Abtak Media Google News

વિવિધ પ્રશ્ર્ને સરકાર દાદ ન દેતી હોય તલાટી મંડળ આકરા પાણીએ : પંચાયતોની કામગીરી ખોરવાઈ

રાજ્યના તલાટી કમ મંત્રી(પંચાયત)ની વિવિધ પડતર માંગણીઓ સરકાર ન સ્વિકારતાં આંદોલન શરૂ થયું છે. આજે ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળના આદેશ અનુસાર માસ સી.એલ. મૂકી તલાટી મંત્રીઓએ તાલુકા મથકે બેનર સાથે દેખાવો કર્યા હતા. તમામ પ્રકારની ઓનલાઈન કામગીરી તથા મહેસૂલી કામગીરીમાં તલાટી કમ મંત્રી કેડરના પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી બહિષ્કાર કરવાનો નિર્ણય લેતાં પંચાયતની તમામ કામગીરી ઠપ્પ થઈ જવાની દહેશત સેવાય છે.

તલાટી મંત્રી સંવર્ગના પડતર પ્રશ્નો અંગે રજુઆત પછી રાજ્ય સરકાર દ્વારા વર્ષ-ર018માં આપેલ બાંહેધરીનું સતત 3 વર્ષની રજૂઆત પછી પણ ઉકેલ ન આવતાં રાજ્ય મહામંડળના આદેશ અનુસાર જિલ્લા તલાટી મંત્રી મહામંડળ દ્વારા સરકારને જગાડવા માટે તા.7 સપ્ટેમ્બરથી આવેદનપત્ર આપી રજૂઆતનો દોર શરૂ કર્યો હતો. ઉકેલ નહીં આવતાં ત્યાર પછી જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યા છે.

કાળીપટ્ટી ધારણ કરી કામગીરી ચાલુ રાખી અને ગત તા.ર7ના રોજ તમામ તલાટી મંત્રીઓએ ફરજ પર હાજર રહી પેનડાઉન કાર્યક્રમ યોજ્યો હતો પરંતુ ગુજરાતની જૂની સરકારની સાથે નવી સરકારે પણ તલાટી કમ મંત્રીઓના પડતર પ્રશ્ન મુદ્દે કોઈ સંવેદના ન દાખવતાં ન છૂટકે અગાઉથી નિર્ધારીત કરેલા કાર્યક્રમ અનુસાર આજે વધુ તલાટી કમ મંત્રીઓએ માસ સી.એલ. મૂકી તાલુકા પંચાયત કચેરી આગળ બેનર સાથે દેખાવો કર્યા હતા અને એ સાથે જ પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી ઓનલાઈન કામગીરી-મહેસૂલી કામગીરીનો બહિષ્કારનું એલાન આપ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.