં ગળપણ માટે ખાંડ અને ગોળ આ બન્ને વપરાય છે. અલબત્ત, હવે હેલ્થ-કોન્શિયસ લોકો ખાંડનો ઉપયોગ ટાળીને એની જગ્યાએ ગોળ વાપરવાનો જ આગ્રહ રાખતા થઈ ગયા છે. આ બદલાવ ઘણો જ સારો છે એ આપણા વડીલો શીરામાં, ચિક્કીમાં અને અન્ય દરેક મીઠાઈમાં ગોળનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરતા હતા, એ સમયે ખાંડ નહીંવત વપરાતી. તેઓ નીરોગી હતા અને હિમોગ્લોબિનની કમી ભાગ્યે જ કોઈમાં જોવા મળતી.

ગોળના પ્રકાર

ગોળ તો બહુ સારો એવું માનતાં પહેલાં બજારમાં મળતા ગોળ અને એના પ્રકાર જાણી લેવા જરૂરી છે. બજારમાં બે પ્રકારના ગોળ ઉપલબ્ધ છે; શુદ્ધ દેખાતો આછા પીળા રંગનો ગોળ અને બીજો એકદમ ઘેરા ચોકલેટી રંગ જેવો ગોળ. બન્નેના સ્વાદમાં પણ તફાવત હોય છે. ઘેરા રંગનો પ્રાકૃતિક, ઑર્ગેનિક અથવા દેશી ગોળ તરીકે ઓળખાતો આ ગોળ થોડો મોળો અને ખારાશવાળો હોય છે જ્યારે પીળા ગોળમાં ગળપણ વધુ હોય છે, તેથી આ નોન-ઑર્ગેનિક છે.