Abtak Media Google News

ભાજપના રાજમાં કોર્પોરેશનમાં ભ્રષ્ટાચારના ભોરીંગો : ‘આપ’ ધગધગતો આક્ષેપ

સ્ટેન્ડિંગ કમીટીના પૂર્વ ચેરમેન રાજભા ઝાલાએ અલગ અલગ હેડમાં કેવી રીતે ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે તેની સ્ફોટક વિગતો પત્રકાર પરિષદમાં જાહેર કરી

અધિકારીઓ શાસકોની ભ્રષ્ટાચારમાં  મીલીભગત, વિપક્ષ પણ ભ્રષ્ટાચારને ઉજાગર કરવામાં સદંતર નિષ્ફળ : આપ

રાજકોટ મહાનગર પાલિકામાં ભાજપના રાજમાં ભ્રષ્ટાચારે અજગરી ભરડો લીધો છે. છેલ્લા ત્રણ વર્ષમાં અલગ અલગ શાખાઓમાં ૩૦૦થી પણ વધુ કરોડનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો આક્ષેપ આજે સ્ટેન્ડિંગ કમીટીના પૂર્વ ચેરમેન અને આમ આદમી પાર્ટી રાજકોટ શહેરના પ્રમુખ રાજભા ઝાલાએ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છેે. અધિકારીઓ દ્વારા આચરવામાં આવતા ભ્રષ્ટાચારમાં પણ શાસકોની મીલીભગત હોવાનો આરોપ લગાવ્યો છે અને વિપક્ષ પણ ભ્રષ્ટાચારને અને કૌભાંડને ઉજાગર કરવામાં સદંતર નિષ્ફળ નિવડ્યું હોવાનું જણાવ્યું હતું.

આમ આદમી પાર્ટી રાજકોટ શહેરના પ્રભારી અજીત લોખીલની ઉપસ્થિતિમાં આજે સવારે શહેર પ્રમુખ રાજભા ઝાલાએ એક પત્રકાર પરિષદમાં કોર્પોરેશનમાં ચાલતા ભ્રષ્ટાચારને ખુલ્લો પાડ્યો હતો. તેઓએ એવો આરોપ લગાવ્યો હતો કે, છેલ્લા ત્રણ વર્ષમાં અલગ અલગ હેડમાં ખોટા ખર્ચાઓ બતાવી મહાપાલિકામાં ૩૦૦થી પણ વધુ કરોડનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. ફિલ્ટર પ્લાન્ટ નિભાવ ખર્ચ, વોટર પાઈપ લાઈન નિભાવ ખર્ચ, ટેન્કર દ્વારા વોટર સપ્લાય, કચરો ઉપાડવાનું કામ, ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન, વોકળા ગેંગનો પગાર, પશુઓનો ખોરાકી ખર્ચે, શ્ર્વાન વ્યંધીકરણ, શહેરી કાર્યક્રમ, બાગ-બગીચા નિભાવ ખર્ચ, રસ્તા મરામર, ફૂટપાથ રીપેરીંગ, ડ્રેનેજ સીસ્ટમ મરામત, સીસીટીવી કેમેરા રીપેર ખર્ચ, સ્વચ્છ ભારત મિશન અંતર્ગત થયેલ ખર્ચ, રેન બસેરાના ખર્ચ, પછાત વિસ્તારના વિકાસ કામો, પેટ્રોલ-ડિઝલનો ખર્ચ, સ્ટેશનરી ખર્ચ અને સિક્યુરીટી કોન્ટ્રાકટ જેવા અલગ અલગ આશરે ૨૦ જેટલા હેડમાં આડેધડ ખર્ચ ઉધારવામાં આવ્યો છે.

પ્રજાના પ્રતિનિધિ તરીકે ચૂંટાયેલા પદાધિકારીઓની જવાબદારી લોકોના પૈસાનો સદ્ ઉપયોગ થાય તે જોવાની અને ભ્રષ્ટાચારને રોકવાની હોય છે પરંતુ કોર્પોરેશનમાં ભાજપના શાસકો જાણે ભ્રષ્ટાચારમાં મીલીભગત કરાવતા હોય તેમ ભ્રષ્ટાચારને રોકવા માટે કસી કામગીરી કરતા નથી. સામાપક્ષે વિપક્ષમાં પણ અણઆવડત હોય તેવું સ્પષ્ટ દેખાય છે. ભ્રષ્ટાચાર કે કૌભાંડને ઉજાગર કરવા માટે કોંગ્રેસે પણ એક સક્ષમ વિપક્ષની ભૂમિકા ક્યારેય નિભાવી નથી. કોર્પોરેશનની અલગ અલગ શાખાઓમાં થયેલો આશરે રૂ .૪૧.૫૩ લાખનો કોઈ તાળો મળતો નથી. ઓડિટ રિપોર્ટમાં પણ આ અંગે ક્વેરી નીકળી છે પરંતુ તેને ગંભીરતાથી લેવામાં આવી નથી જે પરથી ફલીત થાય છે કે, શાસકો ભ્રષ્ટાચારવિહીન શાસન આપવામાં સદંતર નિષ્ફળ નિવડ્યા છે.

રાજભાએ વધુમાં ઉમેર્યું હતું કે, અલગ અલગ વિભાગો દ્વારા જે તે હેડ વાઈઝ જે ખર્ચ કરવામાં આવ્યા છે તે પ્રથમ દ્રષ્ટીએ શંકાસ્પદ લાગે છે. આગામી દિવસોમાં આમ આદમી પાર્ટી કોર્પોરેશનના તમામ ભ્રષ્ટાચારને બહાર લાવશે. આ માટે હાયર ઓથોરીટી સમક્ષ તપાસની માંગણી કરવામાં આવશે અને ભ્રષ્ટાચારમાં સામેલ કર્મચારી કે, અધિકારી સામે કાયદાકીય પગલા લેવા પણ માંગણી કરાશે. જો ભ્રષ્ટાચારને નાથવા કોઈ પગલા લેવામાં નહીં આવે તો આપ જ‚ર પડ્યે હાઈકોર્ટના દ્વાર પણ ખખડાવશે. છેલ્લા ત્રણ વર્ષમાં મહાપાલિકામાં ૩૦૧ કરોડનો ભ્રષ્ટાચાર થયો હોવાના આપના આક્ષેપથી ખળભળાટ મચી જવા પામ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.