Abtak Media Google News

હાલની કોરોના વાયરસની સ્થિતિમાં નાગરિકો જાણ્યે અજાણ્યે સંક્રમણના વાહક ન બને અને ખુદ પણ સંક્રમિત થતા બચે તેવા આશય સાથે મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલના આદેશ અનુસાર મહાપાલિકા દ્વારા આજે શહેરભરમાં ચા-પાનની તમામ દુકાનોએ ગ્રાહકોની ભીડ એકત્ર ના થાય તે સુનિશ્ચિત કરવા તમામ દુકાનોનુ ચેકિંગ કરવામાં આવ્યું હતું અને દુકાનદારોને આ બાબતે ખાસ કાળજી અને સતર્કતા દાખવવા ચેતવણી પણ આપવામાં આવી હતી. સાથોસાથ આજે ૨૫ દુકાનદારોને ત્યાંથી એસ્ટેટ બ્રાંચ દ્વારા ૨૪૫૦૦/નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.

Img 20200704 Wa0031

ગઈકાલે મ્યુનિ. કમિશનરે શહેરના તમામ નાગરિકો અને ચા-પાનના તમામ દુકાનદારો જોગ એક એવી સૂચના જાહેર કરી હતી કે, હજુ નાગરિકોમાં આ બાબતો અંગે પર્યાપ્ત જાગૃતિ દેખાતી નથી તે ચિંતાની વાત છે. નાગરિકો કોરોના વાયરસના સંક્રમણથી બચી શકે તેવા ઉમદા આશય સાથે ચા-પાનની દુકાનો પર ગ્રાહકોનો સમૂહ જોવા મળશે તો એવી દુકાનો જાહેર સ્વાસ્થ્યના હિતમાં તત્કાલ બંધ કરાવવામાં આવશે.

Img 20200704 Wa0043

સવારથી જ તમામ વોર્ડમાં વોર્ડ ઓફિસર, એસ્ટેટ શાખાના ઇન્સ્પેકટર અને અન્ય સ્ટાફ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગ ઝુંબેશના આજે પ્રથમ દિવસે મનપાની ટીમો દ્વારા ચા-પાનના વેપારીઓને ગ્રાહકોના ટોળા એકત્ર થતા અટકાવા કડક તાકિદ કરવામાં આવી હતી. જો કોઈ દુકાનોએ સોશિયલ ડિસ્ટન્સ જળવાતું નહી હોવાનું ધ્યાને આવશે તો મનપા દ્વારા એ દુકાન તત્કાલ બંધ કરાવી દેવામાં આવશે.  કોરોનાથી બચવા સૌ નાગરિકો એલર્ટ બને તે અત્યંત જરૂરી હોવાની ખાસ અપીલ કરતા કમિશનરે એમ જણાવ્યું હતું કે, ચા-પાનની દુકાનેથી લોકો ટેઈક અવે પધ્ધતિ એટલે કે પાર્સલ લઈ જવાનો જ આગ્રહ રાખે તે ઇચ્છનીય છે. દુકાનદારોએ પણ પોતાની દુકાન પાસે લોકોના ટોળા ભેગા ના થાય તેની કાળજી રાખવી જરૂરી છે. કોરોના વાયરસના ચેપથી બચવાનો ઉપાય નાગરિકો વચ્ચે આવશ્યક અંતર બની રહે તે છે. આ બાબતમાં બેકાળજી દાખવવી એ બીમારીને આમંત્રણ આપ્યા જેવું બની રહેશે. હાલના સમયમાં કોરોના વાયરસના પ્રસારને રોકવામાં સૌ નાગરિકોની ભૂમિકા અત્યંત અનિવાર્ય અને મહત્વપૂર્ણ બની છે. સામાજિક અને વ્યક્તિગત અંતર જાળવવું, હાથ વારંવાર સાફ કરવા, એકબીજા સાથે હાથ મિલાવવાને બદલે આવશ્યકરીતે નમસ્કારની મુદ્રાનો આશરો લેવો, માસ્ક પહેરવું, સહેજ પણ માંદગી જોવા મળે તો તુર્ત જ તબીબી સારવાર લેવી વગેરે જેવી બાબતોની કાળજી રાખવાથી કોરોનાને દુર રાખી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.