Abtak Media Google News

વીજળી, પાણી, એસટી બસની સુવિધામાં ધાંધીયાથી લોકોમાં રોષ

બગસરા ગ્રામ પંચાયતે મોરબી પાણી પુરવઠા અધકારીને પત્ર લખી પીવાનું પાણી નિયમિત પૂરું પાડવા બાબતે માંગ કરી છે. ગામ પંચાયતે પત્ર લખી જણાવ્યું છે કે નાનાભેલા ગામથી બગસરા ગામને પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. નાના ભેલા ગામથી ભાવપર સુધી જૂની પાઇપ લાઈન હોય તે બદલાવી નવી પાઇપ લાઇન નાખી આપવા રજૂઆત કરી છે. તેમજ નાના ભેલાં ગામની આજુબાજુમાં પાણીનો વાલ લીકેજ હોય તેમજ વારંવાર પાણીના ટેંકરો ભેલા ગામે પાણી ભરવા આવતા હોય જેથી બગસરા ગામને પૂરતું પાણી ફોર્સથી મળતું નથી. જેથી ગ્રામ પંચાયત ગામમાં સાત આઠ દિવસે અલગ અલગ વિસ્તારમાં પાણી વિતરણ કરવા મજબૂર બની છે. તેથી નાના ભેલા ગામ વાલ રીપેર કરી એરવાલ ન હોય તો નાખી ફોર્સથી પાણી વિતરણ બગસરા ગામમાં થાય તેવી માંગ કરવામાં આવી છે. તેમજ જો માંગ 10 દિવસમાં નહિ સંતોષાય તો ગામના લોકોને સાથે કચેરીએ ધરણાં પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

Advertisement

જ્યારે એસટી બાબતે બગસરા ગ્રામ પંચાયતે મોરબી એસટી ડેપો મેનેજરને પત્ર લખીને એસટી બસ બગસરા ગામ સુધી લંબાવવાની માંગ કરી છે. ગ્રામ પંચાયત એસટી વિભાગને પત્ર લખતા જણાવ્યું છે કે એસટી વિભાગની તમામ બસો જે ભાવપર ગામ સુધી આવે છે. તેને બગસરા ગામ સુધી લંબાવવામાં આવે તેમજ બગસરા ગામના 15 થી 20 જેટલા વિદ્યાર્થીઓ અને પાસેના ગામના 20 જેટલા વિદ્યાર્થીઓ નાના ભેલા ગામે આવેલ પ્રાથમિક ઉચ્ચતર માધ્યમિક સ્કૂલમાં અભ્યાસ કરતા હોય ગામમાં ખાનગી વાહનો ઓછી સંખ્યામાં ચાલતા હોય તેમજ ગામના ગરીબ પરિવારોને પરવડે તેમ ન હોય તેથી એસટી વિભાગ દ્વારા વિધાર્થીઓને ધ્યાનમાં રાખીને સવારે 07:30 થી 12:30 કલાક આસપાસ નવો રૂટ શરૂ કરવામાં આવે અને ગામના લોકો માટે ભાવપર ગામ ખાતે આવતી એસ.ટી બસો બગસરા ગામ સુધી લંબાવવામાં આવે તેવી ગામ પંચાયત દ્વારા માંગ કરવામાં આવી છે.

તેમજ લાઈટના ધાંધિયા બાબતે માળીયા મીયાણા તાલુકાના બગસરા ગ્રામ પંચાયત દ્વારા મોરબી પીજીવીસીએલ મુખ્ય ઇજનેરને પત્ર લખી રજૂઆત કરવામાં આવી હતી કે, ગ્રામ પંચાયત દ્વારા વીજ નાયબ ઇજનેરને 9 તારીખના રોજ લેખિત રજૂઆત કરવામાં આવી હતી. તેમજ ગામના લોકો દ્વારા હેલ્પ લાઇન નંબર ઉપર પણ ફરિયાદો કરવામાં આવી હતી. જેમાં ગામમાં લોડ વધારવામાં આવે તેમજ પોલ પરથી વાયરો નીચે પડી શકે તેમ છે. અને જુના ટીસીના મેન્ટેનન્સ તેમજ જુના પોલ બદલાવી નવા પોલ નાખી આપવા રજૂઆત કરાઈ હતી. ગામમાં છેલ્લા કેટલાક સમયથી યોગ્ય મેન્ટેનન્સ ન થતું હોવાથી લાઈટના ધાંધિયા થઈ રહ્યા છે. તેથી ગ્રામ પંચાયતે લેખિત રજૂઆત કરી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી હતી. તેમજ 15 દિવસમાં યોગ્ય કામગીરી કરવામાં નહિ આવે તો ગામના લોકોને સાથે રાખીને ધરણાં પ્રદર્શન કરવાની ગ્રામ પંચાયત દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.