Abtak Media Google News

પરેશ  પીપળીયા, દિલીપ લુણાગરીયા, વજીબેન ગોલતર અને દેવુબેન જાદવ સામે કાર્યકરોમાં પણ જબરી નારાજગી: હજી અનેક મોટા માથાઓ હાઇકમાન્ડની રડારમાં

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠકના સિટીંગ ધારાસભ્ય અને રાજય સરકારના મંત્રી અરવિંદભાઇ રૈયાણીની ટિકીટ કાંપી નાખવામાં આવતા ભાજપના ઉમેદવાર ઉદયભાઇ કાનગડને હરાવવા માટે ભાજપના કેટલાક મોટા માથાઓએ કામગીરી કરી હતી. ઉદયભાઇની શાનદાર જીત બાદ હવે રૈયાણી કેમ્પના ચારેક કોર્પોરેટરો રિતસર નોંધારા બની ગયા છે. વોર્ડમાં વિવિધ ખાતમુહુર્ત સહિતના કાર્યક્રમોમાં પણ તેઓને હાજર ન રહેવા પામે અધોષિત આદેશ આપી દેવામાં આવ્યો હોવાનું કાર્યકરોમાં ચર્ચાય રહ્યું છે. હજી કેટલાંક કહેવાતા મોટા નેતાઓ હાઇકમાન્ડની રડારમાં છે. પક્ષમાં રહીને પક્ષને નુકશાન પહોચાડવાનો પ્રયાસ કરનારા સામે આકરા પગલા તોળાય રહ્યા છે. ગમે તે ઘડીએ મોટા ધડાકા થવાની તૈયારી છે.

Advertisement

રાજકોટમાં ઉપલા કાંઠાનું રાજકારણ કંઇક અલગ પ્રકારનો રંગ ધરાવે છે. ગત વર્ષે કોર્પોરેશનની સામાન્ય ચૂંટણીમાં કેટલાક મોટા ગજાના નેતાઓની ટિકીટ કંપાય ગયા બાદ અરવિંદભાઇ રૈયાણી સામે રિતસર વિરોધ વંટોળ શરૂ થયો હતો. સેન્સ પ્રક્રિયા દરમિયાન પણ કેટલાક પૂર્વ કોર્પોરેટરો અને આગેવાનોએ નિરીક્ષકો સમક્ષ અરવિંદ રૈયાણીને ફરી ટિકીટ ન આપવાની માંગણી કરી હતી. ભારે વિરોધના પગલે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી બી.એલ. સંતોષ પણ રાજકોટ પૂર્વ વિધાનસભાની સમીક્ષા માટે દોડી આવ્યા હતા. ભાજપે રાજકોટની ચારેય બેઠકો માટે નો રિપીટ થીયરી અપનાવી હતી. અરવિંદ રૈયાણીની ટિકીટ કંપતા ઉપલા કાંઠાના ભાજપના કેટલાક  કોર્પોરેટરો નિષ્કીય બની ગયા હતા. તેઓએ ઉદયભાઇ કાનગડને હરાવવા માટે વધતા ઓછા પ્રમાણમાં પ્રયાસો પણ કર્યા હતા. જેની ફરીયાદ પણ હાઇ કમાન્ડ સમક્ષ રજુ કરવામાં આવી હતી.

ચુંટણીનું પરિણામ આવ્યા બાદ હવે રૈયાણી કેમ્પના કોર્પોરેટરો રિતસર નોંધારા બની ગયા છે. ધારાસભ્ય ઉદયભાઇ કાનગડના પ્રકોપથી તેઓને બચાવી શકે તેવું કોઇ રહ્યું નથી. આચાર સંહિતા  ઉઠતાની સાથે જ ફરી વિકાસ કામોનો ધમધમાટ શરુ થઇ ગયો છે. શહેરના ઉપલા કાંઠા વિસ્તારોમાં વિવિધ વિકાસ કામોનું ખાતમુહુર્ત ધારાસભ્ય ઉદયભાઇના હસ્તે કરવામાં આવી રહ્યું છે. તેમાં વોર્ડના કોર્પોરેટરો માટે જાણે અધોષીત નો એન્ટ્રી જાહેર કરી દેવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે.

રૈયાણી કેમ્પના મનાતા કોર્પોરેટર પરેશભાઇ પીપળીયા, વજીબેન ગોલતર, દિલીપભાઇ લુણાગરીયા અને દેવુબેન જાદવ હાલ નિશાના પર છે. તેઓને તેમના વોર્ડના કાર્યક્રમમાં પણ હાજર રાખવામાં આવતા નથી. આટલું જ નહી ઉપલા કાંઠાના હજી કેટલાક મોટા માથા પણ હાઇકમાન્ડની રડારમાં છે જેના પર ગમે ત્યારે પક્ષ આકરા પગલા લઇ શકે છે. રૈયાણી કેમ્પના મનાતા ચારેય કોર્પોરેટરો હાલ કોઇ જાહેર કાર્યક્રમોમાં દેખાતા નથી. ખૂદ અરવિંદભાઇ રૈયાણી પણ જે કાર્યક્રમમાં ફરજીયાત હાજરી આપવી પડે તેમ હોય ત્યાં થોડી વાર માટે હાજરી આપી નીકળી જાય છે. રાજકોટ પૂર્વે વિધાનસભા બેઠકના પૂર્વ અને વર્તમાન  ધારાસભ્ય વચ્ચે હાલ વાતચીતનો પણ વ્યવહાર ન હોવાનું કાર્યકરોમાં ચર્ચાય રહ્યું છે.

ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપમાં રહી ભાજપના ઉમેદવારને હરાવવાનો પ્રયાસ કરનારાઓના નામ જોગ યાદી ઉદયભાઇ કાનગડ દ્વારા પ્રદેશ હાઇ કમાન્ડને સોંપવામાં આવી હોવાનું પણ ચર્ચાય રહ્યું છે. પક્ષ પણ સમગ્ર ઘટનાથી વાકેફ હોય આગામી દિવસોમા ગદારો સામે આકરા પગલા તોળાય રહ્યા છે. ઉદયભાઇ ધારાસભ્ય તરીકે ચૂંટાય આવતા હવે રૈયારી કેમ્પના કેટલાક કોર્પોરેટરોની હાલત કફોડી બની જવા પામી છે. આગામી દિવસોમાં નવા જુનીના એંધાણ પણ વર્તાય રહ્યા છે.

રાઠોડ, મોલીયા, દુધાત્રા, રાદડીયા અને જાગાણીનો ફરી જમાનો!

2017માં અરવિંદભાઇ રૈયાણી ધારાસભ્ય બન્યા બાદ સામા કાંઠાના રાજકારણના મુખ્ય ચહેરા ગણાતા અનિલભાઇ રાઠોડ, અશ્ર્વિનભાઇ મોલીયા, વલ્લભભાઇ દુધાત્રા, મુકેશભાઇ રાદડીયા અને દલસુખ જાગાણી સાઇડ લાઇન થઇ ગયા હતા. 2021માં આ પાંચેય મોટા માથાઓની ટિકીટ કંપાય હતી. છેલ્લા પોણા બે વર્ષથી સાઇડ લાઇન થઇ ગયેલા આ પાંચેય પૂર્વ કોર્પોરેટરોના ફરી જમાનો આવ્યો છે. કારણ કે આ પાંચેય નેતાઓએ ઉદયભાઇને જીતાડવા માટે મહામહેનત કરી હતી જે હવે બોલી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.