Abtak Media Google News

પાંચ વર્ષમાં મહાપાલિકાની આવક બમણી થઇ પણ તોતીંગ ખર્ચે દેવું વધાર્યુ

 પર્યાપ્ત આવકના અભાવે લોનની રકમ અને વ્યાજ સતત વધતા જ રહે છે

 મહાપાલિકાના અંદાજપત્રમાં જાહેર થઇ વિગતો

દરેક જામનગરના માથેનું દેવુ છેલ્લા પાંચ વર્ષમાં બમણું થઇ ગયું છે અને દરેક નાગરિક પર હાલ 10 હજારનું દેવું છે તેવું મહાપાલિકાએ રજૂ કરેલા અંદાજપત્રમાં બહાર આવ્યું છે. મહાપાલિકાની માથાદીઠ આવક બમણી થઇ છે અને તોતીંગ ખર્ચના કારણે દેવામાં વધારો થઇ રહ્યો છે.

જામનગરના દરેક રહેવાસી પર જામનગર મહાનગરપાલિકાનું દેવુ વધ્યું 10 હજારે પહોંચી ગયું છે. છેલ્લા પાંચ વર્ષમાં દરેક જામનગરીનું માથાદીઠ દેવુ બમણુ થઇ ગયું છે. જ્યારે જામનગર મહાપાલિકાનું કુલ દેવુ વધીને 587.69 કરોડને આંબી ગયું છે. બીજીતરફ જામ્યુકોની માથાદીઠ આવકમાં પણ બમણો વધારો થયો છે. પરંતુ તોતિંગ ખર્ચને કારણે દેવામાં સતત વધારો થઇ રહ્યો છે

જામનગર મહાપાલિકાનું વર્ષ 2021-22નું અંદાજપત્રમાં જામ્યુકોના કુલ દેવા અને માથાદીઠ દેવાના ચોંકાવનારા આંકડા રજૂ કરવામાં આવ્યા છે. જે અનુસાર જામ્યુકોનું કુલ દેવુ વધીને 587.69 કરોડને આંબી ગયું છે. જેમાં 405 કરોડ મુદલ જ્યારે તેના પર 182 કરોડ વ્યાજની રકમનો સમાવેશ થાય છે.

બજેટમાં રજૂ કરાયેલા આંકડાઓ અનુસાર 2020માં જામ્યુકોનું માથાદીઠ દેવુ રૂા. 9640એ પહોંચી ગયું છે. જે 2016માં રૂા. 5802 હતું. આમ દરેક જામનગરીના માથે જામનગર મહાપાલિકાનું રૂા. 10 હજારનું દેવુ છે. શહેરમાં વસતો દરેક નાગરિક મહાપાલિકાનું રૂા. 10 હજારનું દેવુ લઇને ફરે છે. જામનગર મહાપાલિકા દ્વારા શહેરમાં જુદી જુદી યોજનાઓ અને વિકાસકામો માટે રાજ્ય સરકાર, બેન્કસ, જુદી જુદી નાણાંકીય સંસ્થાઓ, સરકારી અર્ધસરકારી સંસ્થાઓ, કેન્દ્ર સરકાર વગેરે પાસેથી લોન મેળવે છે. બાદમાં પર્યાપ્ત આવક ન હોવાના કારણે આ લોનની રકમ અને તેના પરના વ્યાજમાં સતત વધારો થતો રહે છે.પરિણામ સ્વરુપ કુલ દેવુ વધીને 587 કરોડ થઇ ગયું છે. આશ્ર્ચર્યની વાત તો એ છે કે, વર્ષો પહેલાં જામ્યુકોએ રાજ્ય સરકાર પાસે લીધેલી અછત અંગેની 2.64 કરોડની લોન પરનું વ્યાજ જ રૂા. 10.63 કરોડ થયું છે. તેવી જ રીતે પાણી પુરવઠા બોર્ડને રૂા. 184 કરોડ, સિંચાઇ વિભાગને રૂા. 100 કરોડ તથા ડીપી ટીપી વળતર પેટે રૂ. 14 કરોડની રકમ ચૂકવવાની બાકી છે.

મહાપાલિકાએ એક વર્ષ માટે જાહેર કરી વેરા વ્યાજ માફી યોજના

મહાપાલિકા દ્વારા મિલકત વેરા, વોટર ચાર્જ અને વ્યવસાય વેરાની બાકી રોકાતી રકમની વસૂલાત માટે વ્યાજ માફી યોજના જાહેર કરવામાં આવી છે. મહાપાલિકા દ્વારા આવક વધારવાના પ્રયાસના ભાગરૂપે બાકી રોકાતી વેરાની વસુલાત ઝડપથી આવે તે માટે 100 ટકા વ્યાજ માફીની યોજના જાહેર કરવામાં આવી છે. વર્ષ 2006 સુધીની રેંટ બેઇઝ પધ્ધતિ મુજબની મિલકત વેરા તથા વોટર ચાર્જની રકમ ઉપર 100 ટકા વ્યાજ માફી જાહેર કરવામાં આવી છે. 1 એપ્રિલ 2021થી 31 માર્ચ 2022 સુધી આ યોજના અમલી રહેશે. આ ઉપરાંત 2006થી અમલમાં આવેલ કાર્પેટ બેઇઝ પધ્ધતિ મૂજબ બાકી વેરાની રકમ ઉપર 50 ટકા વ્યાજ રાહતની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના પણ 31 માર્ચ 2022 સુધી અમલમાં રહેશે. આ ઉપરાંત જામનગર મહાપાલિકાની હદમાં વ્યવસાય કરતાં તમામ લોકોને નિયમ અનુસાર વ્યવસાય વેરો ભરપાઇ કરવાનો રહેશે. તે અનુસાર નાણાંકિય વર્ષ 2021-22 અંતર્ગત વ્યવસાય વેરાની પૂરેપૂરી રકમ ભરપાઇ કરનાર તમામ વ્યવસાય ધારકો માટે ત્રણ માસ એટલે કે, 1 એપ્રિલ થી 30 જૂન સુધી 100 ટકા વ્યાજ માફી યોજના પણ જાહેર કરવામાં આવી છે. ત્યારબાદ એટલે કે, 01 જુલાઇથી 31 માર્ચ 2022 સુધી 50 ટકા વ્યાજ રાહત આપવામાં આવશે. જામ્યુકો દ્વારા જાહેર કરવામાં આવેલી આ વ્યાજમાફી યોજનાનો લાભ લેવા માટે શહેરીજનોને અનુરોધ કરવામાં આવ્યો છે.

લોકડાઉનમાં બંધ રહેલી દુકાનોનો છ માસનો ટેકસ માફ કરવા માંગ

જામનગર મહાનગરપાલિકાના વર્ષ 2021-22ના બજેટમાં દુકાનોનો ટેકસ માફ કરવા વોર્ડ નં. 15ના કોર્પોરેટર આનંદ રાઠોડ દ્વારા કમિશનરને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે, કોરોનાની મહામારી દરમિયાન સરકારની ગાઇડલાઇન મુજબ અંદાજે છ મહિના સુધી જામનગર શહેરના વેપારીઓએ દુકાનો બંધ રાખી હતી. સરકારની સૂચના મુજબ વેપારીઓએ સરકારની ગાઇડલાઇનનું પાલન કર્યું હતું. એક પણ રૂપિયાની આવક વિના તેમની દુકાન તથા મોલની જામનગર મહાનગરપાલિકા ટેકસ વસુલતી હોય, તમામ ગ્રાહકોને છ મહિનાના ટેકસની માફી આપવા માંગણી કરવામાં આવી છે. કારણ કે, વેપારીઓએ સરકારની ગાઇડલાઇન મુજબ દુકાનો, મોલ વગેરે બંધ રાખ્યા હતાં. તો તેમાં ટકસ લેવો કાયદાની વિરુધ્ધ કહેવાય આથી જો ટેકસ વસુલવામાં આવશે તો જામનગર મહાનગરપાલિકા વિરુધ્ધ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવાની પણ ચિમકી ઉચ્ચારવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.