Abtak Media Google News

સોશિયલ મીડિયાએ અત્યારે દેશની મોટી આબાદીને પોતાના કબ્જે કરી છે. દરેક યુવાન હોય કે વૃદ્ધ કે પછી સમજણું થયેલું બાળક આ બધા સોશિયલ મીડિયા પ્રત્યે ઘેલછા ધરાવે છે. પણ હવે સોશિયલ મીડિયા જોખમી બન્યું હોય લોકો ધીમે ધીમે તેનો ઉપયોગ ઘટાડતા જશે તેવું તારણ છે.

એઆઈના પ્રવેશથી હવે સોશિયલ મીડિયા જોખમી બની રહ્યું છે

50 ટકાથી વધુ વપરાશકર્તાઓ કાં તો સોશિયલ મીડિયા છોડી દેશે અથવા તેમના ઉપયોગને મર્યાદિત કરશે. આ ખોટી માહિતી, હાનિકારક વપરાશકર્તા અને બોટોના પ્રસારને કારણે છે. ગાર્ટનરના સર્વેમાં આ વાત સામે આવી છે. સર્વેક્ષણ મુજબ, સોશિયલ મીડિયામાં અપેક્ષિત એઆઈ ઉપયોગની અસર વિશે ચિંતા વધારે છે અને 10માંથી 7 કરતાં વધુ વપરાશકર્તાઓ સહમત છે કે એઆઈનું વધતુ પ્રમાણ સોશિયલ મીડિયામાં વધુ નુકસાન પહોંચાડશે.

ગાર્ટનર દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં જાણવા મળ્યું છે કે 53 ટકા ગ્રાહકો માને છે કે સોશિયલ મીડિયાની વર્તમાન સ્થિતિ ગયા વર્ષ અથવા પાંચ વર્ષ પહેલાંની સરખામણીમાં વધુ ખરાબ થઈ છે.  સોશિયલ મીડિયામાં એઆઈના અપેક્ષિત ઉપયોગની અસર વિશે ચિંતા વધારે છે અને 10 માંથી 7 થી વધુ ગ્રાહકો સહમત છે કે એઆઈનું સોશિયલ મીડિયામાં વધુ એકીકરણ વપરાશકર્તાના અનુભવને નુકસાન પહોંચાડશે.

એઆઈ એ ખૂબ ઉપયોગી પણ છે અને ખૂબ ખતરનાક પણ છે. તાજેતરમાં જ અભિનેત્રી  રશ્મિકા મંદાનાના ડીપ ફેક વિડીયોએ ખૂબ હોબાળો મચાવ્યો હતો. હજુ પણ વડાપ્રધાન મોદીના ડીપ ફેક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યા છે. આમ સોશિયલ મીડિયા અને એઆઈનું મિશ્રણ થતા હવે સ્થિતિ જોખમી બની રહી છે. એટલે જ સોશિયલ મીડિયામાં ખાસ કરીને મહિલાઓ સાવચેત બનતી દેખાઈ રહી છે.

બીજી તરફ એ પણ વાસ્તવિકતા છે કે સોશિયલ મીડિયાનો ક્રેઝ તાજેતરમાં જ વધ્યો હતો. વધ્યો એટલે એ હદે વધ્યો કે અતિરેક જ થઈ ગયો. એટલે હવે લોકોને તેનો મોહભંગ થવાનો શરૂ થઈ ગયો છે. ઘણા લોકો તો હવે સુરક્ષાની દ્રષ્ટિએ પણ સોશિયલ મીડિયાનો બેફામ ઉપયોગ કરતા બંધ થઈ ગયા છે.

ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયાનો વ્યાપ દેશમાં ખૂબ વધી ગયો છે. પણ હજુ તેને અનુરૂપ સાયબર સુરક્ષા વિકસાવવામાં આપણે નબળા પુરવાર થયા છીએ. નેતાઓ અને સનદી અધિકારીઓના સોશિયલ મીડિયા હેક થઈ જાય છે અને પૈસાની માંગણીઓ થાય છે છતાં આરોપીઓ પકડાતા નથી. તો પછી સામાન્ય લોકોનું સુરક્ષાની હાલત શુ હશે તે કલ્પના બહાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.