Abtak Media Google News

કપાતમાં આવતી ૮૩ મિલકતોને નોટિસ આપ્યાના ૧૮ માસ વિત્યા, ૧૭ મિલકત ધારકોએ વાંધા-સુચન રજૂ કર્યા હોવા છતાં હિયરીંગ માટે બોલાવાતા નથી: આત્મીય કોલેજ, કેન્દ્રીય વિદ્યાલય, ક્રિષ્ટલ મોલ સહિતની મિલકતો આવે છે કપાતમાં

શહેરના ગૌરવપથમાં જેની ગણના થાય છે તેવા કાલાવડ રોડને કે.કે.વી ચોકથી મોટા મવાના બ્રિજ સુધી પહોળો કરવા માટે વર્ષ ૨૦૧૮માં મહાપાલિકા દ્વારા લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ લાગુ કરવામાં આવી હતી. કોઈ મોટા માથાનું અંગત હિત સાચવવા માટે સતત ટ્રાફિકથી ધમધમતા આ રાજમાર્ગને પહોળો કરવામાં તંત્ર દ્વારા ભેદી ઢીલ દાખવવામાં આવતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. કપાતમાં જતી ૮૩ મિલકતોને નોટિસ આપી અને વાંધા અરજી આવ્યાના ૧૮ માસ જેટલો લાંબો સમય વીતી ગયા છતાં હજુ સુધી મિલકત ધારકોને હિયરીંગ માટે બોલાવવામાં આવ્યા નથી.

Advertisement

આ અંગે કોર્પોરેશનના વિશ્ર્વસનીય સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ સતત ટ્રાફિકથી ધમધમતા એવા શહેરના ગૌરવપથ કાલાવડ રોડને કે.કે.વી ચોકથી મોટા મવાના બ્રિજ સુધી પહોળો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હયાત રોડની પહોળાઈ ૩૦ મીટર છે જે ૨૬ મીટર કરવા રોડની બન્ને બાજુ ૩-૩ મીટરની કપાત મિલકત લેવા વર્ષ ૨૦૧૮માં લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ દાખલ કરવામાં આવી છે. રોડ પહોળો કરવા માટે ખાનગી માલીકીની મિલકત ઉપરાંત આરએનબીના ક્વાર્ટર, આત્મીય કોલેજ, કોર્પોરેશનનો સ્વીમીંગ પુલ અને પાણીનો ટાંકો, કેન્દ્રીય વિદ્યાલય, સ્નેહનિર્જર સંસ્થા, ક્રિષ્ટલ મોલ, સરકારી હોસ્ટેલ, બીએસએનએલની ઓફિસ, નિલ દા ઢાબા રેસ્ટોરન્ટ અને ૨ પેટ્રોલ પંપ સહિત કુલ ૮૩ આસામીની મિલકત ૧ થી ૧૦ ફૂટ સુધી કપાતમાં આવે છે. મોટાભાગની મિલકતનું માર્જીન પાર્કિંગ કપાતમાં આવે છે.

કે.કે.વી ચોકથી મોટા મવાના બ્રિજ સુધી અંદાજે ૨ કિ.મી.ના હયાત ૩૦ મીટરના કાલાવડ રોડને ૩૬ મીટર સુધી પહોળો કરવા લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ ૨૦૧૮માં લાગુ કરાઈ છે

ફેબ્રુઆરી ૨૦૧૯માં કપાતના તમામ અસરગ્રસ્તોને લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ મુજબ નોટિસ ફટકારવામાં આવી હતી. જેમાં કપાતમાં જતી મિલકતના વળતરમાં જમીનના બદલામાં જમીન, જંત્રી ભાવ મુજબ રોકડ અને વધારાની એફએસઆઈનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. નોટિસ પીરીયડના ૩૦ દિવસમાં કપાત સામે ૧૭ અસરગ્રસ્તોએ વાંધા સુચનો રજૂ કર્યા હતા. જેના આત્મીય કોલેજ અને કેન્દ્રીય વિદ્યાલય જેવી સંસ્થાઓએ જેટલી જમીન કપાતમાં જાય છે તેની સામે તેટલી જ જમીન અન્ય સ્થળે ફાળવવાની માગણી કરી છે. જ્યારે અમુક અસરગ્રસ્તોએ કપાતના બદલામાં જંત્રી ભાવ મુજબ નહીં પરંતુ બજાર ભાવ મુજબ રોકડ વળતરની માંગણી કરી છે તો અમુકે નિયમ મુજબ મળવાપાત્ર થતી એફએસઆઈથી વધુ એફએસઆઈની માંગણી કરી છે તો અમુકે લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ રદ કરવાની માંગણી કરી છે. જે ૧૭ અસરગ્રસ્તોએ વાંધા રજૂ કર્યા તેને ૧૮ મહિના જેટલો સમય વિતી જવા છતાં મ્યુનિ.કમિશનરે તેઓને એક પણ વખત હિયરીંગ માટે બોલાવવામાં આવ્યા નથી. ગત વર્ષે લોકસભાની સામાન્ય ચૂંટણી માથે હોય જો રોડ પહોળો કરવા માટે મિલકત કાપવા બુલડોઝર ધણધણવામાં આવે તો લોકરોષ ફાટી નીકળે તેવા કારણોસર પણ અસરગ્રસ્તો સાથે હીયરીંગ યોજવામાં આવ્યું નહોતું. શહેરનો મુખ્ય રાજમાર્ગ ગણાતા એવા કાલાવડ રોડને પહોળો કરવા માટે ૨ વર્ષ પૂર્વે લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ દાખલ કરવામાં આવી હતી છતાં રોડ પહોળો કરવા માટે નોટિસ આપ્યા સીવાયની અન્ય કોઈ કાર્યવાહી મહાપાલિકા દ્વારા કેમ કરવામાં આવતી નથી તેની સામે પણ હવે શંકા ઉભી થઈ રહી છે. હજુ ક્યારે હિયરીંગ યોજાય તેવું કહી શકાય તેમ નથી. બીજી તરફ મહિલા કોલેજ ચોકથી કોટેચા ચોક સુધી કાલાવડ રોડને સમાંતર કરવા માટે ધમસાણીયા કોલેજ પાસે આવેલા એક ખાનગી માલીકીના મકાનને પણ કપાતમાં લેવાનો નિર્ણય લેવામાં આવશે પરંતુ રાજકીય ઓથ ધરાવતા આ મકાનને હજુ સુધી કપાતમાં લેવામાં આવ્યું નથી.

મહાપાલિકા રોડ પહોળા કરવા મોટા ઉપાડે લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ લાગુ કરી દે છે પરંતુ ત્યારબાદ તેની અમલવારી કરવામાં ભેદી ઢીલ દાખવે છે. યાજ્ઞીક રોડ પહોળો કરવા માટે એક દસકા પહેલા લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ લાગુ કરાઈ હોવા છતાં હજુ સુધી રોડની પહોળાઈ વધારવા એક ફૂટ પણ મિલકત કપાત કરવામાં આવી નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.