Abtak Media Google News

અબતક દૈનિકમાં અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ તંત્ર સફાળું જાગ્યું

Mang

Advertisement

ખેતીની જમીન અને દરીયાકાંઠાના ગામોમાં ખારાશને આગળ વધતી અટકાવવા માટે માંગરોળ પંથકની જીવાદોરી સમાન નોળી-નેત્રાવતી સ્પ્રેન્ડિંગ કેનાલનું વર્ષોથી અધુરું રહેલું કામ આજે શરૂ થતાં ભૂમિપૂત્રોમાં હર્ષની લાગણી છવાઈ છે. સરકારી મશીનરીના ઉપયોગથી આગામી પંદર દિવસમાં આ કામ પૂર્ણ થયા બાદ કેનાલની સફાઈ હાથ ધરવામાં આવશે તેમ ઘેડ વિસ્તાર પેટા વિભાગના કા.ઈજનેર ડાભીએ જણાવ્યું હતું.

ભૂગર્ભના પાણીના તળ ઊંચા આવે તેમજ દરીયાના ખારા પાણીને ખેતીની જમીનમાં પ્રસરતા અટકાવવા માટે માંગરોળના શીલથી શારદાગ્રામ બંધારા સુધી ૧૯ કિ.મિ.ની કેનાલમાં ૭૦ મીટરના કટકાનું કામ બાકી હતું. છેલ્લા ૧૩ વર્ષોમાં કોર્ટમેટર અને ત્યારબાદ એજન્સીની ઘોર બેદરકારીને લીધે કેનાલનું જોડાણ પૂર્ણ ન થતા ૫૦૦ થી ૭૦૦ ખેડુતો લાભથી વંચિત રહેતા હતા. સમયનો વધુ વેડફાટ થતો અટકાવવા એજન્સી કે કોન્ટ્રાક્ટરને કામ આપવાને બદલે સરકારી મશીનરીના ઉપયોગથી કામગીરી હાથ ધરવામાં આવે તેવી ખેડુતોમાં તીવ્ર માંગ ઉઠી હતી.

શાપુર, શેરીયાજ, મક્તુપુર, શીલ ,લોએજ, રહીજ સહિતના ગામોની આશરે ૩૦૦૦ હેક્ટર જમીન માટે ફાયદાકારક એવી આ કેનાલના બાકી કામ અંગે આજુબાજુના ખેડુતો, સરપંચો, ખારાશ મહાસંધની અવારનવાર રજૂઆતો તથા પત્રકાર સંધની જહેમત રંગ લાવી હોય તેમ નવા વર્ષે જ આ કામગીરીની આડેથી વિઘ્ન દૂર થયું છે. આજે બાકી રહેલા ૭૦ મીટરનું કામ પૂર્ણ કરવા સરકારી મશીનરીથી કામગીરીનો ધમધમાટ શરૂ કરાયો છે. કામ પૂર્ણ થયે શીલથી શારદાગ્રામ બંધારા સુધી કેનાલ સળંગ થઈ જશે અને ખેડૂતો પિયત માટેનું પાણી પણ મેળવી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.