Abtak Media Google News

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ સુધી પહોંચી ફરિયાદ: તત્કાલ વૈકલ્પિક વ્યવસ્થા કરવાના આદેશ છુટયા

કોર્પોરેશનનું સર્વર છાશવારે ઠપ્પ થઈ જતું હોવાના કારણે અરજદારોએ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. સર્વર ધાંધીયાના લીધે કેટલીક કામગીરીઓ ખોરંભે ચડી જાય છે.

હાલ મહાપાલિકા દ્વારા ટેકસ ભરનાર કરદાતાને મફતમાં ડસ્ટબીન આપવામાં આવી રહ્યા છે જેના કારણે વોર્ડ ઓફિસે અરજદારોનો ઘસારો રહે છે.

આજે સવારે અચાનક કોર્પોરેશનનું સર્વર બંધ પડી જતા વોર્ડ નં.૧૮માં ડસ્ટબીન લેવા આવેલા લોકોની લાઈનો લાગી ગઈ હતી.

અગાઉ માત્ર એડવાન્સ ટેકસ ભરતા કરદાતાઓને મહાપાલિકા દ્વારા નિ:શુલ્ક બે ડસ્ટબીન આપવામાં આવતા હતા હવે ટેકસ ભરનાર તમામ કરદાતાઓને મફતમાં બે ડસ્ટબીન આપવામાં આવી રહ્યા હોય વોર્ડ ઓફિસે અરજદારોનો ઘસારો રહે છે. દરમિયાન આજે સવારે શહેરના વોર્ડ નં.૧૮માં રણુજા મંદિરની સામે આવેલી કોર્પોરેશનની વોર્ડ ઓફિસ ખાતે સવારે મોટી સંખ્યામાં લોકો ડસ્ટબીન લેવા માટે આવ્યા હતા. અચાનક જ કોર્પોરેશનનું સર્વર ડાઉન થઈ જવાના કારણે પહોંચ નિકળવા સહિતની કામગીરી ઠપ્પ થઈ જવા પામી હતી. જેના કારણે વોર્ડ ઓફિસે અરજદારોની લાંબી કતારો લાગી ગઈ હતી.

આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ સુધી ફરિયાદ પહોંચતા તેઓએ સંબંધિત અધિકારીને તાત્કાલિક કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટેના આદેશ આપ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.