Abtak Media Google News

બોટાદના ગઢડામાં ૪ ઈંચ, સુરેન્દ્રનગરના વઢવાણમાં ૨॥ ઈંચ, રાજકોટના પડધરીમાં ૨ ઈંચ વરસાદ: ૧૬ જળાશયોમાં પાણીની આવક

ગુજરાતમાં હજુ નૈઋત્યના ચોમાસાનો વિધિવત આરંભ થયો નથી. પ્રિ-મોન્સુન એક્ટિવીટીના ભાગરૂપે પડી રહેલા વરસાદથી સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ભારે જમાવટ થઈ છે. સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં વાવણીલાયક વરસાદ વરસી જતાં જગતનો તાત ખેતી કામમાં મશગુલ થઈ ગયો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૧૫૩ તાલુકાઓમાં વરસાદ વરસ્યો હોવાનું નોંધાયું છે. સતત પડી રહેલા વરસાદના કારણે ૧૬ જળાશયોમાં નવા નીરની આવક થવા પામી હોવાનું નોંધાયું છે.

Advertisement

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યાનુસાર છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૧૫૩ તાલુકાઓમાં વરસાદ પડ્યો હોવાનું નોંધાયું છે. સૌથી વધુ વરસાદ મહેસાણામાં ૯૪ મીમી અને બોટાદના ગઢડામાં ૯૨ મીમી જેટલો વરસી ગયો છે. પ્રિ-મોન્સુન એક્ટિવીટીના ભાગરૂપે સૌરાષ્ટ્રમાં છેલ્લા એક સપ્તાહથી સતત વરસાદ પડી રહ્યો છે. વાવણીલાયક વરસાદથી જગતાત ખુશ-ખુશાલ થઈ ગયો છે. ગઈકાલે ગઢડામાં ૪ ઈંચ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત સુરેન્દ્રનગરના વઢવાણમાં ૨॥ ઈંચ, રાજકોટના પડધરીમાં ૨ ઈંચ, સુરેન્દ્રનગરના સાયલામાં ૧॥ ઈંચ, ચુડાસમાં ૧ ઈંચ, તાલાલા-ગારીયાધાર-લાઠી-ઉમરાળા-ખંભાળીયા-લખતર-લોધીકામાં ૧ ઈંચ જેટલો વરસાદ પડ્યો હોવાનું નોંધાયું છે. આગામી ૫ દિવસ સુધી હજુ રાજ્યમાં વરસાદની આગાહી આપવામાં આવી છે.

સતત વરસી રહેલા વરસાદને કારણે છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૧૬ જળાશયોમાં નવા નીરની આવક થવા પામી છે. જેમાં ફોફળમાં ૦.૮૯ ફૂટ, આજી-૨માં ૦.૩ ફૂટ, આજી-૩માં ૦.૧૬ ફૂટ, સુરવોમાં ૦.૬૬ ફૂટ, વેરીમાં ૦.૩૩ ફૂટ, લાલપરીમાં ૦.૭ ફૂટ, છાપરવાડી-૨માં ૩.૮૦ ફૂટ, મચ્છુ-૧માં ૦.૨૦ ફૂટ, મચ્છુ-૨માં ૦.૧૩ ફૂટ, બ્રાહ્મણી-૨માં ૦.૯૮ ફૂટ, મચ્છુ-૩માં ૦.૩૩ ફૂટ, વઢવાણ ભોગાવો-૨ ૦.૩૦ ફૂટ, લીંબડી ભોગાવોમાં ૦.૨૦ ફૂટ, વાસલમાં ૧.૬૪ ફૂટ, ત્રિવેણી ઠાંગામાં ૬.૫૬ ફૂટ અને સાકરોલીમાં ૩.૦૮ ફૂટ નવા પાણીની આવક થવા પામી છે.

હવામાન વિભાગના જણાવ્યાનુસાર દક્ષિણ ગુજરાત અને ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર ઉપર ૨.૧ કિ.મી.ની ઉંચાઈ પર અપરએર સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય છે. જેની અસરના કારણે આગામી બે દિવસ સુધી સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના રહેલી છે. અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પણ વરસી શકે.

રાજુલા

રાજુલામાં ધીમી ધારે ૧૪ મીમી વરસાદ પડ્યો છે. જો કે રાજુલા શહેર અને રાજુલાની આસપાસના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડતા નદી નાળાઓમાં પાણી છલકાઈ ગયેલ છે. જો કે, રાજુલા ડેમ સાઈટની ઉપર પાસમાં જોરદાર વરસાદને કારણે રાજુલા-જાફરાબાદ શહેરને પાણી પૂરું પાડતો ધાતરવાડી-૧ ડેમ ૭૫% ભરાઈ ગયેલ છે. આ ડેમની કુલ સપાટી ૩૪ ફૂટ છે. જેમાં ૨૭ ફૂટ ભરાઈ ગયો છે.

જૂનાગઢ

સોરઠ પંથકમાં ભીમ અગિયારસના મુહૂર્તથી જ વરસાદનું વાતાવરણ જામવા લાગ્યું હતું, છેલ્લા ત્રણ દિવસથી શરૂ થયેલા વરસાદના નવા રાઉન્ડમાં જુનાગઢ, ભેસાણ, મેંદરડા, વિસાવદર, કેશોદ, વાંથલી સહિતના સોરઠ પંથકમાં એક થી ત્રણ ઇંચ સુધીના વરસાદના પગલે વાવણી લાયક વરસાદ થઇ જતા સમગ્ર વિસ્તારમાં ખેડૂતોએ વાવણીની તૈયારીઓ શરૂ કરી છે, અને આ વખતે મોટાભાગે મગફળી અને કપાસનું વાવેતર થઇ રહ્યું છે. બીજીબાજુ જુનાગઢ પંથકમાં બે દિવસ સુધી વરસેલા વરસાદ બાદ છેલ્લા ૩૬ કલાક દરમિયાન ક્યાંય નોંધપાત્ર વરસાદ છૂટા છવાયા છાંટા સિવાય નોંધાયો નથી, પરંતુ ગઇકાલે આખો દિવસ વરસાદનું વાદળિયું વાતાવરણ રહ્યું છે ત્યારે ગઈકાલે વરસાદના વિરામને પગલે સોરઠ પંથકમાં સીમમાં ધરતી પુત્રોનો ધમધમાટ જોવા મળી રહ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.