Abtak Media Google News

કુલ ૨૦૨ FPO  મારફતે આશરે . ખેડૂતો એનસીડેક્સ એક્સચેન્જ પર રજીસ્ટર્ડ

ભારતના અગ્રણી કોમોડિટી એક્સચેન્જ, ધ નેશનલ કોમોડિટી એન્ડ ડેરિવેટિવ્સ એક્સચેન્જ લિમિટેડ (NCDEX)અને કૃષિ વ્યાપાર તેમજ રૂરલ મેનેજમેન્ટનાં અભ્યાસ માટેની પ્રસિદ્ધ સંસ્થા ઇન્સ્ટીટ્યુટ ઓફ રૂરલ મેનેજમેન્ટ આણંદ (IRMA) વચ્ચે કોમોડિટી ટ્રેડિંગની ટ્રેનિંગ તથા જાગૃતિ અંગે હાલમાં જ સમજૂતિ કરાર થયા છે.જે અંતર્ગત બન્ને સંસ્થાઓ ફાર્મર પ્રોડ્યુસ ઓર્ગેનાઇઝેશન (FPOs) અને એલાઇડ ઇન્સ્ટીટ્યુશનોમાં કોમોડિટી ટ્રેડિંગનું શિક્ષણ આપવાનું તથા જાગૃતિ લાવવાનું કામ કરશે.જેમાં કિસાન આગેવાનો માટે ખાસ ટ્રેનિંગ સત્રોના આયોજન કરવાની સાથે તેમને જરૂરી જાણકારી પુરી પાડીને ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવશે.જેના સંદર્ભમાં ગત સપ્તાહે એનસીડેક્સ તથા ઇરમાના ઉચ્ચસ્તરીય પ્રતિનીધિ મંડળ વચ્ચે બેઠક પણ યોજાઇ હતી જેમાં બન્ને પક્ષો સંયુક્ત રીતે કોમોડિટી માર્કેટ અંગે ટ્રેનિંગ અને સર્ટીફિકેશન પ્રોગ્રામ શરૂ કરે તે અંગે પણ ચર્ચા થઇ હતી.

આ સમજૂતિ પ્રમાણે ઇરમા વાયદા કારોબાર અને ડેરિવેટિવ્ઝ માર્કેટ અંગે જાગૃતિ લાવવાના પ્રયાસોમાં  ટ્રેનિંગ અને વિકાસની જરૂરીયાતો પુરી પાડવામાં મદદ કરશે. અત્રે બન્ને સંસ્થાઓ દ્વારા સંયુક્ત ટ્રેનિંગ પ્રોગ્રામ શરૂ કરવાની પણ વિચારણા ચાલુ છે. જેમાં કૃષિ પેદાશોનો વેપાર કરતા કારોબારીઓને ટ્રેનિંગ, સરકારી અધિકારીઓની કાર્યકુશળતામાં વૃધ્ધિ માટે ટ્રેનિંગ સત્રો યોજવામાં આવશે. આ ઉપરાંત ઇરમાનાં વિદ્યાર્થીઓ પણ કોમોડિટી કારોબારનુ શિક્ષણ મેળવી શકશે.

આ પ્રસંગે ઇરમાનાં ડાયરેક્ટર પ્રોફેસર હિતેષ ભટ્ટે જણાવ્યું હતું કે જેમ એક એફ.પી.ઓ (FPO) શરૂ કરવા માટે સંસ્થાકિય પ્રોત્સાહન જરૂરી છે તેવી જ રીતે તેના આગળ વિકાસ અને સ્પર્ધામાં ટકી શકે તે માટે તેને સહાયની જરૂર હોય છે. બન્ને સંસ્થાઓ વચ્ચેના આ કરારથી બન્ને પક્ષો સાથે મળીને ફળદાયી પરિણામો લાવી શકશે.

આ પ્રસંગે એનસીડેક્સનાં એમ.ડી અને સીઇઓ વિજય કુમારે જણાવ્યું હતું કે આ સમજૂતિ કરાર, ખેડૂતોને અને ખેડૂત સંસ્થાઓને એક્સચેન્જના પ્લેટફોર્મ પર લઇ આવવાની એનસીડેક્સની પ્રતિબધ્ધતા સાબિત કરે છે. આ પ્રયાસો હવે પરિણામલક્ષી સાબિત થઇ રહ્યા છે. આ સમજૂતિ કરાર હાલનાં માર્કેટ સાથે સંકળાયેલા લોકોને ઉચ્ચ ગુણવત્તાની ટ્રનિંગ તો આપશે જ, આ ઉપરાંત સમગ્ર ખેડૂત સમાજને તથા નવી પેઢીની ટેલેન્ટને પણ જોડાવાની તકો પુરી પાડશે. આ ક્ષેત્ર ભારતની કૃષિ પ્રણાલીમાં ક્રાંતિ લાવશે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.

દેશભરમાં વિવિધ કૃષિ સંસ્થાઓ સાથે શ્રેણીબધ્ધ ટ્રેનિંગ તથા કેપેસીટી બિલ્ડીંગ પ્રોગ્રામો કરીને એનસીડેક્સે ખેડૂતોને ફ્યુચર તથા ઓપ્શન જેવા નવિન હેજીંગ ટૂલ અંગેની માહિતી આપી છે અને તેમને એક્સચેન્જનાં સુનિયોજીત પ્લેટફોર્મ સાથે જોડવામાં મદદ કરી છે. છેલ્લા આંકડા પ્રમાણે એનસીડેક્સના પ્લેટફોર્મ પર આશરે ૬૭૮૦૦ ખેડૂતો કારોબાર કરી ચુક્યા છે. જેના માટે આશરે ૮૨ FPOકંપનીઓનો સહયોગ મળ્યો છે.

હાલમાં દેશનાં કુલ ૧૩ રાજ્યોનાં ફાર્મર ઓર્ગેનાઇઝેશનો(FPO) એનસીડેક્સ સાથે રજીસ્ટર્ડ થઇ ચુક્યા છે. દેશભરનાં કુલ ૨૦૨ ફાર્મર પ્રોડ્યુસ ઓર્ગેનાઇઝેશનો (FPO) અને કુલ આશરે ૨.૫૦ લાખ ખેડૂતો એક્સચેન્જ સાથે જોડાયા છે.આ પ્રયાસો ખેડૂતોને તેમની ઉપજનાં ભાવનું જોખમ પ્રબંધન કરવામાં અને ફ્યુચર્સ માર્કેટ દ્વારા હેજીંગ કેવી રીતે કરવું તે સમજાવવામાં ફાયદારૂપ નિવડ્યા છે.

હાલમાં જ્યારે ભારત સરકાર દેશનાં અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારો સુધી વિવિધ ફાયનાન્શ્યલ ટૂલની માહિતી પહોંચાડવાનાં અને સંપૂર્ણ ઇકોસિસ્ટમના લાભ દ્વારા અર્થતંત્રને વ્યવસ્થિત કરવાનાં ભગિરથ પ્રયાસ કરી રહી છે ત્યારે બન્ને સંસ્થાનોના સમજૂતિ કરાર કૃષિ ઉદ્યોગનાં વિકાસનો માર્ગ તૈયાર કરશે.

ભારતના અગ્રણી ઓનલાઈન એક્સચેન્જ, એનસીડેક્સ કે જ્યાં ગ્રાહકો ભરપૂર વિશ્વાસ ધરાવે છે. તે કૃષિ, મેટલ અને કિંમતી ધાતુમાં વિવિધ પ્રોડક્ટ રેન્જ ઓફર કરે છે. એનસીડેક્સ ઈલેક્ટ્રોનિક ટ્રેડિંગ પ્લેટફોર્મ પર ખરીદાર અને વેચાણકારને નજીક લાવે છે. વિશાળ શેરહોલ્ડિંગ ધરાવતું એક્સચેન્જ રાષ્ટ્રીય સ્તરની સંસ્થાઓ દ્વારા પ્રમોટ કરવામાં આવ્યું છે. સંસ્થાકીય પ્રમોટર અને એનસીડેક્સના શેરધારકો તેમના ક્ષેત્રમાં અગ્રીમ કોર્પોરેટ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.