Abtak Media Google News

લોકસભાની ચુંટણીની આચારસંહિતા પૂર્વે કાલે કોર્પોરેશનમાં સંભવત: અંતિમ સ્ટેન્ડિંગ: મ્યુનિસિપલ બોન્ડ માટે મ્યુનિસિપલ કમિશનરને પાવર ડેલીગેટ કરવા સહિતની ૪૭ દરખાસ્તો પર લેવાશે નિર્ણય

લોકસભાની ચુંટણી માટેની તારીખોનું એલાન ગમે ત્યારે થાય તેવી સંભાવના જણાઈ રહી છે. ચુંટણીની આચારસંહિતા અમલમાં આવે અને વિકાસ કામો પર બ્રેક ન લાગે તે માટે ચેરમેન ઉદયભાઈ કાનગડે આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બોલાવી છે જેમાં અલગ-અલગ ૪૭ દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે. બજેટમાં કરવામાં આવેલી જોગવાઈ મુજબ મહાપાલિકા ૧૫૦ કરોડના મ્યુનિસિપલ બોન્ડ ઈસ્યુ કરવાનું છે. જે માટે મ્યુનિસિપલ કમિશનરને પાવર ડેલીગેટ કરવા સહિતની ૪૭ દરખાસ્તો અંગે કાલે નિર્ણય લેવામાં આવશે.Uday Kangad

વર્ષ ૨૦૧૯-૨૦૨૦ના બજેટમાં રૂ.૧૫૦ કરોડ સુધીના બોન્ડ ઈસ્યુ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. આ માટે આનુસંગિક કામગીરી જેવી કે ક્રેડીટ રેટીંગ એજન્સીની નિમણુક, લીગલ ક્ધટ્રકશનની નિમણુક, બેન્કરની નિમણુક, ઈસ્યુ રજીસ્ટ્રારની નિમણુક, ડિબેન્ચર ટ્રસ્ટીની નિમણુક, લીસ્ટીંગ માટે સ્ટોક એક્ષચેન્જની નિમણુક સહિતની તમામ કામગીરી માટે સંપૂર્ણ સતા મ્યુનિસિપલ કમિશનરને આપવા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત રજુ કરવામાં આવી છે.

આ ઉપરાંત કાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આજી રિવરફ્રન્ટ પ્રોજેકટ અંતર્ગત આજી નદીના પૂર્વ કિનારે બ્રિજથી પોપટપરા રીંગ રોડ સુધી ઈન્ટર સેકટર શિવરેઝ લાઈન નાખવા, મહાત્મા ગાંધી મ્યુઝિયમ માટે કમિટીની રચના કરવા, અમૃત યોજના અંતર્ગત જુદા-જુદા કામો કરવા, સફાઈ કામદારોની ભરતી કરવા અંગેના નવા નીતિ-નિયમો નકકી કરવા, ગુજરાત સ્થાપના દિન નિમિતે યોજાયેલા સુહાના સફર સંગીત સંધ્યાના કાર્યક્રમના ખર્ચને બહાલી આપવા, વોર્ડ નં.૧૨માં ઉમિયા ચોકથી બાપાસીતારામ ચોક સુધી સિમેન્ટ રોડ બનાવવા, પાણીના શુદ્ધિકરણ માટે લીકવીડ કલોરાઈડની ખરીદી કરવા સહિતની ૪૭ દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે.

મહાત્મા ગાંધી મ્યુઝિયમ માટે ૬ સભ્યોની એસપીવી રચાશે

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ જયાં અભ્યાસ કર્યો હતો તે આલ્ફેડ હાઈસ્કુલ ખાતે કોર્પોરેશન દ્વારા કરોડોના ખર્ચે ગાંધી મ્યુઝિયમનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેના માટે એસપીવી (સ્પેશ્યલ પર્પલ્સ વ્હીકલ)ની રચના કરવા તથા બોર્ડ ઓફ ડાયરેકટરની નિમણુક કરવા માટે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત કરવામાં આવી છે. આ એસપીવીમાં કુલ ૬ સભ્યો રહેશે. જેમાં મ્યુનિસિપલ કમિશનર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, ૨ નાયબ મ્યુનિસિપલ કમિશનર અને બે સભ્યો ગાંધી સંસ્થા સાથે જોડાયેલા હોય તેવાની પસંદગી કરવામાં આવશે.

કોઠારીયામાં ૨૦.૪૪ કરોડના ખર્ચે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવાશે

અમૃત યોજના અંતર્ગત કોઠારીયા ખાતે ૧૫ એમએલડીની ક્ષમતાનો સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા માટે રૂ.૨૦.૪૪ કરોડનો ખર્ચ મંજુર કરવા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત રજુ કરવામાં આવી છે. નેશનલ હાઈવે બાયપાસ પર આવેલા રાજકોટ ટીપી સ્કીમ નં.૬ના ફાઈનલ પ્લોટ નં.૨૦૦ પૈકીની જમીનમાં ૧૫ એમએલડી ક્ષમતાનું સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા ટર્મિનલ સુએઝ પમ્પીંગ સ્ટેશન બનાવવા માટે રૂ.૨૦ કરોડનો ખર્ચ અમૃત યોજના અંતર્ગત મંજુર કરવા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત રજુ કરાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.