રાજકોટ કોર્પોરેશનની ત્રણ લાઇબ્રેરીમાં GPSC સ્પર્ધાત્મક પરીક્ષા માટે કોર્સ શરૂ કરાશે

શ્રોફ રોડ, રૈયા રોડ અને જિલ્લા ગાર્ડન લાઇબ્રેરી ખાતે ઓડિયો વિઝ્યુઅલ રૂમની વ્યવસ્થા હોય આ પુસ્તકાલયોમાં ઓનલાઇન વીડિયો કોર્સ શરૂ કરવામાં આવશે

રાજકોટ મહાનગર પાલિકા દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં વાંચનપ્રેમીઓ માટે અલગ-અલગ આઠ લાઇબ્રેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે. વોર્ડ નં.6માં નવી અદ્યતન લાઇબ્રેરી નિર્માણ પામી રહી છે. આઠ લાઇબ્રેરીમાં આશરે 32 હજાર સભ્યો છે. તમામ લાઇબ્રેરીમાં આશરે 835 બેઠક વ્યવસ્થા છે. દરમિયાન કોર્પોરેશનની ત્રણ લાઇબ્રેરીમાં જીપીએસસી અને રાજ્ય સરકારની વર્ગ-3ની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઓનલાઇન વિડિયો કોર્સ શરૂ કરવામાં આવશે. આ અંગે આવતીકાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નિર્ણય લેવાશે.

આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલે જણાવ્યું હતું કે શ્રોફ રોડ પર દંતોપંત ઠેગડી પુસ્તકાલય, રૈયા રોડ પર બાબુભાઇ વૈદ્ય લાઇબ્રેરી અને જિલ્લા ગાર્ડનમાં ડો.આંબેડકર લાઇબ્રેરી ખાતે અનુક્રમે 50, 70 અને 35 વિદ્યાર્થીઓ બેસી શકે તેવા ઓડિયો વિઝ્યુઅલ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ત્રણેય લાઇબ્રેરીમાં ગરબી અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં મદદરૂપ થવા માટે ઓનલાઇન વર્ગો શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ ક્ષેત્રમાં ચાર વર્ષથી વધુનો અનુભવ ધરાવતી અને એક લાખ વિદ્યાર્થીઓને માર્ગદર્શક આપેલું હોય તથા સંસ્થામાં 25 અનુભવી ફેકલ્ટી ધરાવતી હોય તેવી સંસ્થાઓ, કોચિંગ ક્લાસ, એજન્સી, અને વેબસાઇટ આરએમસી સાથે જોડાઇ વિદ્યાર્થીઓને નિ:શુલ્ક માર્ગદર્શન આપે તે માટે એપ્લીકેશન મંગાવવામાં આવી હતી. જે અંતર્ગત ટેન્ડર આવ્યા હતા, હવે ટૂંક સમયમાં પસંદ કરાયેલી એજન્સીને સાથે રાખી ત્રણેય લાઇબ્રેરીમાં સ્પર્ધાત્મક પરીક્ષા અને જીપીએસસીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન વિડિયો કોર્સ શરૂ કરવામાં આવશે.