Abtak Media Google News

ફેશન એટલે દર વખતે કંઈક નવું અજમાવવું, કંઈક નવું ટ્રાય કરવું. અલબત્ત, કેટલીક વાર ફેશનનો અર્થ જૂના ટ્રેન્ડને નવી રીતે ઉપયોગમાં લેવો પણ થાય છે. હવે લેયર્સની વાત જ લઈ લોને. આમ તો સદીઓથી આપણે પરંપરાગત ભારતીય વસ્ત્રો હોય કે પછી વેસ્ટર્ન આઉટફિટ્સ, લેયરનો અસ્તર તરીકે ઉપયોગ કરતા આવ્યા જ છીએ; પરંતુ છેલ્લા કેટલાક વખતથી આ ક્ધસેપ્ટ ધરમૂળથી બદલાઈ ગયો છે. હવે અસ્તર ઉપર આવી ગયું છે અને મૂળ કાપડ અસ્તર તરીકે ઉપયોગમાં લેવાઈ રહ્યું છે. આ સિવાય વેસ્ટર્ન વેઅરમાં પણ જેકેટ્સ, શ્રગ્સ તથા સ્કાર્ફ વગેરે દ્વારા લેયરિંગને નવી જ પરિભાષા મળી રહી છે. આવામાં લેયરિંગના ફાયદા, એને અજમાવવાની રીત તથા એમ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી કેટલીક બાબતો પહેલેથી સમજી લેવી વધુ હિતાવહ છે.

ભારતીય પરિધાનમાં લેયર્સ

ભારતીય વસ્ત્રોમાં સાડી પછી સૌથી લોકપ્રિય કોઈ આઉટફિટ હોય તો એ સલવાર-કમીઝ છે. એમાંય કુરતીની ફેશન આવ્યા બાદ મહિલાઓ સલવાર-કમીઝના સ્થાને કુરતી અને લેગિંગ પહેરવાનું વધુ પ્રિફર કરે છે. આવી કુરતી પહેરવામાં કમ્ફર્ટેબલ હોવા ઉપરાંત દરેક પ્રસંગને અનુરૂપ પણ બની જતી હોય છે. આ જ કારણ છે કે લેયર્ડ કુરતીઓનો ટ્રેન્ડ આજકાલ ખૂબ લોકપ્રિય બની રહ્યો છે. આવી લેયર્ડ કુરતી બનાવડાવતી વખતે સ્ટાઇલ અજમાવી શકાય એ સમજી લઈએ.

(૧) લેયર્ડ કુરતી જોવામાં તો આકર્ષક લાગે જ છે સાથે એનું સ્ટિચિંગ પણ બીજા ડ્રેસિસ કરતાં અલગ હોય છે. સામાન્ય રીતે જ્યારે આપણે કોઈ પારદર્શક પ્રિન્ટેડ મટીરિયલ ડ્રેસ માટે પસંદ કરીએ ત્યારે એની પારદર્શકતા ઓછી કરવા નીચે એ જ મટીરિયલના બેઝ રંગનું અસ્તર મુકાવતા હોઈએ છીએ. એક બાજુ જ્યાં આ અસ્તર મટીરિયલની પારદર્શકતા ઓછી કરે છે ત્યાં જ બીજી બાજુ શિફોન કે નેટ જેવા પાતળા મટીરિયલને ડ્રેસ બનાવવા માટે જરૂરી સ્ટિફનેસ પણ પૂરી પાડે છે. અલબત્ત, વાત જ્યારે લેયરિંગની આવે છે ત્યારે હવેના સમયમાં આ પ્રિન્ટેડ મટીરિયલ જ બેઝ તરીકે વપરાવા માંડ્યું છે જેની સાથે આછું મટીરિયલ લેયર તરીકે પસંદ કરવામાં આવે છે. આજકાલ ચાલી રહેલા ટ્રેન્ડ મુજબ આ આછું મટીરિયલ ડ્રેસની મૂળભૂત લંબાઈ કરતાં થોડું ટૂંકું એટલે કે લંબાઈમાં ઓછું રાખવામાં આવે છે.

(૨) તમે ઇચ્છો તો પ્રિન્ટેડ બેઝ મટીરિયલની ઉપર પ્લેન અથવા વર્કવાળું મટીરિયલ પણ સિલેક્ટ કરી શકો છો. એના માટે તમે હેન્ડવર્ક કે મશીનવર્કનો ઉપયોગ પણ કરી શકો છો.

(૩) યાદ રાખો, આવી કુરતી બનાવતી વખતે તમારે બન્ને મટીરિયલને એકબીજા સાથે આખેઆખાં સ્ટિચ કરી દેવાનાં નથી. કાં તો બન્ને મટીરિયલને અલગ-અલગ સીવડાવી શકાય અથવા વધુમાં વધુ ખભા તથા ચેસ્ટના ભાગથી સાથે સીવી શકાય. કમરથી નીચે જતી સિલાઈ છુટ્ટી રાખવાથી જ એમાં લેયરની ફીલ આવે.

(૪) આવા લેયર્ડ કુરતા કે કુરતી તમે તમારી પસંદના ચોલી સ્ટાઇલ, લોન્ગ સ્ટ્રેટ કટ, કળીદાર, પાર્ટવાળા કુરતા, હોલ્ટર નેક કે કેડિયા સ્ટાઇલ જેવી તમારી પસંદની વિવિધ સ્ટાઇલમાં બનાવી શકો છો.

(૫) આવા લેયરવાળા કુરતામાં આજકાલ ઉપરના મટીરિયલ તરીકે શિફોન, નેટ, જ્યોર્જેટ, ટિશ્યુ વગેરે વધુ વપરાય છે. આ મટીરિયલ્સ પાતળાં હોવાથી એમાં નીચેનું પ્રિન્ટેડ મટીરિયલ ઢંકાઈ જતું નથી. સાથે જ સ્મૂધનેસને કારણે આ મટીરિયલ્સનો ફોલ પણ સારો હોવાથી કુરતીના વજન કે પહોળાઈમાં કોઈ ફરક પણ પડતો નથી.

વેસ્ટર્ન વેઅરમાં લેયર્સ

ગૃહિણીઓ અને વયસ્ક મહિલાઓ જ્યાં કુરતી કે સલવાર-કમીઝ વધુ પસંદ કરે છે ત્યાં જ કોલેજિયન તથા આધુનિક કોર્પોરેટ કલ્ચરમાં કામ કરતી વુમનને વેસ્ટર્ન વેઅર વધુ માફક આવે છે. આ જ કારણ છે કે પરંપરાગત ભારતીય પોષાકની સાથે પશ્ચિમી કપડાંઓમાં પણ લેયરિંગના વિવિધ ક્ધસેપ્ટ્સ આજકાલ ખૂબ પોપ્યુલર બની રહ્યા છે. આજકાલ માર્કેટમાં સ્કાર્ફ, સ્ટોલ્સ, જેકેટ્સ, બ્લેઝર્સ, સ્વેટર્સ વગેરે જેવી ઘણીબધી એવી આઇટમ્સ મળે છે; જે સ્ત્રીઓને તેમના આઉટફિટ પર લેયર તરીકે પહેરવામાં કામ લાગી શકે છે. બસ, એને વાપરવાની સાચી રીત આવડવી જોઈએ.

ભારતીય કુતીર હોય કે વેસ્ટર્ન આઉટફિટ્સ,  ખૂબ પ્રચલિત બનેલો લેયરિંગનો ટ્રેન્ડ બધા પર સારો લાગે છે. શરત માત્ર એટલી જ કે એને અપનાવવાની સાચી રીત ખબર હોવી જોઈએ. આ રીત સમજી લેવામાં આવે તો સાદામાં સાદા લુકને પણ સ્ટાઇલિશ અને ગ્લેમરસ બનાવી શકાય છે

 

 

 


 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.