Abtak Media Google News
સવારથી રાજ્યના 80 તાલુકાઓમાં મેઘ મહેર: ક્વાંટમાં 18 ઇંચ, જાંબુખેડામાં 17 ઇંચ, જેતપુર પાવીમાં 16 ઇંચ વરસાદ: હજી ચાર દિવસ મેઘરાજા ગુજરાતને ધમરોળશે

ગુજરાતમાં ચોમાસુ પૂર બહારમાં સક્રિય થયું છે. છેલ્લા એક સપ્તાહથી રાજ્યમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન 33 જિલ્લાના 218 તાલુકાઓમાં વરસાદ પડ્યો હોવાનું નોંધાયું છે. સૌથી વધુ વરસાદ મધ્ય ગુજરાતના છોટા ઉદેપુર જિલ્લાના બોડેલીમાં સુપડાધારે 22 ઇંચ ખાબક્યો છે. અમદાવાદને પણ મેઘરાજાએ ધમરોળી નાખ્યું હતું. સૌરાષ્ટ્રમાં પણ છેલ્લા 24 કલાક દરમિયાન હળવા ઝાપટાથી લઇ પાંચ ઇંચ સુધી વરસાદ વરસી ગયો હતો. હજુ ચાર દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે સવારથી રાજ્યના 80 તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે. રાજકોટમાં પણ મેઘાવી માહોલ જામ્યો છે. આકાશમાં કાળા ડિંબાગ વાદળોનો જમાવડો જામ્યો હોય ગમે ત્યારે મેઘરાજા મનમૂકીને વરસે તેવા સુખદ આસાર વર્તાઇ રહ્યા છે.

રવિવારે રાજ્યમાં સાર્વત્રિક મેઘકૃપા વરસી હતી. અત્યાર સુધી મધ્ય ગુજરાતમાં કંજૂસાઇ દાખવતા મેઘરાજાએ ગઇકાલે સુપડાધારે હેત વરસાવ્યું હતું. પૂર્વીય મધ્ય ગુજરાતના અમદાવાદ જિલ્લામાં અડધાથી લઇ નવ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. જ્યારે છોટા ઉદેપુર જિલ્લામાં તો બારે મેઘ ખાંગા થયા હોય તેમ 5 ઇંચથી લઇ 22 ઇંચ સુધી વરસાદ પડી ગયો હતો. ખેડા જિલ્લામાં પણ 1 થી લઇ 6 ઇંચ સુધી, આણંદ જિલ્લામાં 1 થી 5॥ ઇંચ સુધી, વડોદરા જિલ્લામાં દોઢથી લઇ 4 ઇંચ સુધી, પંચમહાલ જિલ્લામાં બે થી લઇ 17 ઇંચ સુધી, મહિસાગર જિલ્લામાં અડધાથી લઇ અઢી ઇંચ સુધી જ્યારે દાહોદ જિલ્લામાં અડધાથી લઇ ત્રણ ઇંચ સુધી વરસાદ પડ્યો હતો.

કચ્છમાં પણ મેઘરાજાએ કાલે મનમૂકીને વરસ્યા હતા. અલગ-અલગ તાલુકાઓમાં અડધાથી ચાર ઇંચ સુધી વરસાદ પડ્યો હતો. ઉત્તર ગુજરાતમાં મેઘાનું હેત થોડું ઓછું રહેવા પામ્યું હતું. અહીં 6 જિલ્લાઓમાં હળવા ઝાપટાથી લઇને ત્રણ ઇંચ સુધી વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્રમાં પણ ગઇકાલે મેઘરાજાએ ધીમી ધારે હેત વરસાવતા ઝાપટાથી લઇ 5 ઇંચ સુધી પાણી વરસાવ્યું હતું. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું જોર રહ્યું હતું. ભરૂચ જિલ્લામાં અડધા લઇ બે ઇંચ સુધી, નર્મદા જિલ્લામાં ત્રણથી લઇ આઠ ઇંચ સુધી, તાપી જિલ્લામાં દોઢથી લઇ સાત ઇંચ સુધી, સુરત જિલ્લામાં એકથી લઇ પાંચ ઇંચ સુધી, નવસારી જિલ્લામાં અઢીથી લઇ આઠ ઇંચ સુધી, વલસાડ જિલ્લામાં એકથી લઇ નવ ઇંચ સુધી અને ડાંગ જિલ્લામાં નવથી લઇ 11 ઇંચ સુધી વરસાદ વરસી ગયો હતો. રાજ્યમાં આજ સુધીમાં મોસમનો કુલ 36.07 ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. હજુ ચાર દિવસ સુધી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

કચ્છ પર મેઘો મહેરબાન: મોસમનો 65.45 ટકા વરસાદ વરસી ગયો

અબડાસા અને મુંદ્રામાં 3॥ ઇંચ, માંડવીમાં અઢી ઇંચ, ભૂજમાં દોઢ ઇંચ, નખત્રાણામાં બે ઇંચ, ગાંધીધામ અને લખપણમાં એક ઇંચ વરસાદ

આ વર્ષે કચ્છ પર મેઘરાજા વધુ પડતા મહેરબાન થયા હોય તેવું લાગી રહ્યું છે. જુલાઇ માસનું પ્રથમ પખવાડીયું પણ પુરૂં થયું નથી. ત્યાં કચ્છ રિજીયનમાં સિઝનનો 65.45 ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. ગઇકાલે પણ કચ્છ જિલ્લામાં સાર્વત્રિક મેઘ મહેર જોવા મળી હતી. ઝાપટાથી લઇ 3॥ ઇંચ સુધી વરસાદ પડ્યો હતો. આજે સવારથી કચ્છ જિલ્લામાં ધીમી ધારે મેઘરાજા કૃપા વરસાવી રહ્યા છે.

વર્ષ-1992થી લઇ 2021ની સરેરાશ જોવામાં આવે તો કચ્છ રિજીયનમાં ચોમાસાની સિઝન દરમિયાન સરેરાશ 456 મીમી વરસાદ પડે છે. દરમિયાન જુલાઇ માસના પ્રથમ 10 દિવસ સુધીમાં કચ્છમાં સરેરાશ 260 મીમી એટલે કે સિઝનનો 65.45 ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. જે રાજ્યમાં સૌથી વધુ છે. ગઇકાલે અબડાસા અને મુંદ્રામાં 3॥ ઇંચ વરસાદ પડ્યો હતો. માંડવીમાં અઢી ઇંચ, નખત્રાણામાં બે ઇંચ, ભૂજમાં દોઢ ઇંચ, ગાંધીધામ અને લખપતમાં એક-એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. આજે સવારથી માંડવીમાં અડધો ઇંચ વરસાદ પડ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.