Abtak Media Google News

રાજદ્રોહ કાયદાનો મામલો 5 જજોની ખંડપીઠને ટ્રાન્સફર કરાયો

રાજદ્રોહ કાયદાને પડકારતી અરજી પર હવે સુપ્રીમ કોર્ટની મોટી બેન્ચ સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટે ભારતીય દંડ સંહિતા 124એ હેઠળ રાજદ્રોહ કાયદાની માન્યતાને પડકારતી અરજીઓને ઓછામાં ઓછી પાંચ જજોની સંવિધાન પીઠ પાસે મોકલી દેવામાં આવી છે. કોર્ટે એ આધાર પર મોટી બેન્ચને કેસ સોંપવાનો નિર્ણય ટાળવાની કેન્દ્રની માંગ ફગાવી દીધી કે, સંસદ દંડ સંહિતાની જોગવાઈઓને ફરીથી લાગુ કરી રહી છે.

સુપ્રીમ કોર્ટે તેની રજિસ્ટર્ડ ઓફિસને ચીફ જસ્ટિસ સમક્ષ દસ્તાવેજ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો જેથી કરીને બેન્ચની રચના અંગે નિર્ણય લઈ શકાય. ચીફ જસ્ટીસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની ત્રણ સભ્યોની બેન્ચે કેદારનાથના ચુકાદાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ કેસની સુનાવણી માટે મોટી બેન્ચની આવશ્યક્તા છે. 1962ના કેદારનાથ સિંહ વિરુદ્ધ બિહાર રાજ્યના કેસમાં પાંચ જજોને લઈને બેન્ચે રાજદ્રોહના કાયદાને સમર્થન આપ્યું હતું તો શું ત્રણ જજોની નાની બેન્ચ નિર્ણયને પલટાવી શકે છે?

આ અગાઉ કોર્ટે આ અરજીઓ પર સુનાવણી કેન્દ્રને એમ કહીને 1 મે ના રોજ ટાળી દીધી હતી કે, સરકાર દંડની જોગવાઈની પુનઃસમીક્ષા પર ચર્ચાના અદ્યતન તબક્કામાં છે. ત્યારબાદ 11 ઓગસ્ટના રોજ કેન્દ્ર સરકારે આ સંસ્થાનવાદી યુગના કાયદાઓને બદલવા માટે એક ઐતિહાસિક પગલું ભરતા આઈપીસી, સીઆરપીસી   અને ભારતીય પુરાવા અધિનિયમનું સ્થાન લેવા માટે લોકસભામાં ત્રણ નવા બિલ રજૂ કર્યા હતા. તેમાં રાજદ્રોહ કાયદાને રદ કરવાની અને ગુનાની વ્યાપક વ્યાખ્યા સાથે નવી જોગવાઈઓ લાગુ કરવાની વાત કરવામાં આવી છે.

ગત વર્ષે 11 મે ના રોજ સુપ્રીમ કોર્ટે કેસને સાંભળતા આઈપીસીની કલમ 124એને અસ્થાયી રૂપે બિનઅસરકારક બનાવી દીધી હતી. કોર્ટે કહ્યું હતું કે, આ કાયદા હેઠળ નવા કેસ નોંધવામાં ન આવે અને જે કેસ પહેલાથી પેન્ડિંગ છે તેમાં પણ અદાલતી કાર્યવાહી રોકી દેવામાં આવે. કોર્ટે કેન્દ્ર સરકારને કાયદાની સમીક્ષા કરવાની પરવાનગી આપી હતી. આ સાથે જ એમ પણ કહેવામાં આવ્યું હતું કે જ્યાં સુધી સરકાર કાયદાની સમીક્ષા નહીં કરે લે ત્યાં સુધી આ વચગાળાની વ્યવસ્થા લાગુ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.