Abtak Media Google News

રાજકોટ જીલ્લાની ડેન્ગ્યુની પરિસ્થિતિ પર જયપ્રકાશ શિવહરેએ સિવિલ હોસ્પિટલ ખાતે મ્યુનિ.કમિશનર, કલેકટર અને ડીડીઓ સાથે ચર્ચા કરી

ચોમાસાની ઋતુની પૂર્ણાહુતી બાદ પણ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ડેન્ગ્યુ, મેલેરિયા, ટાઈફોઈડ, કોલ્ડ ફિવર જેવો રોગચાળો ફાટી નિકળ્યા જેવી પરિસ્થિતિ સર્જાય છે ત્યારે રાજકોટ સહિત ડેન્ગ્યુ પરની પરિસ્થિતિ જાણવા માટે રાજય આરોગ્ય સચિવ જયપ્રકાશ શિવહરે સૌરાષ્ટ્રની મુલાકાતે આવ્યા હતા ત્યારે જામનગર, દ્વારકા બાદ રાજકોટ પીડીયુ સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય સચિવે કલેકટર, મ્યુનિસિપલ કમિશનર, ડીડીઓ, તબીબી અધિક્ષક, મેડિકલ કોલેજનાં ડીન સહિતનાં અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી રોગચાળા પર કાબુ મેળવવા લોકજાગૃતિ કેળવવા માટે જરૂરી સુચનો કર્યા હતા સાથો સાથ આરોગ્ય તંત્ર દ્વારા સઘન ઝુંબેશ ચલાવી રોગચાળાને નાથવાના પ્રયાસો કરવામાં આવશે.

રાજકોટ સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવેલા રાજય આરોગ્ય સચિવ જયપ્રકાશ શિવહરે જણાવ્યું હતું કે, આ વર્ષે સારા વરસાદને કારણે રોગચાળો વધી રહ્યો છે. પાણીમાં મચ્છરનાં લાળવાથી મચ્છરની ઉત્પતિ બાદ ડેન્ગ્યુ, મેલેરિયા અને તાવ-શરદી જેવા રોગચાળાની પરિસ્થિતિ પર કલેકટર રમ્યા મોહન, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, ડીડીઓ અનિલ રાણાવસીયા, સિવિલ તબીબી અધિક્ષક ડો.મનીષ મહેતા, મેડિકલ કોલેજનાં ડીન ડો.ગૌરવીબેન ધ્રુવ સહિતનાં અધિકારીઓ સાથે પરિસ્થિતિની ચર્ચા-વિચારણા કરી હતી. સાથે રાજકોટ ખાતે આરોગ્ય તંત્ર દ્વારા કામગીરી થતી હોવાનું પણ જણાવ્યું હતું પરંતુ આમ જનતામાં રોગચાળા વિરુઘ્ધ લોકજાગૃતિ કેળવવાના પ્રયાસો કરવાનું પણ જણાવ્યું હતું.

રાજય આરોગ્ય સચિવે અધિકારીઓ સાથે રોગચાળાને લઈને આકડાઓનું પણ વિશ્ર્લેષણ કર્યું હતું સાથે છેલ્લા પાંચ વર્ષની તુલનામાં આ વર્ષે ડેન્ગ્યુનાં ઓછા કેસ નોંધાયાનું જણાવ્યું હતું. આ વર્ષે રાજકોટમાં ૩૪૮ ડેન્ગ્યુના કેસ નોંધાયા છે. જેમાં સપ્ટેમ્બર માસમાં ૧૨૩ અને ઓકટોબર માસ સુધીમાં ૧૭૩ કેસ નોંધાયા છે. આરોગ્ય તંત્ર દ્વારા ૧૦ લાખથી પણ વધુ ઘરોમાં દવાનો છંટકાવ કર્યાનું અને ૪૯૦૦૦ થી વધુ ઘરમાં તપાસ કયાનું જણાવ્યું હતું સાથે ૩૩૭ થી પણ વધુ શાળાઓમાં આરોગ્ય તંત્ર દ્વારા સઘન તપાસ કરવામાં આવી છે. ઉપરાંત રાજય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ૧૦૪ નંબરની સેવામાં તેના પર ફોન કરતા આરોગ્ય તંત્રની ટીમ સ્થળ પર પહોંચી સારવાર આપી રહી છે.  આરોગ્ય તંત્ર દ્વારા જહેમત ઉઠાવ્યા બાદ પણ રોગચાળા પર કાબુ મેળવવામાં સફળતા હાથ લાગી ન હતી સાથે દિન-પ્રતિદિન ડેન્ગ્યુનાં કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.  રાજય આરોગ્ય સચિવ જયપ્રકાશ શિવહરે રોગચાળા પર કાબુ મેળવવા માટે સઘન ઝુંબેશ હાથ ધરવાનું જણાવ્યું હતું જેમાં આરોગ્ય તંત્ર ટીમ દ્વારા જ સ્થળ પર મુલાકાત અને જાત તપાસ હાથધરી રોગચાળાની વકરતી પરિસ્થિતિ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.