Abtak Media Google News

ફકત ગુનો કરવાની ટેવને આધારે અટકાયતી પગલાં લઇ શકાય નહીં : સર્વોચ્ચ અદાલત

સુપ્રીમ કોર્ટે તાજેતરમાં એક ચુકાદો આપતાં કહ્યું છે કે, પોલીસ અને ન્યાયપ્રણાલીનું કાર્ય કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે સતત પ્રયત્નશીલ રહેવાનું છે નહીં કે ગુનેગારોને સજા ફટકારવાનું. સુપ્રીમે આ ચુકાદો એક વ્યક્તિ દ્વારા કરાયેલી અપીલમાં આપ્યો હતો. જેમાં અપીલકર્તાને તેના ગુનો કરવાની ટેવના આધારે અટકાયતમાં રાખવાના આદેશને પડકારવામાં આવ્યો હતો.

‘કાયદો – વ્યવસ્થા’ અને ‘જાહેર અવ્યવસ્થા’ વચ્ચેનો તફાવત ન્યાયમૂર્તિ સૂર્યકાન્ત અને દીપાંકર દત્તાની બેન્ચે સમજાવ્યું કે જ્યારે કોઈ વ્યક્તિ ગુનો આચરે ત્યારે તે કાયદો વ્યવસ્થાની સ્થિતિને ખલેલ પહોંચાડવાનું કૃત્ય ગણવામાં આવે છે પણ તે વ્યક્તિ ગુનો આચરવાની ટેવવાળો છે ફકત તેના આધારે અટકાયતી પગલાં લેવા તે જાહેર વ્યવસ્થાને ખલેલ પહોંચાડવા સમાન છે. હૈદરાબાદના પોલિસ કમિશ્નર દ્વારા ગુનો આચરવાની ટેવ વાળા વ્યક્તિના અટકાયતી પગલાં લેવાના હુકમ સામે સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી કરી હતી અને પોલીસ કમિશ્નરના નિર્ણયને રદિયો આપ્યો હતો.

પોલીસ કમિશ્નરે છેતરપિંડી, ખંડણી, લૂંટ અને ફોજદારી ધાકધમકી સહિતના વિવિધ ગુનાઓમાં સંડોવણીના આધારે એક વ્યક્તિ વિરુદ્ધ પ્રિવેંશન હેઠળ અટકાયતી પગલાં લેવા આદેશ આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટે મામલામાં નોંધ્યું હતું કે, એ વ્યક્તિ ગુન્હાહિત ઇતિહાસ ધરાવે છે તે વાત સાચી છે પણ તેની ગુનો કરવાની ટેવના આધારે અટકાયતી પગલાં લેવા તે બંધારણ દ્વારા આપવામાં આવેલા હકોનું હનન કરવા સમાન છે. ફકત તેના ભૂતકાળને આધારે અટકાયતી પગલાં લેવા યોગ્ય નથી, તેની વર્તમાન વર્તણુકને પણ ધ્યાને લેવું ખુબ જરૂરી છે તેવું અદાલતે નોંધ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.