Abtak Media Google News

હથિયાર અને બાઇક સ્ટંટના રવાડે ચડેલા નબીરાઓ

ઇન્સ્ટાગ્રામ પર રીલ બનાવી રોફ જમાવવાના રવાડે ચડ્યાં યુવાનો, 10 વિરૂદ્ધ કાર્યવાહી

આજે સોશિયલ મીડિયાનો વ્યાપ વધતાં સમાજમાં તેની અવળી અસર વર્તાવાની શરૂઆત થઇ ચૂકી છે. યુવાધનમાં વધુ લાઇક અને ફોલોઅર્સ વધારવાની ગાંડી દોડનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને કેટલાક યુવાનો કાયદાનું ઉલ્લંઘન કરીને અવળા રસ્તે જઇ રહ્યાં છે. ઇંસ્ટાગ્રામ પર યુવાનો હથિયારો સાથે આડા-અવળા ફોટો પાડી શેર કરી રહ્યાં છે, કાયદાની જોગવાઇ પ્રમાણે કોઇ વ્યક્તિ સોશિયલ મીડિયા પર સમાજમાં ભયની લાગણી પ્રવર્તે તેવી પોસ્ટ શેર કરી શકે નહીં. જો આવું કરતાં કોઇ પકડાય તો તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જામનગરમાં સાયબર ક્રાઇમ ટીમ દ્વારા ઇંસ્ટાગ્રામ પર હથિયાર અને બાઇક સ્ટંટના વીડિયો પોસ્ટ કરનારા નબીરાઓ વિરુદ્ધ લાલ આંખ કરવામાં આવી છે. આ માટે સાયબર ક્રાઇમની ટીમ દ્વારા યુવાનોને અવળા રસ્તેથી પરત લાવવા સૂચનાઓ અને જરૂર પડ્યે કાયદાનું ભાન કરવા સુધીના પગલા લેવામાં આવ્યા છે.

જામનગર એસ.પી. પ્રેમસુખ ડેલુ દ્વારા સાયબર ક્રાઇમના પીઆઇ પી.પી. ઝાને સોશિયલ મીડિયાનો દૂરઉપયોગ કરતાં લોકો સામે કાર્યવાહી કરવાની મળેલી સૂચનાના આધારે ખાસ ટીમ બનાવીને હજારો યુવકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ ચેક કરવામાં આવ્યા હતા, જેમાં કાયદાનું ઉલ્લંઘન કરતાં 10થી વધુ નબીરાઓની અટક કરી કાર્યવાહી કરવામાં આવી છે. આ સિવાય અન્ય જિલ્લાઓના યુવાનો અંગે લોકલ પોલીસને જાણ કરવામાં આવી હતી.

જામનગરમાં સોશિયલ મીડિયામાં પોતાના ફોલોઅર્સ વધારવા તથા પોતાની અનોખી છાપ ઉભી કરવા તેમજ હોલીવૂડ, બોલીવૂડ તથા સાઉથ ઇન્ડિયન મૂવી જોઇ લોકોમાં પોતાની અનોખી ઓળખ બનાવવા માટે બાઇક પર સ્ટંટ કરતાં તથા હથિયાર સાથે વીડિયો તથા ફોટો અપલોડ કરતાં યુવાનોને કાયદાનું ભાન કરાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં ભારતીય મોટર વ્હીકલ એક્ટ, ભારતીય દંડ સંહિતા, ઇન્ડિયન ફાયર આર્મ્સ રૂલ્સ તથા સોશિયલ મીડિયા પ્લેટફોર્મની વિવિધ કોમ્યુનિટી ગાઇડ લાઇનના ભંગ કરવાના ગુનામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં ફોટો કે વીડિયોમાં દેખાડવામાં આવેલું હથિયાર કોનું છે, ક્યાંથી લાવ્યા વગેરે અંગે તપાસ કરવામાં આવી હતી.

નકલી કે લાયટર ગન હોય તો શું કરવાનું ?

જામનગર સાયબર ક્રાઇમના પી.આઇ. પી.પી. ઝાના જણાવ્યા પ્રમાણે સોશિયલ મીડિયા પર જો કોઇ વ્યક્તિ રમકડાની ગન કે લાયટર ગન સાતે વીડિયો કે ફોટો પોસ્ટ કરે છે તો તેની સાથે જે તે યુવકે ડિસ્ક્રિપ્શન લખવું ફરજિયાત હોય છે કે આ પોસ્ટમાં દેખાતું હથિયાર નકલી છે અને આ પોસ્ટ હું એક્ટિંગ સ્કીલ દેખાડવા માટે કરી રહ્યો છું. જો કોઇ યુવક આવું ન કરે તો તે કાયદાનું ઉલ્લંઘન છે અને તેની સામે કાર્યવાહી કરવામાં આવી શકે છે.

વાલીઓ ધ્યાન નહીં આપે તો  ગંભીર પરિણામ ભોગવવા પડશે

નાની વયે જ પોતાના સંતાનોને સ્માર્ટ ફોન લઇને આપતાં વાલીઓ માટે આ કિસ્સો ખુબ જ અગમચેતીનું કામ કરશે. કારણ કે દરેક વાલીએ ખુદ પોતાના સંતાનની સ્માર્ટ ફોન પરની એક્ટિવિટી અંગે માહિતગાર રહેવું જોઇએ. પોતાના સંતાનો સોશિયલ મીડિયા પર શું જુએ છે, શું પોસ્ટ કરે છે તેની જાણકારી રાખવી જોઇએ.

કંઇ કંઇ ગાઇડલાઇન્સનો ભંગ

સામાન્ય રીતે હથિયાર સાથે કે બાઇક સ્ટંગના વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવાથી બાળકોના મન પર પડતી પ્રતિકૂળ અસર, બાળકોના સારા ઉછેરના વિરુદ્ધ કૃત્યો, ઓનલાઇન બાળ સુરક્ષાના વિરુદ્ધના કૃત્યો, આત્મહત્યા/જાતની ઇજા પહોંચાડવાના કૃત્યો, હિંસા અથવા હથિયાર ઉપયોગને પ્રોત્સાહન આપવું, હેરેશમેન્ટ/બુલીંગ/ભય ઉભા કરતાં કૃત્ય, ઓનલાઇન મહિલા સુરક્ષા, દેશના કાયદાનો ભંગ કરવાના પ્રોત્સાહન.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.