Abtak Media Google News

વાવડી અને મવડીમાં ઈડબલ્યુએસ-૧ કેટેગરીના લાભાર્થી માટે ૧૬૪૮ અને ઈડબલ્યુએસ-૨ કેટેગરીના લાભાર્થીઓ માટે ૧૬૭૬ આવાસ બનાવવા સ્ટેન્ડિંગમાં દરખાસ્ત : સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત કોર્પોરેશનને વર્ષ ૨૦૨૦-૨૧ માટે મળવાપાત્ર રૂ .૨૮૯ કરોડની ગ્રાન્ટ સહિત કાલે સ્ટેન્ડિંગમાં અલગ અલગ ૩૨ દરખાસ્તો અંગે લેવાશે નિર્ણય

કોઈપણ વ્યક્તિ કર વિહોણો ન રહે તે માટે કોર્પોરેશન દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત શહેરના વાવડી અને મવડી વિસ્તારમાં ઈડબલ્યુએસ-૧-૨ના લાભાર્થી માટે રૂ .૨૭૯ કરોડના ખર્ચે ૩૩૨૪ આવાસ બનાવવામાં આવશે. આવતીકાલે મળનારી સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં આ ઉપરાંત સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત કોર્પોરેશનને વર્ષ ૨૦૨૦-૨૧ માટે મળવાપાત્ર રૂ .૨૮૯ કરોડની ગ્રાન્ટ સહિતની અલગ અલગ ૩૨ દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ કોર્પોરેશન દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ટીપી સ્કીમ નં.૨૭ અને ૨૮ (મવડી) કણકોટ રોડ પર ફ્રેન્ડસ હાઈટસ સામે પ્લોટ નં.૩૭ પી અને ૩૯ એમાં ઈડબલ્યુએસ-૧ કેટેગરીના અનુક્રમે ૧૮૦ અને ૨૨૦ જ્યારે મવડી મુક્તિધામ સામે ૮૦ ફૂટ રોડ પર પ્લોટ નં.૩૩ એ અને ૩૮ એમાં ઈડબલ્યુએસ-૨ કેટેગરીના લાભાર્થીઓ માટે અનુક્રમે ૨૦૦ અને ૪૨૦ સહિત કુલ ૧૦૨૦ આવાસ બનાવવા માટે રૂ .૯૮.૩૦ કરોડનું ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતું. જે માટે અલગ અલગ ૫ એજન્સીઓએ ઓફર રજૂ કરી હતી. રાજકોટની વિનય ઈન્ફાટેક પ્રા.લી.એ ૯.૧૦ ટકા ઓછા ભાવે આ કામ રૂ .૮૯.૩૫ કરોડમાં કરી આપવા ઓફર આપી હતી. જેને કામ આપવા માટે સ્ટેન્ડિંગમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.

આ ઉપરાંત ટીપી સ્કીમ નં.૧૫ વાવડીના  ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશન નજીક તપન હાઈટસ પાસે ફાઈનલ પ્લોટ નં.૧૫-એ, ૨૮-એ અને ૫૧-એમાં ઈડબલ્યુએસ-૧ કેટેગરીના લાભાર્થીઓ માટે ૧૨૪૮ તથા ટીપી સ્કીમ નં.૨૭ (મવડી) ફાઈનલ પ્લોટ નં.૫૧-બી પાળ રોડ પર ઈડબલ્યુએસ કેટેગરીના ૪૩૨ આવાસ સહિત ૨૩૦૪ આવાસ બનાવવા માટે રૂ.૧૯૪.૫૫ કરોડના કામનું ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતું. જેના માટે અલગ અલગ ૫ એજન્સીઓએ બીડ રજૂ કરી હતી. ૪ એજન્સી ક્વોલીફાઈડ થઈ હતી. જામનગરની કાંતિ ક્ધટ્રકશને આ કામ ૨ ટકા ઓછા ભાવે રૂ.૧૮૯.૬૯ કરોડમાં કરી આપવાની ઓફર આપી છે.

જેને કામ આપવા સ્ટેન્ડિંગમાં દરખાસ્ત રજૂ કરાઈ છે. મહાપાલિકા દ્વારા રૂ.૨૭૯ કરોડના ખર્ચે ઈડબલ્યુએસ-૧ અને ઈડબલ્યુએસ-૨ના લાભાર્થીઓ માટે ૩૩૨૪ આવાસ બનાવવા માટે ખર્ચ મંજૂરીની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમીટી સમક્ષ રજૂ કરવામાં આવી છે. ઈડબલ્યુએસ-૧ કેટેગરીનું આવાસનો કાર્પેટ એરીયા ૩૦ ચો.મી.નો રહેશે. જે લાભાર્થીને રૂ.૩ લાખમાં અને ઈડબલ્યુએસ-૨ કેટેગરીના આવાસનો કાર્પેટ એરીયા ૪૦ ચો.મી.નો રહેશે જે લાભાર્થીને રૂ.૫.૫૦ લાખમાં આપવામાં આવશે. કાલે મળનારી સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં અલગ અલગ ૩૨ દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.