Abtak Media Google News

રાજયમાં મંગળવારે કોવિડના નવા 72 કેસ નોંધાયા: એકિટવ કેસનો આંક 363એ આંબ્યો

ગુજરાતમાં કોરોનાના કેસમાં છેલ્લા એક સપ્તાહથી સતત વધી રહ્યા છે અમદાવાદ શહેરમાં જાણે કોરોનાની ચોથીલહેર શરૂ થઈ જવા પામી હોય તેમ 70 ટકાથી વધુ કેસ એકલા અમદાવાદમાં જ નોંધાય રહ્યા છે. આજથી એએમસી દ્વારા શહેરમાં બસ સ્ટેશન, રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર ફરી ટેસ્ટીંગ બૂથ શરૂ કરી દેવામાં આવ્યા છે. રાજયમાં સંક્રમણ વધતા લોકોમાં ડરનું લખલખું પ્રસરી જવા પામ્યું છે. આગામી દિવસોમાં ફરી કેટલાક કોવિડ નિયંત્રણો લાદવામાં આવે તેવી સંભાવના પણ નકારી શકાતી નથી.

દેશના અનેક રાજયમાં કોરોનાના કેસમાં સતત વધારો નોંધાય રહ્યો છે મહારાષ્ટ્રમાં માસ્ક પહેરવાનું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. દરમિયાન ગુજરાતમા છેલ્લા એક સપ્તાહથી કોરોનાના કેસમાં સતત વધારો નોંધાય રહ્યો છે. મંગળવારે દિવસ દરમિયાન રાજયમાં કોરોનાના નવા 72 કેસ નોંધાયા હતા જોકે છેલ્લા ઘણા દિવસથી કોવીડથી એકપણ દર્દીનું મોત નિપજયુ નથી તે સૌથી મોટી રાહતની બાબત છે.

મંગળવારે અમદાવાદમાં નવા 44 કેસ, વડોદરા અને સુરતમાં નવા 7-7 કેસ રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં 3 અને જિલ્લામાં એક કેસ, અરવલ્લી અને વલસાડ જિલ્લામાં બબ્બે કેસ,આણંદ, બનાસકાંઠા, ગાંધીનગર, ગીર સોમનાથ, મહેસાણા અને સાંબરકાંઠામાં નવા એક એક કેસ નોંધાયા છે. રાજયમાં હાલ કોરોનાના 363 એકિવકેસ છે જોકે વેન્ટીલેટર પર એક પણ દર્દી ન હોવાનું જાણવા મળી રહ્યું છે.

રાજયમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. 70 ટકાથી વધુ કેસ અમદાવાદમાં નોંધાય રહ્યા છે જેના કારણે આજથી અમદાવાદ કોર્પોરેશન દ્વારા બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન અને એરપોર્ટ સહિતના ટ્રાફીકથી ધમધમતા વિસ્તારોમાં કોવીડ ટેસ્ટીંગ બૂથ ફરી શરૂ કરી દેવામાંઆવ્યા છે. જે રીતે સતત સંક્રમણ વધી રહ્યું છે. તે જોતા એવું લાગી રહ્યું છે કે આગામી દિવસોમાં રાજયમાં કોવીડ નિયંત્રણો થોડા વધુ સખત કરવામા આવે તેવી પ્રબળ સંભાવના છે. અમદાવાદમાં રમાયેલી આઈપીએલની ફાઈનલ મેચમા સવા લાખની મેદની મેદાનમાં એકત્રીત થઈ હતી ત્યારબાદ શહેરમાં કોરોનાના કેસ વધ્યા છે. આગામી 17મી જૂને રાજકોટમાં પણ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટી.20 મેચ રમાવાની છે જેમાં 100 ટકા પ્રેક્ષકોની છૂટ હોય રાજકોટમાં પણ આગામી દિવસોમાં કેસ વધવાની શકયતા છે.ઉનાળુ વેકેશનમાં લોકો અન્ય રાજયમાં કે વિદેશમાં ફરવા ગયા હતા જે પાછા ફર્યા બાદ સંક્રમીત થયા છે. જેના કારણે કેસ વધ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.